Get The App

ટ્રમ્પને કારણે NATOમાં બબાલ, યુરોપના દેશોએ અમેરિકાને ધમકાવતાં કહ્યું - આ યુદ્ધ સમાન ગણાશે

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પને કારણે NATOમાં બબાલ, યુરોપના દેશોએ અમેરિકાને ધમકાવતાં કહ્યું - આ યુદ્ધ સમાન ગણાશે 1 - image


Donald Trump and NATO :  અમેરિકાએ ગયા સપ્તાહે વેનેઝુએલા પર કરેલા હુમલા અને પ્રમુખ માદુરોની ધરપકડથી દુનિયાને ચોંકાવી દીધી હતી, જેની ઘણા પશ્ચિમી દેશોએ પણ નિંદા કરી હતી. હવે, વેનેઝુએલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની યોજના બનાવી રહ્યા હોવાના સંકેતોથી 75 વર્ષ જૂના નાટો (NATO) ગઠબંધનમાં મોટી તિરાડ પડી છે. અમેરિકાના આ પ્લાન સામે યુરોપિયન દેશોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને આકરી ચેતવણી પણ આપી છે.

ટ્રમ્પના સહયોગીએ ભડકાવી આગ

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પ્રમુખ ટ્રમ્પના સહયોગી અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલરે ગ્રીનલૅન્ડ પર ડેનમાર્કના અધિકાર પર જ સવાલ ઉઠાવ્યા. મિલરે મંગળવારે એક નિવેદનમાં કહ્યું, "ડેનમાર્ક કયા અધિકારથી ગ્રીનલૅન્ડ પર નિયંત્રણનો દાવો કરે છે? તેમના પ્રાદેશિક દાવાનો આધાર શું છે? અમેરિકા નાટોની શક્તિ છે. અમેરિકા માટે આર્કટિક ક્ષેત્રને સુરક્ષિત કરવા અને નાટોના હિતોની રક્ષા કરવા માટે, તે સ્પષ્ટ છે કે ગ્રીનલૅન્ડ અમેરિકાનો ભાગ હોવું જોઈએ."

યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે કરી નિંદા

મિલરના નિવેદન બાદ, મંગળવારે આઠ યુરોપિયન દેશોના નેતાઓએ ડેનમાર્ક અને તેના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલૅન્ડનું મજબૂત સમર્થન કર્યું. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલૅન્ડ, સ્પેન, ડેનમાર્ક અને બ્રિટનના નેતાઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને અમેરિકી યોજનાની નિંદા કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું, "ગ્રીનલૅન્ડ અહીંના લોકોનું છે. ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ સાથે જોડાયેલા મામલાઓ પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડનો છે."

'આ યુરોપ સાથે યુદ્ધ ગણાશે...'

સંયુક્ત નિવેદન ઉપરાંત, યુરોપિયન નેતાઓએ વ્યક્તિગત રીતે પણ વધુ કડક ચેતવણીઓ આપી છે. જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલે ચેતવણી આપી છે કે, "જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો કરે છે તો તે યુરોપ સાથે યુદ્ધ જેવું હશે." તેમણે કહ્યું કે જો ડેનમાર્ક પર અમેરિકા હુમલો કરે છે તો ડેનમાર્કની રક્ષા કરવાની જવાબદારી નાટોના સભ્યોની હશે. ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને કહ્યું છે કે, "ગ્રીનલૅન્ડ પર અમેરિકાનો કોઈપણ હુમલો નાટોના અંતનું કારણ બનશે."

શું છે ગ્રીનલૅન્ડનો મામલો?

ગ્રીનલૅન્ડ 1721થી 1953 સુધી ડેનમાર્કની વસાહત હતું. જોકે, હવે તે ડેનમાર્ક સામ્રાજ્યની અંદર એક સ્વાયત્ત દેશ છે અને મોટાભાગે સ્વ-શાસિત છે. તેમ છતાં, ડેનમાર્ક ગ્રીનલૅન્ડના વિદેશી મામલા, સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા તથા નાણાકીય નીતિને નિયંત્રિત કરે છે. અમેરિકા લાંબા સમયથી ગ્રીનલૅન્ડના વ્યૂહાત્મક મહત્ત્વને કારણે તેના પર નજર રાખી રહ્યું છે.