નાટોની દાદાગીરી : પુતિન સાથે સંબંધ, ભારત પર 100 ટકા ટેરિફ
- અમેરિકાના ટ્રમ્પની જોહુકમી બાદ હવે
- પુતિનને કોલ કરીને કહો 50 દિવસમાં યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરે, નહીં તો અમેરિકાના પ્રતિબંધો તમારા પર પ્રતિકૂળ અસર કરશે : માર્ક રુટ
- પુતિને શાંતિ વાટાઘાટો માટે ગંભીર થવું પડશે : હવે રશિયાના મિત્રો ચીન, બ્રાઝિલને પણ અમેરિકા-નાટોએ અડફેટે લીધા
વોશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકા પછી હવે નાટો પણ મેદાનમાં કૂદી પડયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની રાજધાની મોસ્કો પર હુમલા માટે યુક્રેનને હથિયારો પૂરા પાડવાની ઓફર કર્યાના બીજા દિવસે નાટો ચીફ માર્ક રુટે ભારત, ચીન, બ્રાઝિલને રશિયા સાથે વેપાર બદલ ૧૦૦ ટકા સેકન્ડરી ટેરિફની ચેતવણી આપી છે. વધુમાં યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના વિરોધમાં અમેરિકન સેનેટરે ભારત-ચીન પર ૫૦૦ ટકા ટેરિફ નાંખવાની દરખાસ્ત કરતું એક બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી છે, જેને ટ્રમ્પે સમર્થન આપ્યું છે. અમેરિકા પછી નાટોની ટેરિફની ધમકી ભારતની ચિંતા વધારશે.
યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ અમેરિકાએ વારંવાર ભારત પર પ્રતિબંધો લાદવાની ધમકી આપી હતી. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને રિચાર્ડ બ્લુમેન્થલે રશિયા સાથે વેપાર બદલ ભારત અને ચીન પર ૫૦૦ ટકા ટેરિફ નાંખવા અંગેનું એક બિલ અમેરિકન સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી છે. આ બિલને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સમર્થન હોવાનો લિન્ડસે ગ્રેહામે દાવો કર્યો છે. એટલું જ નહીં રશિયા યુક્રેન સાથેનું યુદ્ધ બંધ ના કરે તો રશિયા સાથે વેપરા કરનારા દેશોને ૧૦૦ ટકા ટેરિફની ટ્રમ્પે ચેતવણી આપી હતી. જોકે, ટ્રમ્પે કોઈ દેશનું નામ લીધું નહોતું.
બ્રિક્સના સ્થાપક દેશોને અપાયેલી આ ધમકીઓ વચ્ચે અમેરિકન સાંસદો સાથે બેઠક કર્યા પછી નાટો ચીફ માર્ક રુટે બુધવારે ભારત, ચીન અને બ્રાઝિલને યુરોપીયન યુનિયન તરફથી ૧૦૦ ટકા સેકન્ડરી ટેરિફની ધમકી આપી છે. માર્ક રુટે બુધવારે જણાવ્યું કે, સાંભળો... તમે ચીનના પ્રમુખ છો અથવા ભારતના વડાપ્રધાન છો અથવા બ્રાઝિલના પ્રમુખ છો અને તમે હજુ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છો અને તેનું ક્રૂડ ઓઈલ તથા ગેસ ખરીદી રહ્યા છો તો તમે સમજી લો મોસ્કોમાં બેઠેલો એ માણસ શાંતિ વાટાઘાટોને ગંભીરતાથી નથી લઈ રહ્યો તો હું તમારા પર ૧૦૦ ટકા સેકન્ડરી ટેરિફ લગાવવા જઈ રહ્યો છું. અમેરિકા દ્વારા નાંખવામાં આ પ્રતિબંધો આ દેશોને ભારે પડી શકે છે. માર્ક રુટે કહ્યું, ભારત, બ્રાઝિલ, ચીને પુતિન પર યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો માટે દબાણ કરવું જોઈએ. આ દેશો માટે મારું વિશેષ પ્રોત્સાહન એ છે કે કૃપયા વ્લાદિમિર પુતિનને કોલ કરો અને ૫૦ દિવસમાં યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા કહો. પુતિનને જણાવો કે તેમણે શાંતિ વાટાઘાટો અંગે ગંભીર થવું પડશે, કારણ કે તેમ નહીં થાય તો ભારત, બ્રાઝિલ, ચીન પર તેની વ્યાપકરૂપે પ્રતિકૂળ અસર પડી શકે છે.
માર્ક રુટને પૂછવામાં આવ્યું કે, 'લાંબા અંતરની મિસાઈલો પૂરી પાડીને યુક્રેનને વધુ બળવાન બનાવવાની નાટો અને અમેરિકાની કોઈ યોજના છે ?' ત્યારે રુટે કહ્યું હતું કે તે એવા મિસાઇલ હશે કે જે લાંબા અંતર સુધી પહોંચી શકે અને રક્ષણ તથા આક્રમણ બંનેમાં ઉપયોગી થઈ શકે તેવા હશે. આમ આ તબક્કે તો યુક્રેન અંગે પરિસ્થિતિ ઘણી જ ગરમાઈ છે તેમ વિશ્લેષકો માને છે.
દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ થિંક ટેન્ક સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરના ડેટા મુજબ ભારત અને ચીન રશિયાના ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદાર છે. પાંચ ડિસેમ્બર ૨૦૨૨થી મે ૨૦૨૫ના અંત સુધીમાં ચીને રશિયાના કુલ ક્રૂડ ઓઈલના નિકાસના ૪૭ ટકા અને ભારતે ૩૮ ટકા ખરીદી કરી છે.