મેં ગોળી ચલાવવાના આદેશ નહોતા આપ્યા: કે પી શર્મા ઓલીનો નેપાળમાં Gen Z આંદોલન પાછળ ષડ્યંત્રનો દાવો
Oli Calls Violence a Conspiracy, Not State Order : નેપાળના યુવાનોએ Gen Z આંદોલન કરી બે જ દિવસમાં સરકાર ઉથલાવી હતી. આંદોલનના કારણે તત્કાલીન વડાપ્રધાન ઓલીએ રાજીનામું આપી દેવું પડ્યું તથા મંત્રીઓએ જીવ બચાવીને ભાગી જવું પડ્યું હતું. જોકે આંદોલનના 10 દિવસ બાદ હવે પૂર્વ વડાપ્રધાન ઓલીનો દાવો છે કે સરકારે ગોળી મારવાના આદેશ નહોતા આપ્યા.
આંદોલનના પ્રથમ દિવસે જ 19 મોત
ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા બેન વિરુદ્ધ નેપાળમાં 8મી સપ્ટેમ્બરે આંદોલન શરૂ થયું હતું. આંદોલનકારીઓએ સંસદમાં ઘૂસીને આગ ચાંપી હતી. બે દિવસ ચાલેલા આંદોલનમાં કુલ 70થી વધુ લોકોના મોત થયા હતા. પરંતુ 8મી સપ્ટેમ્બરે આંદોલનના પ્રથમ દિવસે તેવા અહેવાલ પ્રસર્યા હતા કે સુરક્ષાકર્મીઓએ કરેલા ગોળીબારમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા. આ 19 મોતના કારણે યુવાનોમાં આક્રોશ વધુ ભડક્યો હતો.
મેં ગોળી ચલાવવાના આદેશ નહોતા આપ્યા: ઓલી
આંદોલનના કારણે તત્કાલીન વડપરાધાન કે પી શર્મા ઓલીએ 9મી સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું હતું. જે બાદ તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા હતા. હવે તેઓ એક ભાડાના મકાનમાં નિવાસ કરે છે. તેમણે કહ્યું છે કે સરકારે યુવાનો પર ગોળી ચલાવવાના આદેશ આપ્યા નહોતા. આંદોલનકારીઓ પર ઓટોમેટિક બંદૂકથી ગોળી ચલાવાઈ, જે પોલીસ પાસે હોતી જ નથી. આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ.
સમય જતાં ષડ્યંત્રનું સત્ય દુનિયા સામે આવશે: ઓલી
ઓલીએ વધુમાં કહ્યું છે, કે શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા આંદોલનમાં બહારના લોકોએ ઘૂસણખોરી કરી અને આંદોલન હિંસક બની ગયું. જેના કારણે યુવાનોએ જીવ ગુમાવવા પડ્યા. મારા રાજીનામાં બાદમાં સચિવાલય અને સુપ્રીમ કોર્ટમાં આગ લગાવાઈ. નેપાળનો નકશો સળગાવી દેવાયો. આ ઘટનાઓ પાછળના ષડ્યંત્ર વિશે હું નહીં, સમય જ સત્ય સામે લાવશે.