For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નિત્યાનંદના કૈલાશાએ અમેરિકાના 30 શહેરો સાથે કર્યા ફેક કરાર, ભૂલનું ભાન થતાં અમેરિકી પસ્તાયા

સ્વઘોષિત ભગવાન અને કાલ્પનિક દેશ કૈલાસાના સ્થાપક નિત્યાનંદે અમેરિકાના 30 શહેરો સાથે છેતરપિંડી આચરી હતી

નિત્યાનંદના કૈલાસાએ સિસ્ટર સિટી એગ્રીમેન્ટ કર્યા હતા, અમેરિકી શહેરોએ કહ્યું - અમારે પહેલા તપાસ કરી લેવાની જરૂર હતી

Updated: Mar 18th, 2023

image : Twitter


દુષ્કર્મ અને અપહરણ જેવા ગંભીર કેસમાં આરોપી અને ભારતમાંથી ફરાર નિત્યાનંદ હવે અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્વઘોષિત ભગવાન અને કાલ્પનિક દેશ કૈલાસાના સ્થાપક નિત્યાનંદે અમેરિકાના 30 શહેરો સાથે છેતરપિંડી આચરી હતી. તેનો ખુલાસો થતાં જ હવે અમેરિકાના શહેરો એ વાતનો અફસોસ કરી રહ્યા છે કે તેઓએ નિત્યાનંદની અગાઉ તપાસ કેમ ન કરી? 

શું હોય છે સિસ્ટર સિટી એગ્રીમેન્ટ? 

છેતરપિંડીનો આ મામલો સિસ્ટર સિટી એગ્રીમેન્ટને લઈને સામે આવ્યો છે. ખરેખર આ કરાર કોઈપણ બે દેશના બે શહેરો વચ્ચે થાય છે.  તેનાથી બે શહેરો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવાય છે. અમેરિકાની વાત કરીએ તો ડ્વાઈટ ડેવિડ આઈઝનહોવર વર્ષ 1955માં ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની સત્તા સંભાળનાર આઈઝનહોવરે સિસ્ટર સિટીઝ ઈન્ટરનેશનલ (SCI)ના રૂપમાં પહેલ કરી હતી.

કયા કયા શહેરો સાથે કરી છેતરપિંડી? 

ભાગેડુ નિત્યાનંદે પણ અમેરિકાના આ સિસ્ટર સિટી કરારનો લાભ ઊઠાવ્યો હતો. એક અહેવાલ મુજબ નિત્યાનંદે તેમના 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા' દ્વારા 30 થી વધુ અમેરિકન શહેરો સાથે સિસ્ટર સિટી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર કરનારા શહેરોમાં નેવાર્ક, રિચમન્ડ, વર્જિનિયા, ડેટોન, ઓહિયો, બુએના પાર્ક અને ફ્લોરિડા જેવા મહત્વના અમેરિકી શહેરો સામેલ છે.

નિત્યાનંદે શું દાવો કર્યો હતો? 

કૈલાસાએ 12 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકાના ન્યુ જર્સી કાઉન્ટીના સૌથી મોટા શહેર નેવાર્ક સાથે સિસ્ટર-સિટી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ માટે નેવાર્કના સિટી હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતી વખતે નિત્યાનંદે અમેરિકાના 30થી વધુ શહેરો સાથે કૈલાસાના કરારનો દાવો કર્યો હતો.

તપાસ હાથ ધરાઇ 

હાલમાં અમેરિકામાં તપાસ કરવામાં આવી રહી છે કે શું આવા અન્ય શહેરો છે કે જેની સાથે નિત્યાનંદના કૈલાસાએ નકલી કરાર કર્યા છે. એક અહેવાલ અનુસાર સમજૂતીના મુદ્દે તેમની પ્રતિક્રિયા જાણવા માટે અમેરિકાના કેટલાક શહેરોના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી. તેમાં મોટાભાગના 30 શહેરોએ પુષ્ટિ કરી કે તેઓએ ભૂલથી નિત્યાનંદના કૈલાસા સાથે સિસ્ટર-સિટી કરાર કર્યો હતો.

કૈલાસાને સમર્થન નહીં આપવાની વાત કહેવાઈ 

નોર્થ કેરોલિના કાઉન્ટીના જેક્સનવિલે શહેર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કૈલાસાને સમર્થન આપતા નથી. તેમણે અમને વિનંતી કરી હતી, પરંતુ અમે તેમની વિનંતી સ્વીકારી નથી. અહેવાલમાં આ છેતરપિંડીનો ભોગ બનેલા કેટલાક અમેરિકન શહેરોને પણ જવાબદાર ઠેરવાયા  હતા. રિપોર્ટ અનુસાર જો શહેરના જવાબદાર અધિકારીઓએ ગુગલ પર નિત્યાનંદ વિશે સર્ચ કર્યું હોત તો આ પ્રકારની ભૂલ ન થઈ હોત.

નિત્યાનંદે કર્યો ખોટો દાવો 

રિપોર્ટ અનુસાર, ભાગેડુ નિત્યાનંદે દાવો કર્યો હતો કે અમેરિકી કોંગ્રેસના બે સભ્યોએ કૈલાસાને વિશેષ માન્યતા આપી હતી. તેમાંથી એક કેલિફોર્નિયાના અમેરિકી કોંગ્રેસના મહિલા સભ્ય નોર્મા ટોરેસ છે. નોર્મા ગૃહની વિનિયોગ સમિતિમાં પણ સામેલ છે. દાવા મુજબ, ઓહાયોના રિપબ્લિકન સાંસદ ટ્રોય બાલ્ડરસને પણ કૈલાસાને માન્યતા આપવા માટે મંજૂરી આપી હતી.

નેવાર્ક શહેરથી શું પ્રતિક્રિયા આવી 

સુસાન ગારોફાલો, નેવાર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન્સના પ્રેસ સેક્રેટરીએ એજન્સીને જણાવ્યું હતું કે નેવાર્ક શહેરે કૈલાસાની આસપાસના સંજોગોની જાણ થતાં જ સિસ્ટર સિટી કરારને રદ કરવા માટે ઝડપથી કાર્યવાહી કરી હતી. તેમણે છેતરપિંડીના આધારે આયોજિત કાર્યક્રમને પણ રદબાતલ જાહેર કર્યો હતો. જો કે, ગારોફાલોએ પણ તે ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.

Gujarat