પ્રકૃતિનો પ્રકોપ : પશ્ચિમ સુદાનમાં ભૂસ્ખલન 1000થી વધુના મૃત્યુ : માત્ર 1 વ્યક્તિ બચ્યો
- એક સમયે અનાજનો કોઠાર કહેવાતાં સુદાનમાં અન્નનાં ફાંફાં
- બે વર્ષથી ચાલતા આંતર વિગ્રહથી સુદાનમાં હજ્જારો વિસ્થાપિતો અન્ન અને આરોગ્ય સેવા વિનાના છે : ત્યાં અનરાધાર વર્ષાની નવી આફત આવી
જુબા, ખાર્ટુમ (સુદાન) : દક્ષિણ સુદાનની પશ્ચિમે આવેલાં ખારા પર્વતો ઉપર છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અનરાધાર વર્ષાને લીધે ૧,૦૦૦થી વધુનાં મોત થયાં છે. આ મૃત્યુ તાંડવમાં માત્ર એક જ મસાઇ (સુદાનીઝ નાગરિક) જીવતો રહ્યો છે. આ માહિતી આપતાં સુદાન લિબરેશન મુવમેન્ટ/આર્મીએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ૩૧ ઓગસ્ટથી તો અતિભારે વરસાદ થતાં આ દુર્ઘટના બની હતી.
સુદાન લિબરેશન આર્મીના નેતા અબ્દુલ વાહીદ મોહમ્મદનૂરે એક નિવેદન પ્રસિદ્ધ કરી આ માહિતી આપી હતી. અનરાધાર વર્ષાને લીધે એક ગામ તો તદ્દન ધોવાઈ ગયું છે.
સૌથી વધુ કરૂણ વાત તે છે કે સુદાનીઝ આર્મી અને દેશનાં જ પેરા મિલિટરી ફોર્સ રેપિડ સપોર્ટ ફોર્સીઝ (આર.એસ.એફ.) વચ્ચે ઉત્તર ડાફુટ સ્ટેટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આથી લોકો મારા માઉન્ટન્સમાં આશ્રય લેવા ચાલ્યા ગયા તેઓ પાસે નથી પૂરતું અન્ન કે નથી આરોગ્ય સુવિધા બે વર્ષનાં યુદ્ધે દેશની અર્ધો અર્ધ પ્રજાને ભૂખમરામાં ધકેલી લીધી છે. હજ્જારો લોકો ઉત્તર ડાફુર રાજ્યનાં અલ ફશીર શહેર છોડી નાસી છૂટયા છે, કારણ કે તે શહેર તોપમારાનો ભોગ બન્યું છે. વિશ્લેષકો કહે છે કે એક સમયે વિશ્વના કોઠારો પૈકીનો એક કોઠાર ગણાતાં સુદાનમાં લોકોને અનાજનાં ફાંફાં છે.