World

ઇરાન સાથેની 'સ્ફોટક' પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન દ્વારા સંપર્ક સાધ્યો

By GS TEAM
15 Jun 20252 mins read
ઇરાન સાથેની 'સ્ફોટક' પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન દ્વારા સંપર્ક સાધ્યો

- ઇઝરાયલે કરેલા પ્રચંડ હુમલા પછી, ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું : આ માટે ઇઝરાયલ અને અમેરિકા બંનેને ભારે કિંમત ચૂકવવી પડશે

નવી દિલ્હી : ઇરાન સાથે ઇઝરાયલની પરિસ્થિતિ હવે, માત્ર તંગદિલી ભરી જ ન રહેતાં સ્ફોટક બની ગઇ છે, તે વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધ્યો હતો. તેઓના ફોન વિષે મોદીએ સોશ્યલ મીડીયા ઠ ઉપર સત્યતા જણાવી હતી. તેઓએ લખ્યું : 'ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મારો ફોન પર સંપર્ક સાધ્યો હતો, અને ઇરાન-ઇઝરાયલ વચ્ચેની તંગદિલી વિષે વાત પણ કરી હતી. મેં આ અંગે ભારતની ચિંતા દર્શાવી હતી. સાથે તે વિસ્તારમાં વહેલામાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવી આશા વ્યક્ત કરી હતી.'

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' નામક યુદ્ધ કાર્યવાહી કરી ઇરાનનાં પરમાણુ મથકોનાં ઇન્ફ્રાસ્ટ્રકચર્સનો ધ્વંસ કર્યો હતો. આ ઉપરાંત તે દરમિયાન જનરલ અમીર અલિ હાજીજાદેહ, મેજહ જનરલ મોહમ્મદ બાઘેરી અન્ય મેજર જનરલ્સ હુસૈન સલામી અને ઘોલમ અલિ રશિદ માર્યા ગયા હતા.

આ ઉપરાંત છ પરમાણુ વિજ્ઞાનીઓ : એટમિક એનર્જી ઓર્ગેનાઇઝેશનના પૂર્વ વડા ફરેદુન અબ્બાસી તેમજ થિયોરેટિકલ ફીઝીસીસ્ટ તથા શહીદ બેહસ્તી યુનિવર્સિટીના પૂર્વ રેક્ટર, મહેદી તેહરાન્ચી તથા અન્ય વિજ્ઞાનીઓ અબ્દુલ હમીદ મીનોવેહર, અહમદ રેઝા ઝોલ્ફાઘરી સૈયદ અમીર હુસૈન ફાખી અને મોટલા બિઝાદેર તેમ કુલ છ પરમાણુ વિજ્ઞાનીઓ તેમાં માર્યા ગયા હતા.

ઇઝરાયલના આ હુમલા અંગે ઉગ્ર પ્રતિભાવ આપતાં ઇરાને કહ્યું હતું કે હવે તેના જવાબમાં કોઈ મર્યાદા જ નહીં રહે. તેઓએ જેરૂસલેમમાં અલ ક્વડસ કબ્જે કર્યું છે.આ રીતે તેઓએ રેડલાઈન ઓળંગી દીધી છે. ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીએ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે કે, આ દુષ્કૃત્ય માટે ઇઝરાયલ અને અમેરિકા બંનેને ભારે કિંમત ચૂકવવી પડશે.

બીજી તરફ ઇઝરાયલના તે વિનાશક હુમલા પછી માત્ર થોડા જ કલાકમાં એરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને પરમાણુ સંધિ કરવા માટે આખરી નામું આપતા હોય તેમ કહ્યું. તે સંધિ પર સહી કરો નહીં તો પરિણામો ભોગવવા તૈયાર રહો. સોશ્યલ મીડીયા ટ્રુથ સોશ્યલ દ્વારા આ ચેતવણી આપતાં તેઓએ લખ્યું : અત્યારે જ જે યોજના ઘડાઈ ગઇ છે તે પ્રમાણે આથી પણ વધુ ભયંકર કાર્યવાહી માટે તૈયાર રહો. હજી સમય છે. આ વિનાશક કૃત્ય રોકવાનો ત્યાં સુધીમાં સમજી જાવ.