World

રશિયામાં નેશનાલિસ્ટ વિજીલન્ટસ પોલીસની ડયુટી બજાવી રહ્યા છે

By GS TEAM
17 Jul 20252 mins read
રશિયામાં નેશનાલિસ્ટ વિજીલન્ટસ પોલીસની ડયુટી બજાવી રહ્યા છે

- પોલીસ દળના માણસો વધુ પગાર માટે સેનામાં જોડાઈ જઈ, યુક્રેન યુદ્ધમાં સેના સાથે સક્રિય છે

મોસ્કો : રશિયાના અનેક શહેરોમાંથી પોલીસ કર્મચારીઓ વધુ પગારની આશાએ યુક્રેન યુદ્ધમાં સેના સાથે જોડાઈ જતાં તેમનું સ્થાન રશિયાના કટ્ટર જમણેરી જૂથો પૂરી રહ્યા છે. સેનામાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓ પણ જોડાયા છે. તેથી તે ખાલી જગ્યા પૂરવા નેશનાલિસ્ટ વિજીલન્ટસ નામક જૂથો તે સ્થાનો સંભાળી રહ્યા છે.

અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે રશિયાના કેટલાએ શહેરોમાંથી અર્ધોઅર્ધ જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સેનામાં જોડાઈ રહ્યા છે. તેથી આ સ્વયંસેવકો ધ્યાન રાખવા લાગ્યા છે. તેઓ દારૂ પીને ઝઘડતા પાડોશીઓ કે નાના મોટા ટ્રાફિક ભંગના બનાવો ઉપર ચાંપતી નજર રાખી તે નિવારી રહ્યા છે.

રશિયાના કાયદા એટલા કડક છે કે ફૂટપાથો ઉપર એક પણ ચીજ રાખી શકાતી નથી. રાહદારીઓએ ફૂટપાથ ઉપર જ ચાલવાનું હોય છે. જો ફૂટપાથથી નીચે ઉતરો તો પણ ઓછામાં ઓછા સાતેક દિવસ અંદર થઈ જાય.

હાઈવે ઉપર જો હાઈકીંગ કરવું હોય તો પણ પહેલા સરકારની પરવાનગી લેવી પડે અને હાઈવેના શોલ્ડર ઉપર જ ચાલી શકો. હાઈવે ઉપર પણ પોલીસ પેટ્રોલ-ગાડીઓ ચાલતી જ હોય છે. આ મોટરો પણ હવે સ્વયં-સેવકો સંભાળે છે. રશિયા કોઈ પણ ભોગે યુક્રેનમાં સત્તા પલટો થાય તો સત્તા પલટો કરી તેને પોતાનું અનુયાયી રાષ્ટ્ર બનાવવા માગે છે. સમગ્ર દેશ અત્યારે તો (યુક્રેનની જેમ જ) લશ્કરી છાવણી બની રહ્યો છે.