World

નેપાળ : રમખાણો દરમિયાન માર્યા ગયેલાનાં કુટુમ્બીજનોને રૂ. 1 લાખ અપાશે : બુધવારે ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે

By GS TEAM
16 Sep 20252 mins read
નેપાળ : રમખાણો દરમિયાન માર્યા ગયેલાનાં કુટુમ્બીજનોને રૂ. 1 લાખ અપાશે : બુધવારે ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે

- ગૃહમંત્રી ઓમપ્રકાશ આર્યલે આ જાહેરાત કરવા સાથે જણાવ્યું કે મૃતદેહોને લઈ જવા માટે કુટુમ્બીજનોને નિ:શુલ્ક વાહન સેવા અપાશે

કાઠમંડુ : નેપાળમાં 'જનરેશન-ઝેડ' (ક્રાંતિકારી યુવા પેઢી) દ્વારા કે.પી. શર્મા ઓલીની સરકાર વિરૂદ્ધ તોફાનો કરાતાં પોલીસે છેવટે ગોળીબારનો આશ્રય લેતા માર્યા ગયેલાઓનાં કુટુમ્બીજનોને નેપાળી રૂપિયા ૧ લાખની સહાય કરવાની અંતરિમ સરકારે જાહેરાત કરી છે. (ઉલ્લેખનીય છે કે નેપાળ ઘણો ગરીબ દેશ છે ત્યાં રૂ. ૧ લાખ પૂરતા ગણી શકાય.)

આ સાથે વડાપ્રધાન સુશીલા કાર્કીની સરકારે જણાવ્યું છે કે, બુધવારે રાજ્યમાં શોક પાળવામાં આવશે. કોઈ પણ સત્તાવાર કાર્યક્રમો કે સત્તાવાર ભોજન સમારંભો પણ યોજવામાં આવશે નહીં અને મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો માટે રાષ્ટ્ર ધ્વજ અર્ધીકાઠીએ ફરકાવવામાં આવશે.

જ્યારે નેપાળની અંતરિમ સરકારના ગૃહમંત્રી ઓમ પ્રકાશ આર્યલે જણાવ્યું હતું કે, મૃતકોના મૃતદેહોને પોતાનાં નિવાસ સ્થાને લઈ જવા સરકાર નિ:શુલ્ક વાહન સેવા આપશે.

તે સર્વવિદિત છે કે, કે.પી. શર્મા ઔલીની ચીન પરસ્ત સરકારે ફેસબુક, યુ-ટયુબ અને 'ટ' સહિત ૨૬ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મુકતાં યુવા પેઢી જન.ઝેડ દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો. તેમાં અન્ય નાગરિકો પણ જોડાયા હતા. શાંત દેખાવકારો ઉપર પણ પોલીસે લાઠીચાર્જ કરતાં પરિસ્થિતિ વણસી હતી અને તોફાનો શરૂ થયાં. છેવટે પોલીસને ગોળીબાર કરવો પડયો જેમાં ૭૨ યુવાનો 'શહીદ' થયા તે પછી રમખાણો હાથ બહાર જતાં ઓલીને દેશ છોડી નાસી જવું પડયું. અત્યારે સુ.શ્રી સુશીલા કાર્કીની અંતરિમ (વચગાળાની) સરકાર રચાઈ છે. જેમાં ગૃહમંત્રી તરીકે આર્યલે શપથ લીધા હતા તે ઉપરાંત કુલમાન ધીશિંગ અને રામેશ્વોર ખાનલે પણ મંત્રીપદના શપથ લીધા હતા. પ્રમુખ રામચંદ્ર પૌડેલે આ શપથ લેવડાવ્યા હતા.