Get The App

વેનેઝૂએલામાં સત્તા પરિવર્તન નથી થયું સત્તાનો જુગાર ખેલાયો છે : યુરેશિયા ગ્રુપના અધ્યક્ષ ઈયાન બ્રેવર

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
વેનેઝૂએલામાં સત્તા પરિવર્તન નથી થયું સત્તાનો જુગાર ખેલાયો છે : યુરેશિયા ગ્રુપના અધ્યક્ષ ઈયાન બ્રેવર 1 - image

- આથી તાઇવાન પર હુમલો કરવાની ચીનને પરમિટ મળી જશે

- અમેરિકા કહે છે 'વેનેઝૂએલાએ રશિયા, ચીન, ઈરાન, ક્યુબા અને હીઝબુલ્લાહ સાથે સંબંધો તોડવા અમે વેનેઝૂએલાને કહ્યું હતું તે ન કરતાં આ કાર્યવાહી કરવી પડી'

નવી દિલ્હી : અમેરિકાએ વેનેઝૂએલા ઉપર કરેલી કાર્યવાહી અંગે 'યુરેશિયા ગ્રુપપ'ના અધ્યક્ષ ઈયાન બ્રેવરે ઉગ્ર પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, 'વેનેઝૂએલામાં કરાયેલી કાર્યવાહી સત્તા પરિવર્તન નહીં સત્તાનો જુગાર છે.'

એન.ડી. ટીવી સાથેની વાતચીતમાં બ્રેવરે કહ્યું કે વાસ્તવમાં ત્યા રચાયેલી નવી સરકાર પણ જૂની સરકાર જેવી જ છે. વાસ્તવમાં અમેરિકાએ કહ્યું હતું કે, વેનેઝૂએલાએ રશિયા, ચાયના, ક્યુબા, ઈરાન અને હીઝબુલ્લાહ સાથે સંબંધો તોડી નાખવા જોઈએ અને અમેરિકાને તેના તેલ અને ખનીજ ભંડારો સુધી પહોંચવા દેવું જોઈએ તેમજ ડ્રગ્સની નિકાસ બંધ કરવી જોઈએ. (જોકે વેનેઝુએલાએ પોતે ડ્રગ્સની નિકાસ કરતા હોવાના આક્ષેપને રદિયો આપ્યો છે) અને જો તેમ નહીં કરે તો અમેરિકા તેની ઉપર લશ્કરી કાર્યવાહી કરશે જ.

અમેરિકાએ વેનેઝૂએલા પર કરેલા હુમલા અને તેના પ્રમુખ નિકોલસ માદુરો તથા તેમના પત્નીનું અપહરણ કરી તેમની ઉપર ન્યૂયોર્કની કોર્ટમાં ચલાવેલી કાનૂની કાર્યવાહીની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે.

ટ્રમ્પનાં પગલાંનો વ્હાઈટ હાઉસનાં પ્રવક્તાએ તો બચાવ કર્યો જ હતો, ઉપરાંત અમેરિકાનાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના અધ્યક્ષ માઈક જહોનર્સને કહ્યું હતું કે આ સત્તા પરિવર્તન નહીં વ્યવહારમાં પરિવર્તન કરવાની માંગણી છે.

તેઓને જે કહેવું હોય તે કહે તેમ કહેતા વિશ્લેષકો સ્પષ્ટ ભીતિ દર્શાવે છે કે, ટ્રમ્પની આ કાર્યવાહી તાઇવાન પર હુમલો કરવાની 'પરમીટ' આપી દેશે. તેમ કહી શકશે કે અમેરિકાનો વેનેઝૂએલા પર કરાયેલ હુમલો જો યોગ્ય ગણાય તો અમે તેવા જ કારણસર તાઇવાન ઉપર હુમલો કરીએ તો તે યોગ્ય જ કહેવો જોઈએ.

ટૂંકમાં આ હુમલાએ અત્યારે તો મધપૂડો છંછેડી દીધો છે.