નાસાએ ત્રણ વેધર મિશન્સ તરતાં મૂક્યાં : સૂર્યમાં થતા ફેરફારની પૃથ્વી પરની અસરનો અભ્યાસ થશે
- સેટેલાઇટ્સ, અવકાશયાત્રીઓ, વિમાનના પાયલોટ્સની સલામતી વ્યવસ્થા થઇ શકશે
વોશિંગ્ટન : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા) સૂર્યમાં થતા અકળ ફેરફારની અસર પૃથ્વીના વાતાવરણમાં કેવા કેવા ફેરફેર થાય છે તેના અભ્યાસ માટે ત્રણ વેધર મિશન્સ (હવામાનની આગાહી માટેનાં અવકાશયાન) તરતાં મૂક્યાં છે.
આ ત્રણેય વેધર મિશન્સ સ્પેસ એક્સના ફાલ્કન ૯ રોકેટ દ્વારા નાસાના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા) પરથી બુધવારે સવારે ૭ : ૩૦ વાગે તરતાં મૂકાયાં છે. નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે આ ત્રણેય અવકાશયાન સંપૂર્ણ સલામતી સાથે સન --અર્થ લાગ્રાન્ગ પોઇન્ટ તરફ ગતિ કરી રહ્યાં છે. સન -- અર્થ લાગ્રાન્ગ પોઇન્ટ પૃથ્વીથી ૧૬ લાખ કિલોમીટર દૂરના અંતરે છે. ત્રણેય અવકાશયાન આ જ સન -- અર્થ લાગ્રાન્ગ પોઇન્ટ પર રહીને જ તેની સંશોધન કામગીરી કરશે.
આ ત્રણેય વેધર મિશન્સનાં નામ છે, નાસા ઇન્ટરસ્ટેલર મેપિંગ એન્ડ એક્સલેરેશન પ્રોબ, નાસા કેરુથર્સ જીઓકોરોના ઓબ્ઝર્વેટરી, સ્પેસ વેધર ફોલો ઓન -- લાગ્રાન્ગ.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે દરેક અવકાશયાન સૂર્યમાંથી ફેંકાતા પવનો, સૌર જ્વાળા સહિત અન્ય ગતિવિધિ વિશે સંશોધન કરશે.આ ત્રણેય અવકાશયન દ્વારા જે સંશોધનાત્મક માહિતી મળશે તેના આધારે સૂર્યમાં થતા અકળ ફેરફારની અસર પૃથ્વી પરના વાતાવરણ અને જીવ સૃષ્ટિ પર કેવી અને કેટલી થશે તેની ઉપયોગી વિગતો જાણી શકાશે.
ઉપરાંત, સૌર જ્વાળાઓ અને સૌર પવનોની અસર સામે આકાશમાં તરતા સેટેલાઇટ્સ, સમાનવ અવકાશયાનમાંના અવકાશયાત્રીઓ, વિમાનમાંના પાયલોટ્સની સલામતી કઇ રીતે કરવી તેની વ્યવસ્થા થઇ શકશે.
થોડા દિવસ પહેલાં નાસાના એક સેટેલાઇટ દ્વારા મળેલી ઇમેજીસના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે હિમશીલા ઓગળવાથી અમેરિકાના અલાસ્કાના સમુદ્ર કિનારાથી દૂર એક નવો ટાપુ ઉપસી આવ્યો છે.