NASAMS મિસાઇલ્સનું યુક્રેનમાં પરીક્ષણ થઈ ચૂક્યું છે હવે તે તાઇવાનને આપવા નિર્ણય

- ચીન ચિંતામાં પડી ગયું છે
- ચીન-જાપાન વચ્ચે તંગદીલી વધી રહી છે ત્યારે અમેરિકાએ તાઇવાન સાથે અબજો ડોલરનો સોદો કરી તેને સબળ કર્યું છે
વોશિંગ્ટન : જાપાન અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે તેવામાં અમેરિકાએ તાઇવાન સાથે અબજો ડોલરનો શસ્ત્ર સોદો કર્યો છે. તે તાઇવાનને આશરે ૭૦૦ મિલિયન ડોલરની મિસાઇલ પ્રણાલી આપવાનું છે તે પ્રણાલીની રૂપિયામાં કિંમત આશરે ૫૮ અબજ જેટલી થવા જાય છે.
હિંદ પ્રશાંત ક્ષેત્રમાં હજી સુધીમાં માત્ર ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયા જ આ પ્રણાલી ધરાવે છે. તે એન.એ.એસ.એ.એમ.એસ (નેશનલ એડવાન્સ્ડ સર્ફેસ-ટુ-એર મિસાઇલ સીસ્ટીમ મધ્યમ અંતરની વાયુ સુરક્ષા પ્રણાલી છે. જે આર-ટી-એક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તાઇવાન માટે આ નવું શસ્ત્ર છે. ગત વર્ષે અમેરિકાએ ૨ અબજ ડોલરનાં શસ્ત્ર-સોદા નીચે તાઇવાનને આ શસ્ત્ર પ્રણાલીનાં કેટલાંક યુનિટ આપવાની જાહેરાત કરી હતી.
પેન્ટાગોનનું કહેવું છે કે, આર.ટી.એક્સને આ એન.એ.એસ.એ.એમ.એસ. સીસ્ટીમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જેનું કામ ફેબુ્રઆરી ૨૦૩૧ સુધીમાં પુરૃં થઈ જશે. વિત્ત વર્ષ ૨૦૨૬ દરમિયાન વિદેશી સૈન્ય વેચાણ (તાઇવાન) નીચે ૬૯.૮૯ કરોડ તુર્ત જ આપવામાં આવ્યા છે. યુક્રેનમાં રશિયન હુમલા સામેનાં બચાવ માટે ઉપયોગમાં લેવાયેલા આ મિસાઇલ્સ હવામાંથી થતા હુમલા અટકાવવા માટે પૂરતાં સક્ષમ છે, તેની દુનિયાભરમાં માંગ વધતી જાય છે.

