- મમદાની પાસે ન્યૂયોર્કના મેયર તરીકે 'સીઈઓ' જેવી સત્તા
- અમેરિકન બંધારણમાં હોમ રૂલના અધિકાર હેઠળ શહેરોના મેયરોને વ્યાપક અધિકારો અપાયા છે
ન્યૂયોર્ક: અમેરિકામાં મેયરો એક કંપનીના સીઇઓની જેમ કામકાજ કરે છે. તેઓ શહેરને એક કંપનીની જેમ ચલાવે છે. અહીં પર્ફોર્મન્સ ધ્યાનમાં લેવાય છે પ્રોટોકોલ નહીં. અમેરિકન શહેરોના મેયરો સીઇઓની જેમ બજેટ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પોલીસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંભાળે છે. ભારતની સાથે તો તેની તુલના જ થઈ શકે તેમ નથી, કારણ કે ભારતમાં મેયરોની કામગીરી ઔપચારિક હોય છે.
ન્યૂયોર્કની વસ્તી એક કરોડથી વધુ, ૧૦ લાખ બાળકો પબ્લિક સ્કૂલોમાં ભણે છે, પોલીસ કર્મચારીની સંખ્યા ૩૦ હજાર
અમેરિકન શહેરના મેયરે શહેરને કાર્પોરેટ હાઉસની જેમ ચલાવવું પડે છે. તેણે બજેટ જોવું પડે છે, પોલીસની કામગીરી પર ધ્યાન રાખવું પડે છે, સ્કૂલો પર ધ્યાન આપવું પડે છે અને રોકાણકારો સાથે સતત બેઠકો કરવી પડે છે. આમ અમેરિકન મેયર તે શહેરની ઇકોનોમી અને રોજિંદી જીવનશૈલીનું એન્જિન છે. આમ ન્યૂયોર્ક શહેરના મેયર મમદાની હવે અમેરિકાના તે પ્રભાવશાળી મેયરોની પંક્તિમાં સામેલ થશે, જેમને પોતાના શહેરના સીઇઓ તરીકે કામ કરવાનો અધિકાર મળ્યો છે.
ન્યૂયોર્ક શહેરનું બજેટ ૧૨૦ અબજ ડોલરનું છે. તેના ત્રણ લાખથી વધુ કર્મચારીઓ છે. તેની જીડીપી ૧.૩ ટ્રિલિયન ડોલરની છે. ન્યૂયોર્કમાં લગભગ દસ લાખ બાળકો પબ્લિક સ્કૂલોમાં ભણે છે. અહીં ૩૦ હજાર પોલીસ કર્મચારી છે. કોઈપણ સમયે શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે છે. તેણે જણાવ્યું હતું કે આ એક બહુ મોટી જવાબદારી છે.
ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને શિકાગો શહેરોમાં મજબૂત મેયર પ્રણાલિની વ્યવસ્થા અમલી છે. અહીંનો મેયર કોઈ રાજકીય કારોબારીને રિપોર્ટ કરતો નથી, પરંતુ તે પોતાના અધિકાર સીધા બંધારણમાંથી મેળવે છે. આના કારણે જ અમેરિકન મેયરોની પાસે વ્યાપક સ્વાયત્તતા હોય છે. ભારતમાં શહેરોના મેયરો તો હોય છે, પરંતુ વાસ્તવિક સત્તા તો રાજ્ય સરકારો પાસે જ હોય છે.
અમેરિકન શહેરોનું માળખું અલગ છે. દરેક શહેરનું પોતાનું સિટી ચાર્ટર કે બંધારણ હોય છે. તેનો આધાર નગરના વહીવટીતંત્ર પર હોય છે. મજબૂત મેયરવાળા શહેરોમાં ન્યૂયોર્ક, શિકાગો, લોસ એન્જલસ, ફિલાડેલ્ફિયા, હ્યુસ્ટન, સાનફ્રાન્સિસ્કો અને એટલાન્ટાના મેયર પાસે વ્યાપક અધિકારો હોય છે. તેઓ વિભાગીય વડાઓને નીમી શકે છે અથવા તો તેને બરખાસ્ત કરી શકે છે. બજેટ બનાવે છે, સિટી કાઉન્સિલના નિર્ણયને વીટો કરી શકે છે. આ શહેરોના મેયર વાસ્તવમાં શહેરના વહીવટીતંત્ર, નીતિ નિર્માણ અને વિકાસ યોજનાઓના પ્રમુખ હોય છે. અમેરિકાના બંધારણમાં શહેરોને હોમરૂલનો અધિકાર મળે છે.તેના હેઠળ રાજ્ય સરકારો શહેરોને વ્યાપક સત્તા આપે છે. આના પગલે હવે મમદાણી ૧૦૦ અબજ ડોલરથી પણ વધુનું બજેટ ધરાવતા ન્યૂયોર્ક શહેરને સંભાળશે.


