નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઇરાન પર હુમલો કરવાની ફિરાકમાં હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇઝરાયેલના લશ્કરના ભારે વિરોધના પગલે નિર્ણય મોકૂફ રાખવો પડયો
- ઇઝરાયેલમાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ પીએમ અને લશ્કરના ટોચના અધિકારીઓ વચ્ચે ઇરાન પર હુમલાને લઈ ભારે સંઘર્ષના અહેવાલ
- નેતન્યાહુ ઇઝરાયેલમાં ૧૯ વર્ષથી સત્તા પર, વર્તમાન ચૂંટણી તેમની રાજકીય કારકિર્દીની અંતિમ ચૂંટણી સાબિત થઈ શકે
જેરુસલેમ : ઇઝરાયેલમાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ એવા અહેવાલ ફરતાં થયા હતા કે ચૂંટણી પૂર્વે જ પીએમ નેતન્યાહુનો ઇરાન પર હુમલો કરવાને લઈને ઇઝરાયેલના લશ્કરના ટોચના અધિકારીઓ સાથે જબરદસ્ત સંઘર્ષ થયો છે. પીએમે ઇરાન સામે પગલાં લેવાનો આદેશ આપ્યો અને આર્મીને તેને લઈને નવેસરથી ઇરાન સાથે યુદ્ધ છેડાવવાની સંભાવના હોવાનુ લાગતા હુમલો ન કરતા નેતન્યાહુ અને આર્મી ચીફ ઓફ સ્ટાફ વચ્ચે જબરદસ્ત સંઘર્ષ થયો હોવાના અહેવાલ છે. જો કે પીએમ નેતન્યાહુએ આ વાત નકારી કાઢી હતી.
નેતન્યાહુની ઓફિસે આ વાત નકારી કાઢતા તેને ફેક ન્યુઝ ગણાવ્યા હતા. આ અહેવાલ ઇઝરાયેલની ચેનલ ૧૨ પર પ્રકાશિત થયો હતો. સંરક્ષણ પ્રધાન કાત્ઝે આ અહેવાલ નકારી કાઢ્યો છે. કાત્ઝે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇરાન પર હાલમાં હુમલાની કોઈ વાત જ નથી. હા, જો ઇરાન હુમલો કરે તો ઇઝરાયેલ ચોક્કસ પ્રતિકાર કરશે.
આ અહેવાલના પગલે ઇઝરાયેલના વિપક્ષે સરકાર પર આરોપોની ઝડી વરસાવી છે. વિપક્ષનો આરોપ છે કે નેતન્યાહુ તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે પ્રાદેશિક સ્થિરતાને દાવ પર લગાવી રહ્યા છે. નેતન્યાહુના ભૂતપૂર્વ હરીફ અને પૂર્વ લશ્કરી વડા ગેડી આઇસેનકોટે ચેતવણી આપી હતી કે નેતન્યાહુએ તેમના રાજકીય હિતોને દેશના હિતથી ઉપર ન મૂકે. તેમણે સોશિયલ મીડિયા પર પોસટ કર્યુ હતું કે નેતન્યાહુ મારા પર તમારી નજર છે.
ઇઝરાયેલમાં ૨૭મી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીને લઈને કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળે તેમ માનવામાં આવતું નથી. તેથી ચૂંટણીપૂર્વેના જોડાણો ઘણા મહત્ત્વના નીવડી શકે છે. ૧૨૦ સભ્યોની ઇઝરાયેલી સંસદમાં કોઈપણ જોડાણને બહુમતી માટે ૬૧ બેઠક મળવી જરુરી છે. નેતન્યાહુ ૧૯ વર્ષથી ઇઝરાયેલના વડાપ્રધાન રહ્યા છે અને સૌથી લાંબો સમય પીએમ રહેવાનો રેકોર્ડ છે. તેમની આ અંતિમ ચૂંટણી પણ હોઈ શકે છે. ઇઝરાયેલના અન્ય વિપક્ષ ઇઝરાયેલ બેતેન્યુ પાર્ટીએ એટર્ની જનરલને પત્ર લખીને માંગ કરી છે કે નેતન્યાહુએ ચૂંટણીની પૂર્વ સંધ્યાએ દેશને યુદ્ધમાં ઘસડી લઈ જવાના કરેલા પ્રયત્ન બદલ તેમની સામે ફોજદારી તપાસની માંગ કરવામાં આવે.
ઇઝરાયેલના વર્તમાન પીએમ નેતન્યાહુ પર આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને લાંચના પણ અનેક આરોપો લાગેલા છે અને સુપ્રીમ કોર્ટમાં તેમની સામે કેસ પણ ચાલે છે. જો કે તેમણે બધા આરોપો નકાર્યા છે. હવે ઇઝરાયેલની પ્રજા વર્તમાનમાંથી કોઈપણ જોડાણને બહુમતી આપે તેવા સર્વેક્ષણ પછી આ ચૂંટણીમાં સત્તા કોણ મેળવશે તેના પર ફક્ત ઇઝરાયેલ જ નહીં પણ મધ્યપૂર્વની સાથે આખા વિશ્વની નજર છે. નેતન્યાહુ ૧૯૯૬થી લિકુડ પાર્ટીમાંથી કુલ ૧૯ વર્ષ સત્તા પર રહી ચૂક્યા છે. જ્યારે ટૂંકા ગાળા માટે સત્તા ભોગવનારા નફતાલી બેનેટ તેમના વિપક્ષી જોડાણના વધુ એક હરીફ છે. ઇઝરાયેલ પર ૨૦૨૩માં થયેલા આતંકી હુમલા પછી આ પહેલી ચૂંટણી છે. તેના પછી ઇઝરાયેલ ૭૫ હજાર પેલેસ્ટાઇનીઓને ખતમ કરી ચૂક્યુ છે અને ગાઝાપટ્ટી તેણે રીતસર પચાવી જ પાડી છે. હવે તે વેસ્ટ બેન્કમાં આગળ વધી રહ્યુ છે. આ સંજોગોમાં ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કના લોકો પણ તેમની સ્થિતિમાં કોઈ ફેર પડવાનો ન હોવા છતાં ઉચ્ચક જીવે આ ચૂંટણી જોઈ રહ્યા છે.




