Get The App

નેતન્યાહૂએ કહ્યું : ગાઝા પર કબ્જો નહીં જમાવીએ, તેને હમાસથી મુક્ત કરીશું

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
નેતન્યાહૂએ કહ્યું : ગાઝા પર કબ્જો નહીં જમાવીએ, તેને હમાસથી મુક્ત કરીશું 1 - image

- ગાઝા પર કબ્જો જમાવવા સામે દુનિયાભરમાં વિરોધ

- અમે ગાઝાપટ્ટીનું લશ્કરીકરણ દૂર કરી ત્યાં નાગરિક સરકાર સ્થાપીશું અમારો હેતુ બંધકોની મુક્તિ અને ભાવી ધમકી બંધ કરવાનો છે

તેલઅવીવ : ઈઝરાયલી લશ્કર દ્વારા ગાઝા ઉપર કબ્જો જમાવવાની નેતન્યાહૂની યોજના સામે દુનિયાભરમાંથી વિરોધ જાગ્યો છે. તે વિરોધમાં ખુદ ઈઝરાયલની જનતા પણ સામેલ થઈ છે. તે સંયોગોમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે, 'અમે ગાઝા શહેર કે ગાઝાપટ્ટી પર કબ્જો જમાવવા માગતા જ નથી. અમે ત્યાંથી હમાસ ત્રાસવાદીઓને દૂર કરવા માગીએ છીએ.'

તે સર્વવિદિત છે કે અત્યારે ગાઝાપટ્ટીમાં વ્યાપક ભૂખમરો છે, ત્યાં ભારે દુષ્કાળ પણ છે. ત્યાં હજી પણ રહેલા ૨૦ લાખ જેટલા પેલેસ્ટાઇનીઓ અત્યંત કરૂણ હાલતમાં જીવી રહ્યા છે. હવે દુનિયાભરમાંથી વિશેષતઃ અમેરિકામાંથી ત્યાં ખાદ્ય પદાર્થો તથા ઔષધીઓની સહાય પહોંચતી હતી તે ઈઝરાયલે બંધ કરાવતાં ગાઝાપટ્ટીની હાલત દયનીય બની રહી હતી.

આ સંયોગોમાં અમેરિકાએ તેમજ યુરોપીય સંઘના દેશોએ દબાણ કરતાં ઈઝરાયલને ખાદ્ય પદાર્થો, ઔષધીઓ વગેરે ગાઝામાં જવા દેવા છૂટ આપવી પડી હતી.

બીજી તરફ ઈઝરાયલના મજબૂત ટેકેદાર તેમાં જર્મનીએ ત્યાં શસ્ત્રો મોકલવાની ના કહી હતી. આથી ઢીલા પડેલાં ઈઝરાયલે કહ્યું, 'અમે ત્યાં કબ્જો જમાવવા માગતા નથી માત્ર હમાસ ત્રાસવાદીઓને પરાસ્ત કરવાનું અને હજી પણ હમાસના કબ્જામાં રહેલા ૪૯ બંધકોને મુક્ત કરાવવાનું ત્યાં લશ્કરી શાસન દૂર કરી નાગરિક સરકાર સ્થાપવાનું અને અમોને મળતી ધમકીઓ દૂર કરવાનું અમારૂં ધ્યેય છે.'