પાકિસ્તાને પણ જારી કર્યો નવો નકશો, કાશ્મિર-લદ્દાખ, જુનાગઢ પર પણ કર્યો દાવો
ઇસ્લામાબાદ, 4 ઓગસ્ટ 2020 મંગળવાર
ભારત અને નેપાળની વચ્ચે સરહદ વિવાદ થયા બાદ જે રીતે નેપાળ સરકારે કોઈ પણ વાતચીત વગર પોતાના દેશનો નકશો જાહેર કરીને ભારત સાથેના વિવાદાસ્પદ વિસ્તારોને પોતાના ગણાવ્યા, તે જ રીતે પાકિસ્તાને પણ હવે તેની પાલેથી શિખવાનું શરૂ કરી દીધું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારનાં એક બેઠક દરમિયાન પાકિસ્તાનનો નવો નકશો લાગુ કરી દીધો છે અને તેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરનાં સિયાચિન સહિત ગુજરાતના જૂનાગઢ પર પોતાનો દાવો કર્યો છે.
પાકિસ્તાને આ પગલું 5 ઑગષ્ટથી પહેલા ઉઠાવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવાને એક વર્ષ પૂર્ણ થવાનું છે.
ઇમરાન ખાને કેબિનેટની બેઠક બાદ પાકિસ્તાનનો પોલિટિકલ મેપ જાહેર કર્યો છે. આ નકશામાં સિયાચિનને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે અહીં ગેરકાયદેસર રીતે નિર્માણ કરી રાખ્યું છે.
એટલું જ નહીં, એ માનતા કે સરક્રિકમાં ભારત સાથે તેનો વિવાદ છે, પાકિસ્તાને સ્પષ્ટ કહી દીધું છે કે તેણે આ વિસ્તારનો પોતાના નકશામાં સમાવેશ કરી લીધો છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પાકિસ્તાન પહેલા પણ દાવો ઠોકતું રહ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે તેણે ગુજરાતનાં જૂનાગઢ-માણવદરને પણ પોતાના ભાગમાં સામેલ કર્યું છે. પાકિસ્તાને નવા નકશામાં જ્યાં ભારતીય વિસ્તારો પર પોતાનો દાવો ઠોક્યો છે.
તો જે ભાગને લઇને ચીન અને ભારત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેને અનડિફાઇન્ડ ફ્રન્ટિયર ગણાવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે હવે પાકિસ્તાન આ નકશો સંયુક્ત રાષ્ટ્રની સામે રજૂ કરવાની તૈયારીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સાથે સરહદ વિવાદ બાદ નેપાળે પણ આવું કર્યું હતુ. લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના ગણાવતા નેપાળ સરકારે પોતાના દેશનો નવો નકશો જાહેર કરી દીધો હતો. ત્યારબાદ આ નકશાને સંસંદમાં પસાર કર્યો.
ખાસ વાત એ છે કે નેપાળનાં વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીએ કહ્યું કે દેશનો ચીન સાથે કોઈ સરહદ વિવાદ નથી, ભારતની સાથે છે. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા લીધું છે જ્યારે જમ્મુ-કાશ્મીરથી ભારત સરકારની કલમ 37૦ હટાવી તેનું એક વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે.