નવો કોરોના વાઇરસ બ્રિટન, ડેન્માર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સાઉથ આફ્રિકામાં પણ દેખાયો
નવા સ્વરૂપના કોરોના વાયરસના એલર્ટ પછી યુરોપમાં ફફડાટ
ભારતે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ રદ્ કરીઃ રશિયા, મોરોક્કો, કેનેડા, ઈઝરાયેલ, ઈટાલી, સ્પેન જેવા દેશોએ પણ બ્રિટનની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી/લંડન, તા. ૨૧
બ્રિટનમાં નવા સ્વરૃપનો કોરોના જોવા મળતા ફફડાટ ફેલાયો હતો. ન્યૂ સ્ટ્રેઈન કોરોના વાયરસના કારણે દહેશત ફેલાઈ જતાં દુનિયાભરના દેશોએ બ્રિટન સાથે હવાઈ મુસાફરી બંધ કરી દીધી હતી. બ્રિટન ઉપરાંત ડેન્માર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી અને સાઉથ આફ્રિકામાં ન્યૂ સ્ટ્રેઈન કોરોના વાયરસ જોવા મળ્યો હતો.
નવા સ્વરૃપના કોરોના વાયરસ જોવા મળ્યા પછી ભારતે બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિટનમાં કોરોનાનો હાહાકાર મચી જતાં ભારત ઉપરાંતના ઘણાં દેશોએ પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયા, મોરોક્કો, કેનેડા, ઈઝરાયેલ, ઈટાલી, સ્પેન જેવા અસંખ્ય દેશોએ બ્રિટન સાથે હવાઈ વહેવાર બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.
બ્રિટનમાં વાયરસના નવા સ્ટ્રેનની જાણકારી મળતા દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. નિષ્ણાતોના મતે ન્યૂ સ્ટ્રેઈન કોરોના વાયરસનો ઉદ્ભવ બ્રિટનમાં થયો હોવાનું મનાય છે, પરંતુ તે બ્રિટન ઉપરાંતના ડેન્માર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સાઉથ આફ્રિકામાં પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ફ્રાન્સ અને સ્પેનમાં પણ ન્યુ સ્ટ્રેઈન વાયરસ હોવાની શક્યતા હોવાથી સરકારી સ્વાસ્થ્ય વિભાગને હાઈએલર્ટ કરાયો છે.
બ્રિટનમાં ઝડપભેર કોરોનાના કેસ વધી રહ્યા છે. એ સ્થિતિ વચ્ચે યુરોપિયન સંઘના ઘણાં દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતે પણ બ્રિટનમાં કોરોનાની સ્થિતિ જોયા પછી બ્રિટનથી આવતા બધી જ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. મધરાતથી જ બધી ફ્લાઈટ્સ બંધ થઈ ગઈ હતી. એ પહેલાં આવેલી ફ્લાઈટ્સના મુસાફરોની સઘન મેડિકલ તપાસ કરાઈ હતી.
નાગરિક ઉડ્ડયન વિભાગના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે આગામી ૩૧મી ડિસેમ્બર સુધી બ્રિટનની બધી જ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ૩૧મી પછી ફરીથી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.
ભારત પહેલાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, ગ્રીસ, જોર્ડન, ગલ્ફ દેશો, બેલ્જિયમ, કોલંબિયા, ચેક રિપબ્લિક સહિતના દેશોએ બ્રિટનમાં નવા પ્રકારના કોરોના વાયરસની પુષ્ટી થઈ પછી બ્રિટિશ ફ્લાઈટ્સને નો એન્ટ્રી કરી દીધી હતી.