નિત્યાનંદના નકલી હિન્દુ રાષ્ટ્ર 'કૈલાસ'ની અમેરિકાના 30 શહેરો સાથે છેતરપિંડી
- સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી પછી નિત્યાનંદનું વધુ એક કૌભાંડ
- નકલી દેશની વિગતો સામે આવતા નેવાર્ક સિટી કાઉન્સિલે તાત્કાલિક 'સિસ્ટર સિટી' કોન્ટ્રાક્ટ રદ કર્યો
ન્યૂજર્સી : ભારતમાંથી ભાગેડૂ બળાત્કારી વિવાદાસ્પદ કથિત સ્વામી નિત્યાનંદ અને તેનું કાલ્પનિક 'હિન્દુ રાષ્ટ્ર' કૈલાસ ફરી એક વખત ચર્ચામાં છે. નિત્યાનંદના કાલ્પનિક દેશે અમેરિકાના ન્યૂજર્સી સ્થિત સિટી ઓફ નેવાર્ક સહિત ૩૦ શહેરો સાથે છેતરપિંડી કરી છે. નેવાર્કે પણ કબૂલ્યું છે કે એક નકલી હિન્દુ રાષ્ટ્ર સાથે 'સિસ્ટર સિટી' કોન્ટ્રાક્ટ કરીને તે એક કૌભાંડનો શિકાર બન્યું છે.
નેવાર્ક સિટીના મેયર રેસ બરાંકાએ નિત્યાનંદના નકલી દેશ કૈલાસના પ્રતિનિધિઓને નેવાર્ક સિટી હોલમાં સાંસ્કૃતિક વ્યાપારિક કરાર માટે આમંત્રણ આપ્યું હતું. ત્યાં નેવાર્ક સિટીના અધિકારીઓએ કૈલાસના પ્રતિનિધિઓ સાથે 'સિસ્ટર સિટી'નો કોન્ટ્રાક્ટ કર્યો. કરારના દસ્તાવેજો પર હસ્તાક્ષર થયા અને તેમણે ફોટો પણ પડાવ્યા. જોકે, દુનિયામાં કૈલાસ જેવો કોઈ દેશ અસ્તિત્વ જ ધરાવતો નથી તેવું સામે આવતા નેવાર્ક સિટીના તંત્રમાં દોડધામ મચી ગઈ. નેવાર્ક સિટી કાઉન્સિલે તાત્કાલિક અસરથી કૈલાસ સાથે થયેલા સિસ્ટર સિટી કરાર નકારી કાઢ્યા.
નેવાર્ક સાથેની આ ઘટના પ્રકાશમાં આવતાં અમેરિકામાં નિત્યાનંદનું કૌભાંડ ઊજાગર થવા માંડયું. અમેરિકામાં નેવાર્ક એકમાત્ર એવું શહેર નથી જેણે નિત્યાનંદના નકલી દેશ સાથે સિસ્ટર સિટી કરાર કર્યા હોય. આ કાલ્પનિક દેશ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસની વેબસાઈટ મુજબ તેણે અમેરિકાના ૩૦ શહેરો સાથે આવા કરાર કર્યા છે. ફોક્સના રિપોર્ટ મુજબ અનેક શહેરોના મેયર્સે આ પ્રકારના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
કેટલાક અહેવાલ મુજબ આ શહેરો સાથે આ પ્રકારના કરાર કરવા માટે વિનંતી કરાઈ હતી. એટલે કે કૈલાસે બધા જ શહેરોને કરાર કરવા માટે વિનંતી કરી હતી.