For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાસાની મૂન ટુ માર્સ યોજના શરૂ : જૂનમાં ચાર માર્શિયન્સ મંગળના કૃત્રિમ ઘરમાં રહેવા જશે

Updated: May 26th, 2023

Article Content Image

- પૃથ્વી બહાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત બનાવવાનો પ્રથમ પ્રયોગ 

- માનવ વસાહત માટે  ચંદ્રના ખડકો, ધૂળ, માટીનો જ ઉપયોગ થશે : ચંદ્ર પર આધુનિક ક્વાટર્સ, રસ્તા,વીજળી, વીજળી ઘર, પીવાનું પાણી, બગીચા વગેરે બનશે  

વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા) તેના ૨૦૩૫માં  મૂન ટુ માર્સ(ચંદ્ર પરથી મંગળ પર જવાની યોજના) પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ટેકનિકલ તૈયારી શરૂ કરી દીધી છે.

આ તૈયારીના મહત્વના હિસ્સારૂપે  ચાર સ્વયંસેવકો  ૨૦૨૩ના  જૂનની શરૂઆતમાં  નાસાના હ્યુસ્ટન(ટેક્સાસ સ્ટેટ)માં આવેલા જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવેલા વિશાળ માર્સ ડયુન આલ્ફા નામના  હેન્ગરમાં પ્રવેશ કરશે. નાસાએ આ ચારેય સ્વયંસેવકોને ફોર માર્શિયન્સ એવું નામ પણ આપ્યું છે. માર્સ ડયુન આલ્ફા ૧,૭૦૦ ચોરસ ફૂટના વિશાળ પરિસરમાં ફેલાયેલું છે.

નાસા પૃથ્વી બહાર પહેલી જ વખત માનવ વસાહત બનાવશે અને એજ માનવ વસાહતના આધારે લગભગ ૨૦૩૫ના અંત સુધીમાં સૌર મંડળના લાલ રંગી ગ્રહ મંગળ પર જશે.નાસાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર કોર્કી ક્લિન્ટને એવી માહિતી આપી હતી કે અમારા ફોર માર્શિયન્સ માર્સ ડયુન આલ્ફા નામના થ્રીડી -પ્રિન્ટેડ બિલ્ડિંગમાં એક વર્ષ રહેશે.  આ થ્રીડી -પ્રિન્ટેડ બિલ્ડિંમાં પૃથ્વીના પડોશી અને સૂર્ય મંડળના લાલ ગ્રહ મંગળની રાતા રંગની ધરતી જેવું અને રાતા રંગની માટીવાળું  આબેહૂબ   વાતાવરણ સર્જવામાં આવ્યું છે.

એક વરસ દરમિયાન ચારેય સ્વયંસકવકો લાંબા સમય સુધી અંતરીક્ષમાં કેમ રહેવું,  સ્પેસ વોક(અંતરીક્ષમાં કઇ રીતે ચાલવું), શારીરિક-માનસિક તંદુરસ્તી જાળવવા માટે કઇ કઇ કસરત કરવી, કયો અને કેટલો આહાર લેવો, કેટલો  સમય નિદ્રા લેવી, સમયની ગણતરી કરવી વગેરે જેવી સઘન તાલીમ આપવામાં આવશે.

૫.૭૨ કરોડ  અમેરિકન  ડોલરના  ખર્ચે  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર  ૨૦૨૭ના અંત સુધીમાં  માનવ વસાહત બનાવવા જરૂરી સાધન સામગ્રી મોકલવા  માટે નાસાના વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરો પૃથ્વી પરથી  ખાસ પ્રકારનાં રોકેટ્સનો  ઉપયોગ નહીં કરે. ચંંદ્રના ખડકોનો, ધૂળનો, તેની માટીનો જ ઉપયોગ કરશે.ખડકોને ઓગાળવા માટે લેસર કિરણોનો અથવા માઇક્રોવેવ્ઝનો ઉપયોગ થશે. 

ભવિષ્યમાં નાસાનું જે અવકાશયાન ચંદ્ર પર જશે તેની સાથે રોબોટિક આર્મ(રોબોટ ટેકનોલોજીનો હાથ), એક્ઝાવેટર(જમીનમાં ઉંડા ખાડા ખોદવા,માટી,રેતી વગેરેને એકથી બીજી જગ્યાએ લઇ જવાં માટેનું આધુનિક યંત્ર) સહિત જરૂરી સાધન સામગ્રી હશે. ચંદ્ર પરની માનવ વસાહત બનાવવા શક્ય હશે ત્યાં સુધી  માનવીને બદલે સ્વયંસંચાલિત યંત્રણાનો જ ઉપયોગ થશે.

ચંદ્ર પર માનવ વસાહત બનાવવામાં ચંદ્રનું અતિ પાતળું પડી ગયેલું ગુરુત્વાકર્ષણ બળ, મૂનક્વેક્સ(પૃથ્વી પરના ભૂકંપને અર્થક્વેક્ કહેવાય જ્યારે ચંદ્ર પરના ભૂકંપને મૂનક્વેક્સ કહેવાય), દક્ષિણ ધ્રુવ પરના અતિ વિષમ તાપમાન( ચંદ્ર પર દિવસે ૧૨૦ ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાતે માઇનસ(--) ૧૩૦ ડિગ્રી સેલ્સિયસ રહે છે) વગેેરે પડકારરૂપ કુદરતી પરિબળોને પણ ધ્યાનમાં લેવાંમાં આવશે. જોકે ચંદ્ર પરની ભાવિ માનવ વસાહતમાં  અત્યાધુનિક ટેકનોલોજી,એન્જિનિયરિંગ, સાયન્સ,આર્કિટેક્ચરનો ઉત્તમ પ્રયોગ હશે એટલું ચોક્કસ.

નાસાની યોજના મુજબ ચંદ્ર પર  પૃથ્વીનાં માનવીને રહેવાનાં ખાસ પ્રકારનાં ક્વાટર્સ, રસ્તા, બગીચા, વીજળી મથક, વીજળી પ્રકાશ, ગ્રીનહાઉસીસ, અવકાશયાન ઉતરવા માટેનું ખાસ પ્રકારનું લોન્ચપેડ વગેરે ઉત્તમ  પ્રકારની સુવિધાઓ હશે.

Gujarat