નેસ્લેના નવા સીઈઓએ લીધો મોટો નિર્ણય, 16000 નોકરીઓ પર કાતર મૂકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nestle Jobs Cut: વિશ્વની ટોચની કંપનીમાં સામેલ સ્વિસ મલ્ટિનેશનલ કંપની નેસ્લે (Nestlé) આગામી બે વર્ષમાં વિશ્વભરમાં કુલ 16000 નોકરીઓ ખતમ કરવા જઈ રહી છે. આ મોટો નિર્ણય કંપનીના નવા સીઈઓ ફિલિપ નવરાટિલે લીધો છે. સપ્ટેમ્બર, 2025ની શરુઆતમાં ફિલિપ નવરાટિલની નેસ્લેના સીઈઓ પદે નિમણૂક થઈ હતી. તેમણે કહ્યું કે, સમય બદલાઈ રહ્યો છે, અને નેસ્લેમાં ઝડપથી બદલાવ કરવો પડશે.
આ લોકોની નોકરીઓ જઈ શકે
કંપનીએ જણાવ્યું કે, આ 16000 પદમાંથી આશરે 12,000 પદ વ્હાઇટ કૉલર કર્મચારીઓ માટે હશે. આ છટણી કંપનીના 1 અબજ સ્વિસ ફ્રેન્ક બચાવવામાં મદદ કરશે. પહેલાંથી જ નેસ્લેના પ્રોડક્શન અને સપ્લાય ચેઇન સેક્ટર્સમાં 4000 નોકરી કપાશે. હવે અન્ય 12,000 પદ પણ દૂર કરવાની યોજના ઘડી છે. તે 2027ના અંત સુધી પોતાના ખર્ચમાં 3 અબજ સ્વિસ ફ્રેન્કની બચત કરવા માગે છે. જે પહેલાના નિશ્ચિત લક્ષ્ય (2.5 અબજ) કરતાં વધુ છે. નેસ્લેએ પોતાનો નવ માસનો નાણાકીય રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેના વેચાણ 1.9 ટકા ઘટ્યા છે અને તેને 65.9 અબજ સ્વિસ ફ્રેન્કની કમાણી થઈ છે.
પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે કંપની
નિષ્ણાતો માને છે કે, આ પરિણામ કંપની પર આર્થિક પ્રેશર દર્શાવે છે, કંપની પોતાના ઢાંચામાં બદલાવ કરી રહી છે. કંપની છેલ્લા કેટલાક સમયથી અનેક પડકારોનો સામનો કરી રહી છે. કંપની એક બોટલ્ડ વોટર સ્કેમનો પણ સામનો કરી રહી છે. આ તમામ કારણોસર નવા લીડર નવરાટિલ પર કંપનીને સ્થિર કરવા અને રોકાણકારોનો વિશ્વાસ જીતવાનું પ્રેશર છે.
નેસ્લેનો વિશ્વવ્યાપી બિઝનેસ
નેસ્લે પાસે વિશ્વભરમાં 2,000 થી વધુ બ્રાન્ડ્સ છે. કંપની હવે ખર્ચ ઘટાડવા અને વધુ નફો મેળવવા તેમજ ભવિષ્યમાં વૃદ્ધિની સંભાવના ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય દૃષ્ટિકોણથી નેસ્લે ઇન્ડિયા લિમિટેડ નેસ્લેની ભારતીય પેટાકંપની છે. નેસ્લે ઇન્ડિયાએ તેના બીજા ત્રિમાસિક (Q2) પરિણામો જાહેર કર્યા છે. કંપનીના ચોખ્ખા નફામાં આશરે 23.6% ઘટાડો થયો છે. તેમ છતાં કંપનીના શેરનો ભાવ રૅકોર્ડ ટોચે પહોંચ્યો છે. શેરનો વધારો મુખ્યત્વે કંપનીની વિસ્તૃત કામગીરી અને વેચાણને કારણે થયો હતો, જેમાં સ્થાનિક વેચાણમાં 10.8% વધારો થયો હતો. કામગીરીમાંથી કુલ આવક આશરે રૂ. 5,643.6 કરોડ હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 10.6%નો વધારો દર્શાવે છે.









