World

ટ્રમ્પના કારણે NATOમાં તિરાડ? સ્પેને અમેરિકન સૈન્ય વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું, ઈરાન યુદ્ધ અંગે નિર્ણય

By GS TEAM
30 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના 31મા દિવસમાં પ્રવેશી ગયું છે. આ દરમિયાન યુરોપિયન દેશ સ્પેને પોતાના એરસ્પેસમાં અમેરિકન વોર પ્લેનની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્પેને સ્પષ્ટ કર્યું છે કે તે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સૈન્ય અભિયાન માટે પોતાના દેશના એરસ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના કારણે NATOમાં તિરાડ? સ્પેને અમેરિકન સૈન્ય વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું, ઈરાન યુદ્ધ અંગે નિર્ણય

NATO Country: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના 31મા દિવસમાં પ્રવેશી ગયું છે. આ દરમિયાન યુરોપિયન દેશ સ્પેને પોતાના એરસ્પેસમાં અમેરિકન વોર પ્લેનની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્પેને સ્પષ્ટ કર્યું છે કે તે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સૈન્ય અભિયાન માટે પોતાના દેશના એરસ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં.

અમેરિકાને પહેલા પણ કરી હતી જાણ

સ્પેનના સંરક્ષણ મંત્રી માર્ગરીટા રોબલ્સે આ અંગેની જાણકારી આપી હતી. રોબલ્સે જણાવ્યું કે સ્પેને ઈરાન યુદ્ધમાં સામેલ અમેરિકન વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ બાબત અગાઉથી જ અમેરિકા અને તેની સેનાને સ્પષ્ટ કરી દેવામાં આવી હતી.

ગેરકાયદે અને અન્યાયી યુદ્ધ: સ્પેન

અમેરિકા અને ઈઝરાયલની મધ્ય પૂર્વની નીતિઓની સૌથી કડક આલોચના કરનારી યુરોપિયન સરકાર સ્પેન જ રહી છે. સંરક્ષણ મંત્રી રોબલ્સે કહ્યું, 'આ નિર્ણય શરૂઆતથી જ અમેરિકન સૈન્ય દળોને જણાવી દેવામાં આવ્યો હતો. તેથી ન તો સૈન્ય મથકોના ઉપયોગની પરવાનગી છે અને ન તો સ્પેનિશ એરસ્પેસનો ઉપયોગ કરવાની.' તેમણે ઈરાન યુદ્ધને ગેરકાયદે અને અન્યાયી ગણાવ્યું હતું. સ્પેનનું માનવું છે કે અમેરિકા અને ઈઝરાયલની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે.

અમેરિકાથી કેમ નારાજ છે સ્પેન?

વિદેશ મંત્રી જોસ મેનુઅલ અલ્બારેસે કહ્યું હતું કે સ્પેનિશ ઠેકાણાનો ઉપયોગ માત્ર એવી પ્રવૃત્તિઓ માટે જ થઈ શકે છે જે દ્વિપક્ષીય કરાર અને સંયુક્ત રાષ્ટ્ર હેઠળ હોય. આ નિર્ણય બાદ અમેરિકન KC-135 ટેન્કર વિમાનો સહિત લગભગ 15 સૈન્ય વિમાનો સ્પેનના દક્ષિણી મથકો છોડીને જર્મની અને અન્ય સ્થળોએ જતા રહ્યા છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સ અનુસાર, આ વિમાનો ઈરાન પર હુમલા માટે ઇંધણ ભરવાની ભૂમિકા ભજવી રહ્યા હતા. સ્પેનની આ મજબૂત સ્થિતિએ NATO સહયોગી અમેરિકા સાથે તણાવ વધારી દીધો છે.

આ પણ વાંચો: ડીલ કરો નહીંતર ખાર્ગ આઇલૅન્ડને રાખ કરી દઈશું: ઈરાનને ટ્રમ્પની 'અંતિમ ચેતવણી'

ટ્રમ્પની ધમકી બાદ સ્પેને રોકડું પરખાવ્યું

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેન પર વેપાર પ્રતિબંધોની ધમકી આપી હતી, પરંતુ સ્પેન સરકાર પોતાના વલણ પર અડગ છે. વડાપ્રધાન સાંચેઝે આ યુદ્ધને અયોગ્ય અને ખતરનાક સૈન્ય હસ્તક્ષેપ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સ્પેન કોઈપણ રીતે આ સંઘર્ષમાં ભાગીદાર બનશે નહીં. સ્પેનની આ કાર્યવાહીને યુરોપમાં અમેરિકાની ઈરાન નીતિ વિરુદ્ધના સૌથી સ્પષ્ટ વિરોધ તરીકે જોવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે સૈન્ય મથકો સ્પેનની સંપ્રભુતા હેઠળ છે અને તેમનો ઉપયોગ માત્ર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ જ થઈ શકે છે.