નેપાળ : જન.ઝેડ પ્રોટેસ્ટ : અમેરિકા-ચીન સ્પર્ધા પ્રાદેશિક અશાંતિનાં મૂળમાં છે ?

- છેલ્લાં 3 વર્ષમાં ભારતના પાડોશી દેશોમાં વ્યાપક અશાંતિ જાગી છે : પહેલાં શ્રીલંકા, પછી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને હવે નેપાળ
નવી દિલ્હી : છેલ્લાં ૩ વર્ષમાં ભારતના પાડોશી દેશોમાં રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે. શ્રીલંકામાં આર્થિક ખાના-ખરાબી થઈ ગઈ, સત્તા પલટો પણ થયો. બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો, પાકિસ્તાનમાં ઈમરાન ખાન સત્તા ભ્રષ્ટ થયા, આ પરંપરામાં હવે નેપાળ જોડાયું છે.
સોશ્યલ મીડીયા ઉપર મુકાયેલા પ્રતિબંધ સામે જાગેલો લોકજુવાળ રાષ્ટ્રવ્યાપી આંદોલન બની રહ્યો. રમખાણો થયા, વોટર કેનન, ટીયરગેસ અને પછી ગોળીબારો પણ થયા જેથી ૨૨નાં મૃત્યુ થયાં અનેક ઘાયલ થયા.
પ્રચંડ લોકજુવાળથી ડરી જઈ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી ત્યાગપત્ર આપી દેશ છોડી નાસી છુટયા. પ્રમુખ રામચંદ્ર પૌડેલને પણ પદત્યાગ કરવો પડયો.
નેપાળની વર્તમાન પરિસ્થિતિ શ્રીલંકા અને બાંગ્લાદેશ સમાન બની રહી છે. તદ્દન નાના એવા મુદ્દામાંથી જાગેલો વિવાદ ભ્રષ્ટાચાર વિરોધી જુવાળ બની રહ્યો, સાથે આર્થિક અવનતિ વિરૂદ્ધ પણ જનઆક્રોશ પ્રસરી રહ્યો. ઓલી દુબઈ નાસી ગયા. શેખ હસીનાએ ભારતમાં રાજ્યાશ્રય લીધો. શ્રીલંકાના ગોતાબયા રાજપકસા ૨૦૨૨માં માલદીવના આશ્રયે ગયા.
નેપાળમાં લાલ ગ્રહ (મંગળ)નો દિવસ રક્ત અને આગથી લાલ બની રહ્યો. રમખાણકારોએ પ્રમુખ પૌડેલ, વડાપ્રધાન ઓલી અને અન્ય મંત્રીઓનાં ઘરો પણ સળગાવી દીધાં. લગભગ આવી જ પરિસ્થિતિ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ બની હતી. શાસક પક્ષના જ એક સભ્યની 'હોટેલ હીલ્ટન' પણ સળગાવવામાં આવી તથા બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પહેલાં બન્યું હતું તેમ દેખાવકારો નેપાળમાં પણ દેખાવકારો નેતાઓના ઘરમાં ઘૂસી ગયા, લૂંટફાટ ચલાવી, તેમના બેડરૂમમાં સૂતા ફર્નીચર તોડી નાખ્યું અને સ્વિમીંગપુલમાં નાહ્યા.
મોંઘવારી ઉપરથી બેકારી, ભ્રષ્ટાચાર અને અસ્થિર રાજકારણ સામેનો જનઆક્રોશ અસામાન્ય હતો.
પ્રશ્ન તે છે કે નેપાળ તે ચીન અને અમેરિકાની 'પ્રોક્ષીવોર'નું મેદાન બની રહ્યું છે ? આ શંકા એટલે ઉપસ્થિત થાય છે કે, પરંપરા પ્રમાણે નેપાળના વડાપ્રધાન પદગ્રહણ કર્યા પછી ભારતની જ સૌથી પહેલી મુલાકાત લે છે. પરંતુ ચોથી વખત ૨૦૨૪માં વડાપ્રધાનપદે નિયુક્ત થયા પછી ઓલીએ સૌથી પહેલાં ચીનની મુલાકાત લીધી. તે મુલાકાત દરમિયાન તેમણે ચીન સાથે અનેક કરારો કર્યા અને ચીનના બેલ્ટ-રોડ-ઈનિશ્યેટિવ માટે પણ કરારો કર્યા. ચીને નેપાળને ૪૧ મિલિયન ડોલરની સહાય પણ કરી.
આથી યુ.એસ. સચિંત બની રહ્યું. દક્ષિણ એશિયામાં ચીનના બેલ્ટ-રોડ-ઈનિશ્યેટિવથી ચિંતિત બનેલા યુ.એસે તેને ૫૦૦ મિલિયન ડોલરની સહાય કરી જે એનર્જી અને રોડ ડેવલપમેન્ટ માટે અપાઈ હતી. આમ તે સહાય ચીનના બી.આર.આઈ. સામેના પડકારરૂપ બની રહી.
૨૦૦૮માં નેપાળ 'પ્રજાસત્તાક' બન્યું રાજાશાહી ગઈ ત્યારથી ૨૦૨૫ સુધીમાં ૧૭ વર્ષમાં ત્યાં ૧૪ સરકારો બની. જે મોટા ભાગે ગઠબંધન સરકારો હતી. ઓલી માઓવાદી નેતા 'પ્રચંડ' (પુષ્પ કમલા દહલી) અને પાંચ વખત વડાપ્રધાન બનેલા શેરબહાદુર દેઉબા બધા ઉપર ભ્રષ્ટાચારના આરોપો હતા. સહજ છે કે તેથી જનતામાં આક્રોશ ફેલાય તેનો લાભ અમેરિકા લઈ લેશે તે નિશ્ચિત લાગે છે. ચીનની રમત ત્યાં ઊંધી પડી રહી છે.









