World

ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડયાની નિખિલ ગુપ્તાની કબૂલાત

By GS TEAM
15 Feb 20262 mins read
ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડયાની નિખિલ ગુપ્તાની કબૂલાત

નિખિલ સાથે કોઈપણ સંબંધનો ભારત સરકારનો ઈનકાર

નિખિલ ગુપ્તા દોષિત ઠરે તો ૪૦ વર્ષની કેદની સજા થઈ શકે, યુએસ સરકારે કોર્ટમાં ૨૪ વર્ષની સજાની માગ કરી

ન્યૂયોર્ક: ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા આરોપી નિખિલ ગુપ્તાએ અંતે અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં પોતાનો ગૂનો કબુલી લીધો છે. તેણે કબૂલી લીધું છે કે પન્નુની હત્યા માટે તેણે અમેરિકાના એક કથિત ગુનેગારને સોપારી આપી હતી. તેની આ કબૂલાતે આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરક્ષા એજન્સીઓ અને કૂટનીતિક ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. જોકે, ભારત સરકારે ઘણા સમય પહેલા જ નિખિલ ગુપ્તા સાથે તેને કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ૫૪ વર્ષીય નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક સિટી સ્થિત મેનહટન ફેડરલ કોર્ટમાં ત્રણ ગૂનાના આરોપોમાં દોષ કબૂલ્યો છે, જેમાં હત્યા માટે સોપારી આપવાનું કાવતરું, હત્યાનું કાવતરું અને મની લોન્ડરિંગના કાવતરાંનો સમાવેશ થાય છે. 

અમેરિકન એટર્ની ઓફિસ મેનહટનના પ્રવક્તા મુજબ નિખિલ ગુપ્તા આ આરોપો હેઠળ દોષિત ઠરશે તો તેને મહત્તમ ૪૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે, તે ન્યાયાધીશના વિવેક પર નિર્ભર હોય છે, પરંતુ અમેરિકન સરકારે નિખિલ ગુપ્તાને ૨૧થી ૨૪ વર્ષની સજાની માગ કરી છે. આ કેસમાં ૩૦ માર્ચથી સુનાવણી થવાની હતી. આ ગુનાની કબૂલાતથી નિખિલ ગુપ્તા હાઈ-પ્રોફાઈલ ટ્રાયલથી બચી જશે. નિખિલ ગુપ્તાએ અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ પોતાનો દોષ કબૂલ્યો  હતો. જોકે, આ કેસમાં હજુ સુધી તેના વકીલો તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ નિખિલ ગુપ્તાને જૂન ૨૦૨૪માં અમેરિકા લવાયો હતો.  આ પહેલા તેની ચેક ગણરાજ્યમાંથી ધરપકડ કરાઈ હતી, જ્યાં લગભગ એક વર્ષ સુધી તેને કેદમાં રખાયો હતો. ચેક ગણરાજ્યમાંથી પ્રત્યાર્પણ પછી નિખિલ ગુપ્તાને ન્યૂયોર્કની બૂ્રકલિન સ્થિત જેલમાં રખાયો હતો.   ભારત સરકારે આ સમગ્ર કેસમાંથી પોતાને અલગ રાખતા સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના કોઈપણ કાવતરાંમાં તેની કોઈ ભૂમિકા નથી અને આવી પ્રવૃત્તિઓ સરકારી નીતિ વિરુદ્ધ છે. આ સમગ્ર કેસમાં 'રો'ના અધિકારી વિકાસ યાદવનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું.