નેપાળમાં Gen-Zના જુવાળ પાછળ 'નેપો કિડ્સ' પણ જવાબદાર! જાણો ઇનસાઇડ સ્ટોરી
Nepal Protest: નેપાળમાં Gen-Z બળવો સતત ઉગ્ર બની રહ્યો છે. અનેક શહેરોમાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણના બનાવો બન્યા છે. અનેક મંત્રીઓના ઘરમાં આગચાંપીના બનાવો બન્યા છે. બે દિવસમાં જ હિંસક બળવાએ નેપાળની સરકાર ઉથલાવી નાખી. Gen-Zના વિદ્રોહના કારણે પીએમ કે પી શર્મા ઓલી સહિત અનેક મંત્રીઓેએ રાજીનામું આપ્યું છે. તેઓ દુબઈ પલાયન કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો પણ મળ્યા છે. સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધો દૂર થયા બાદ પણ આ આંદોલન ચાલુ છે. જેની પાછળનું કારણ 'નેપો કિડ્ઝ' હોવાનું જાણવા મળ્યું છે.
અહીંથી શરુ થયો વિરોધ
નેપાળમાં આ આંદોલનનો પાયો 25 ઑગસ્ટના રોજ મૂકાયો હતો. નેપાળ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને સાત દિવસની અંદર દેશમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ફરમાન બહાર પાડતાં આંદોલન છેડાયું હતું. સરકારના આ ફરમાનનો ઉદ્દેશ કન્ટેન્ટ મોનિટરિંગ અને દેશના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો. રજિસ્ટ્રેશન કરાવવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ નિષ્ફળ રહેતા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમજ ઇન્ટરનેટની સ્પીડ પણ ઘટાડવામાં આવી હતી. સરકારની આ કવાયતથી યુવાનો ખાસ કરીને Gen-Z માં નારાજગી વધી હતી.
આ પણ વાંચોઃ નેપાળમાં બળવો: ભીડે ડેપ્યુટી PMને દોડાવી-દોડાવીને માર્યા, અનેક નેતાઓના ઘર ખાક
નેપો કિડ્ઝ વિરુદ્ધ છેડાઈ હતી ઝુંબેશ
નેપો કિડ્ઝ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝુંબેશ છેડાઈ હતી. નેપાળના યુવાનોએ સરકારી બાબુના દીકરા-દીકરીઓની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલ પર સવાલો ઉઠાવ્યા હતા. એક બાજુ સામાન્ય નેપાળી યુવક લાયકાત પ્રમાણે નોકરી મેળવી રહ્યો નથી. પગારના દર પણ ઘણા નીચા છે. તો બીજી બાજુ નેતાઓના બાળકો મોંઘીદાટ કાર, બ્રાન્ડેડ કપડાં, વિદેશમાં વેકેશન માણી રહ્યા છે. Gen-Zએ તેમની તસવીરો-વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમની લકઝરી લાઇફસ્ટાઇલનો વિરોધ કરી રહ્યા હતા. એવામાં સંસદનો સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો નિર્ણય આંખમાં કણાની જેમ ખૂંચ્યો હતો. પરિણામે તેણે વિકરાળ આંદોલનનો ઉદ્દભવ કર્યો.
સંસદમાં એકઠા થવાની હતી યોજના
આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં યુવાનો અને વિપક્ષના અમુક નેતાઓ #NoMoreCorruption અને #WakeUpChallenge હેશટેગ સાથે 8 સપ્ટેમ્બરના રોજ સંસદ નજીક બાનેશ્વરમાં દેખાવો કરવાની યોજના બનાવી હતી. આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અચાનક સંસદમાં ઘૂસી ગયા હતા. જેથી પોલીસ અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી હાથ ધરતાં આશરે 20 આંદોલનકારીઓએ જીવ ગુમાવ્યા. 300 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આંદોલન હિંસક બન્યું. અને ઠેરઠેર આગચંપી, તોડફોડના બનાવો બન્યા.
સરકારે ઝૂકવુ પડ્યું
હિંસક આંદોલનના કારણે સરકારે અંતે ઝૂકવુ પડ્યું અને સોશિયલ મીડિયા પર લાદેલો પ્રતિબંધ પાછો ખેંચ્યો. તેમ છતાં આંદોલનકારીઓની હત્યાના આરોપસર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા. અનેક મંત્રીઓ, પૂર્વ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત વિવિધ નેતાઓના ઘરમાં તોડફોડ કરવામાં આવી, આગ ચાંપવામાં આવી. અનેક મંત્રીઓએ એક-પછી એક રાજીનામું આપ્યું. વડાપ્રધાન ઓલી પણ ઘૂંટણીયે થયા અને રાજીનામું આપ્યું.