ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યા, કહ્યું - રશિયા સાથે વેપાર મોંઘો પડશે...
NATO Chief And India News : નાટોના મહાસચિવ માર્ક રુટે બુધવારે કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશ રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખશે તો તેમના પર ભારે ભરખમ સેકન્ડરી સેક્શન લગાવવામાં આવશે.
ટ્રમ્પ પણ ધમકાવી ચૂક્યા છે?
આ નિવેદન તેમણે અમેરિકન કોંગ્રેસના સાંસદ સાથેની મુલાકાત દરમિયાન આપ્યું હતું. એ જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નિકાસ ખરીદનારા દેશો સામે 100% ટેરિફની ધમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો 50 દિવસોમાં પુતિન શાંતિ સમજૂતી નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
જુઓ કેવી ભાષામાં ધમકાવ્યા...
રુટે કહ્યું કે જો તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલમાં રહો છો કે પછી ત્યાંના રાષ્ટ્રપ્રમુખ છો તો સાવચેત થઈ જાઓ. આ પ્રતિબંધ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ભારતના પીએમ મોદી સહિત ચીન અને બ્રાઝિલના પ્રમુખને પણ ધમકાવતા કહ્યું કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને ફોન કોલ કરો અને શાંતિ મંત્રણા માટે ગંભીર થવા કહો, નહીંતર તેના કારણે તમારે પણ ભોગવવાનો વારો આવશે.
રુટે કહ્યું કે યુરોપ યુક્રેનને શાંતિ મંત્રણામાં મજબૂત સ્થિતિમાં લાવવા માટે ફન્ડિંગ કરશે. ટ્રમ્પ સાથે સમજૂતી હેઠળ અમેરિકા હવે યુક્રેનને મોટાપાયે હથિયાર આપશે જેમાં એર ડિફેન્સ, મિસાઇલ અને ગોળા બારુદ સામેલ છે જેનો ખર્ચ યુરોપ ભોગવશે.