World

નેપાળમાં રોજીંદા વપરાશની ચીજો ભારતમાંથી જાય છે : તેની ઉપર કર લગાડાતા લોકો ભડક્યાં

By GS TEAM
20 Apr 20262 mins read
નેપાળમાં રોજીંદા વપરાશની ચીજો ભારતમાંથી જાય છે : તેની ઉપર કર લગાડાતા લોકો ભડક્યાં

- સરકાર કહે છે કે, આ કરનો હેતુ રાજસ્વમાં થતું નુકસાન રોકવાનો છે

- સરકારના આ નિર્ણયની અસર સૌથી વધુ  સરહદે રહેલા પ્રાંતો પર પડી છે : ત્યાંના લોકો રોજેરોજની જરૂરિયાતની ચીજો ભારતમાંથી જ ખરીદે છે 

કાઠમંડુ : ભારતમાંથી નેપાળમાં જતી ચીજવસ્તુઓ ઉપર નેપાળ સરકારે 'આયાત કર' નાખતા નેપાળના લોકો ભડકી ઉઠયા છે. વાસ્તવમાં નેપાળ સરકારે ૧૦૦ નેપાળી રૂપિયા (ભારતના ૬૦થી ૬૫ રૂ.)થી વધારે મૂલ્યના સામાન ઉપર કસ્ટમ ડયુટી લગાડવાનો નિયમ સખત રીતે લાગુ કર્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતની સરહદને સ્પર્શીને રહેલા વીરગંજ તેમજ તરાઈ ક્ષેત્રમાં થઈ છે. ત્યાં રોજીંદા વપરાશની અનેક ચીજો લોકો ભારતમાંથી ખરીદે છે.

સરકારનું કહેવું છે કે, આ ડયુટીનો હેતુ રાજસ્વ (મહેસુલ)માં થતું નુકસાન રોકવાનો અને ગેરકાયદેસર થતી આયાત રોકવાનો છે. તેથી સીમા ચોકીઓ ઉપર સલામતી એજન્સીઓની તૈનાતી વધારી છે. તેમજ લોકોના સામાનની કડક તપાસ કરવામાં આવે છે. જ્યારે સ્થાનિકો લોકોનું કહેવું છે કે, નાની મોટી કેટલીય ચીજો ભારતમાંથી જ આવે છે તેની ખરીદી મુશ્કેલ થઈ ગઈ છે.

આ કડક નિયમો વિરૂદ્ધ દેશમાં ઠેરઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે મધ્યમ વર્ગના લોકો અને યુવાનો તે પ્રદર્શનોમાં અગ્રીમ ભાગ લઈ રહ્યા છે. કાઠમંડુ સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ કાયદો ગરીબ અને સરહદે રહેતા લોકો માટે અન્યાયપૂર્ણ જ છે કારણ કે રોજીંદી જીવન જરૂરિયાતની ચીજો ભારતમાંથી જ આવે છે.

નેપાળ સરકારના આ નિર્ણયની અસર નેપાળ સરહદે રહેલા ભારતના બજારો ઉપર પણ પડી છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વ્યાપાર ઘટી રહ્યો છે. કારણ કે નેપાળમાં માલની ખપતમાં રોક આવી છે.

વિશેષજ્ઞાોનું કહેવું છે કે આ સ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો બંને દેશો વચ્ચેના વ્યાપારમાં તો આંચ આવે જ, પરંતુ પરંપરાગત રહેલા મીઠા રાજદ્વારી સંબંધોમાં પણ થોડી ખટાશ આવી શકે છે.