Get The App

ન્યુઝીલેન્ડના 2561 મીટર ઉંચા ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકાર મળ્યા

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ન્યુઝીલેન્ડના 2561 મીટર ઉંચા  ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકાર મળ્યા 1 - image


- માઓરી જનજાતિએ વર્ષો સુધી લડેલી કાનુની લડાઇ પછી 

- દુનિયામાં ઘણા સ્થળે માણસને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે ત્યારે આ પર્વતની ઇકો સિસ્ટમ પરના અત્યાચારને કોઇ નિદોર્ષ માણસ પર થતા દમનની કેટેગરીમાં ગણવામાં આવે છે

Newzealand news: અરવલ્લી પહાડીઓની ઉંચાઇ અને પર્યાવરણનો વિવાદ ચાલે છે ત્યારે ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર આવેલા ટારાનાકી નામના ૨૫૬૧ મીટર ઉંચા પર્વતને માણસને હોય તેવા અધિકારો આપીને રક્ષણ કરવામાં આવે છે. 

ન્યૂઝીલેન્ડની સંસદ દ્વારા 31 જાન્યુઆરીના રોજ માઉન્ટ ટારાનાકી પર ગેર કાયદેસર કબ્જા અંગે માફી માંગીને 'ટારાનાકી માઉંગા કલેકેટિવ રિડ્રેસ બિલ' પાસ કરીને દાયકાઓ જુની ભૂલ સુધારવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે જનજાતિઓના ટારાનાકી પર્વત અને આસપાસના વિસ્તારને લિગલ પર્સનલ હુડ ગણીને માનવતાનો દાખલો બેસાડયો છે. કાનુની રીતે ટારાનાકી પર્વત નિર્જીવ પદાર્થ નહી હોવાથી પર્વતની ઇકો સિસ્ટમ પર થતા અત્યાચારને કોઇ નિદોર્ષ માણસ પર થતા અત્યાચારની કેટેગરીમાં ગણવામાં આવે છે. 

ટારાનાકી માઉંગા તરીકે ઓળખાતા માઉન્ટ ટારાનાકી પર્વતનું કાનુની નામ 'કાહુઇ ટુપુઆ' આપવામાં આવ્યું છે જેમાં માત્ર પર્વત જ નહી તેની આસપાસના શિખરો અને જમીનનો પણ સમાવેશ થાય છે.

આ પર્વત હાઇકિંગ અને બરફની રમતો માટેનું એક લોકપ્રિય સ્થળ છે 

ટારાનાકી ઇલાકામાં વસેલા મૂળ નિવાસીઓએ પોતાના પૂર્વજ પર્વત પરના અધિકારો મેળવવા માટે જે લાંબી લડાઇ લડવી પડી છે તેના મૂળિયા ૨૦૦ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડનું વસાહતીકરણ થયું તેની સાથે જોડાયેલા છે.  સ્થાનિક જનજાતિઓ માટે પર્વત ભૌતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરામસ્થાન અને ભરણપોષણનો સ્ત્રોત રહયો છે. માઉન્ટ ટારાનાકીને માણસ જેવા અધિકારો મળ્યા પછી પર્વતને કોઇ નુકસાન પહોંચાડવા કે તેની ઇકો સિસ્ટમને બદલવા પ્રયાસ કરશે તેની વિરુધ સરકાર અને સ્થાનિક જનજાતિઓ કાયદેસરના પગલા ભરી શકે છે. ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ પરનો આ સૌથી ઉંચો પર્વત હાઇકિંગ અને બરફની રમતો માટેનું એક લોકપ્રિય સ્થળ રહયું છે. પહાડો પર આવન જાવનના અધિકારોમાં કોઇ ફેરફાર કરાયો નથી. હરવા ફરવાના આનંદ સાથે પર્યાવરણની વિશેષ જાળવણીની ફરજ પણ અદા કરવી પડે છે.

ઇસ 1840માં બ્રિટિશરો દ્વારા મૂળ નિવાસીઓ પાસેથી પર્વત પડાવી લેવાયો હતો.

ઇસ 1770માં બ્રિટિશ સંશોધક કેપ્ટન જેમ્સ કૂકે તેના જહાજમાંથી શિખર જોયું જેનું નામ માઉન્ટ એગમોન્ટ રાખ્યું હતું જેનું નામ બદલીને માઉન્ટ ટારાનાકી થયું હતું.  ઇસ 1840માં બ્રિટિશ ઉપનિવેશવાદ કાળમાં વેટાંગી સંધી હેઠળ પર્વત અને આસપાસની જમીન માઓરી લોકો પાસેથી પડાવીને ગેર માઓરી લોકોને સોંપી દેવામાં આવી હતી. સંધિમાં ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસીઓની જમીન અને સંસાધનોના અધિકાર જાળવવાની વાત હતી પરંતુ સંધિનું બ્રિટિશ તાજ દ્વારા જુદું જ અર્થઘટન થયું હતું. ઇસ 1865માં તાજ સામે બળવો કરવા બદલ માઓરીને સજા કરવા માટે પર્વત સહિત અંદાજે 10 લાખ એકર પર જમીન  પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેવાયો હતો એટલું જ નહી માઓરીઓની પર્વત સાથે સંકળાયેલી પરંપરાઓ અને પ્રથાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ સમયે સંધિનું ઉલંઘન કરીને જનજાતિઓ પર ખૂબ અત્યાચાર થયા તેની કડવાશ દાયકાઓ સુધી રહી હતી. 

ટે ઉરેવેરા જંગલ અને વાંગાનુઇ નદીને પણ સજીવ ગણવામાં આવે છે 

જો કે ન્યૂઝીલેન્ડમાં પ્રાકૃતિક વસ્તુને માણસ જેવા અધિકારો આપવાનો આ પહેલો કેસ નથી. અગાઉ 2014માં ન્યૂઝીલેન્ડમાં પસાર થયેલા કાયદા દ્વારા ઉત્તર ટાપુ પરના વિશાળ મૂળ જંગલ ટે ઉરેવેરાને વ્યકિત જેવા અધિકારો આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. જંગલની સરકારી માલિકી બંધ થઇ જતા એક સ્થાનિક જનજાતિ જંગલની રક્ષણહાર બની હતી. ટે ઉરવેરા પ્રાચીન અને ટકાઉ હોવાથી પ્રકૃતિનો કિલ્લો માનવામાં આવે છે જે ઇતિહાસ સાથે જીવંત છે. 2017માં ન્યૂઝીલેન્ડે તેના સ્થાનિક લોકો અને જનજાતિઓ સાથેના સમાધાનના ભાગરુપે વાંગાનુઇ નદીને પણ સજીવ તરીકેે માન્યતા આપી હતી. ન્યુઝિલેન્ડમાં વિવિધ જનજાતિઓ અને સ્વદેશી સમૂહોની વસ્તી 9 લાખ કરતા પણ વધારે છે.