- સહરાની દક્ષિણે રહેલાં દેશોમાં વારંવાર હુમલા થાય છે
- બોરગુ સ્થાનિક સરકારી કોલોનીમાં આતંકીઓએ ગોળીબારોને લીધે કાસુવાન-દાજી ગામમાં હુમલો કરી આતંકીઓએ ઘરોને આગ લગાડી
નવી દિલ્હી : ઉત્તર પશ્ચિમ નાઇજીરીયામાં આવેલાં કાસુવાન-દાજી ગામમાં રવિવારે સાંજે આતંકીઓએ અચાનક ગોળીબારો કરતાં ૩૦ના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતાં. આતંકીઓએ ઘરોને આગ લગાડી દીધી હતી અને યુવતીઓ સહિત અનેકનાં અપહરણ કર્યાં હતાં. પોલીસે પણ આ ગમખ્વાર ઘટનાના અહેવાલોને પુષ્ટિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, માત્ર નાઇજીરિયા જ નહીં પરંતુ સહરાની દક્ષિણે રહેલા તમામ દેશોમાં કટ્ટરપંથી આતંકીઓના વારંવાર હુમલા થતાં રહે છે.
આ હુમલા અંગે ખેદ વ્યક્ત કરતાં કોન્ટાગોરા ડાયોસેસે સ્થિત કેથોલિક ચર્ચના પ્રવકતા રેલરન્ડ ફાધર સ્ટીફન કબીરાથે જણાવ્યું હતું કે ૩૦ નહીં પરંતુ વાસ્તવમાં ૪૦ લોકોના આ હુમલામાં મૃત્યુ થયાં છે. હુમલાખોરોએ છેલ્લા આઠેક દિવસથી આ શહેર ફરતા ફરી શહેરની બરોબર રેકી કરી નાખી હતી.
આ હુમલો નાઇજીરીયાની કેટલીક આતંકી ટોળીઓએ કર્યો હોવાનું માનવામાં આવે છે. તેઓ ઉત્તર નાઇજીરીયાનાં જંગલોમાં છૂપાઈ રહે છે, ખાસ કરીને કાબે જિલ્લાનાં નેશનલ પાર્ક ફોરેસ્ટમાં છુપાઈ રહે છે. આતંકીઓના ત્રાસથી હવે સરકારી વનરક્ષકો પણ જંગલ છોડી જતા રહ્યાં છે. આવાં જંગલો અને ઝાડીઓ કટ્ટરપંથી આતંકીઓના અડ્ડા બની રહ્યાં છે. જ્યાંથી તેઓ વારંવાર હુમલા કરતા રહે છે.
આ છેલ્લો હુમલો પાપીરી જાતિના ગામ ઉપર થયો હતો. આ વિસ્તારમાંથી જ નવેમ્બર મહીનામાં એક કેથોલિક સ્કૂલમાંથી ૩૦૦ બાળકો અને સીસ્ટર્સ (ટીચર્સ)ને આતંકીઓ ઉઠાવી ગયા હતા. હજી તેઓને છોડાવી શકાયાં નથી.


