નેપાળ આર્મીએ રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધક હુક્મો જાહેર કર્યા : સાંજથી સવાર કરફ્યું રહેશે

- સવારથી સાંજના 6 વાગ્યા સુધી અનિવાર્ય કારણસર જ બહાર નીકળી શકાશે : સાંજના 6 થી સવારના 5 સુધી કડક કરફ્યુ
નવી દિલ્હી, કઠમંડુ : નેપાળ આર્મીએ આજે હુક્મ બહાર પાડી જણાવ્યું છે કે સવારના પાંચથી સાંજના ૬ સુધી માત્ર ને માત્ર અનિવાર્ય કારણોસર જ ઘરની બહાર નીકળી શકાશે. સાંજના ૬.૦૦ વાગ્યાથી બીજા દિવસના સવારના પાંચ વાગ્યા સુધી કડક કરફ્યુ ચાલુ રહેશે. આ રીતે વિરોધ પ્રદર્શિત કરવાના આંચળા નીચે થતાં રમખાણો ન થવા દેવા આર્મીએ પ્રયત્નો હાથ ધર્યા છે.
આજે પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં આર્મીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને કે સંસ્થાને લક્ષ્યમાં રાખી કરાતાં તોફાનો ક્રીમીનલ એક્ટિવીટી (અપરાધી કાર્યવાહી) જ ગણવામાં આવશે, તેમજ જાન માલને કરાતું કોઈ પણ પ્રકારનું નુકસાન ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે નિવેદનમાં એવી પણ આશંકા દર્શાવવામાં આવી હતી કે કોઈની પણ ઉપર હુમલો થવાની કે બળાત્કાર કરવાની ધમકીને પણ ફોજદારી ગુનો ગણવામાં આવશે. નિવેદન વધુમાં જણાવે છે કે દેશની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ હુક્મો આપવા પડયા છે.
દેશમાં વ્યાપી રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર અને સગાં સંબંધી વાદની સામે વિદ્યાર્થીઓએ અને યુવાનો જનરેશન ઝેડ દ્વારા પ્રચંડ વિરોધ વંટોળ ઉઠાવવામાં આવ્યો હતો. તે માટેનું એક કારણ ઓલી સરકારે મીડીયા ઉપર લાદેલા અંકુશો હતા. તે કારણ આગળ કરી દેશભરમાં વિસેષત: પાટનગરમાં જન ઝેડ દ્વારા વ્યાપક દેખાવો યોજાયા હતા. જે રમખાણોમાં પરિણમ્યા પછીથી મીડીયા પરના પ્રતિબંધો ઉઠાવી લેવાયા છતાં રમખાણો ચાલુ રહ્યા જેમાં સંસદ ભવન પ્રમુખનું કાર્યાલય વડાપ્રધાનનું નિવાસસ્થાન સરકારી મકાનો રાજકીય પક્ષોની ઓફીસો અને વરિષ્ઠ નેતાઓનાં ઘરો પણ સળગાવી દેવાયાં હતાં. તે પછી વડાપ્રધાન દેશ છોડી નાસી ગયા છે ક્યાં છે તેની માહિતી નથી.








