નાસાનું હેલિકોપ્ટર મંગળ પર ઊડયું, પરગ્રહ પર ફ્લાઇંગની પ્રથમ ઘટના
- 1903 માં રાઈટ બંધુઓએ પ્રથમ વિમાન ઊડાડયું હતું એવી ઘટના
- કુલ 39.1 સેકન્ડના ઊડ્ડયન દરમિયાન હેલિકોપ્ટર 10 ફીટ ઊંચકાયુ : નાનકડા હેલિકોપ્ટર પાછળ 8.5 કરોડ ડૉલરનો ખર્ચ
વૉશિંગ્ટન : નાસાએ મંગળ પર ઉતારેલા પર્સેવેરન્સ યાન સાથેના હેલિકોપ્ટર ઈન્જિન્યુઈટિએ ૧૯ તારીખે પ્રથમ વાર ઊડાન ભરી હતી. કોઈ પણ બીજા ગ્રહ પર કોઈ પણ પ્રકારની ઊડાન ભરી હોય એવો આ જગતના ઈતિહાસનો પ્રથમ કિસ્સો હતો. નાસાએ આ ઘટનાની સરખામણી ૧૯૦૩ના પ્રથમ વિમાન ઊડ્ડયન સાથે કરી હતી.
૧૯૦૩માં ઓરવિલ અને વિલ્બર રાઈટે પ્રથમ વાર ઊડાન ભરી હતી. કોઈ પણ માનવનિર્મિત વાહન હવામાં ઊડયું હોય એવી એ પ્રથમ ઘટના હતી. એ પછી હવે મંગળ પર હેલિકોપ્ટર ઊડતાં ફરીથી નવો ઈતિહાસ સર્જાયો હતો.
નાસાએ આપેલી વિગત પ્રમાણે હેલિકોપ્ટર ઈસ્ટર્ન સ્ટાન્ડર્ટ ટાઈમ (ઈએસટી) મુજબ વહેલી સવારે સાડા ત્રણે (ભારતીય સમય મુજબ બપોરે સાડા બાર આસપાસ) ઊડયું હતું. હેલિકોપ્ટર કુલ ૩૯.૧ સેકન્ડ સુધી ઊડતું રહ્યું હતું. એમાં ૧૦ મિટરની ઊંચાઈ હાંસલ કરી હતી. ૧૦ મિટરની ઊંચાઈએ હેલિકોપ્ટર ૩૦ સેકન્ડ સુધી સ્થિર રહી ઊડતું રહ્યું હતું.
ઊડ્ડયનની એ વિગતો નાસાને ઊડાનની સવા ૩ કલાક પછી મળી હતી. અન્ય વિગતો ધીમે ધીમે આવશે એવુ પણ નાસાએ કહ્યુ હતુ. હેલિકોપ્ટર ઊડાન માટેના તમામ પ્રોગ્રામો તેમાં પહેલેથી જ ગોઠવાયેલા છે અને હેલિકોપ્ટરને સોલાર પેનલ વડે ઊર્જા મળી રહી છે. જ્યાં હેલિકોપ્ટરે ઊડાન ભરી એ જગ્યાને નાસાએ હવે રાઈટ બ્રધર્સ ફિલ્ડ નામ આપ્યું છે, કેમ કે ૧૧૭ વર્ષ પહેલા પહેલી વાર વિમાન ઊડયું એમ અન્ય ગ્રહ પર પહેલી વાર કોઈ યાન ઊડયું હતું.
આ હેલિકોપ્ટર આપણા ધરતી પરના કદાવર હેલિકોપ્ટર જેવડું નથી. બાળકોના રમડકાનું હોય એવુ છે, પણ તેની પાછળ નાસાએ ૮.૫ કરોડ ડૉલરનો જંગી ખર્ચ કર્યો છે. હેલિકોપ્ટર ૧૯.૩ ઈંચ ઊંચુ અને ૧.૮ કિલોગ્રામ વજનનું છે. તેની સફળતાથી ભવિષ્યમાં અન્ય ગ્રહ પર મોકલનારા યાનને ઊડતાં કરવામાં સરળતા રહેશે.