World

દુનિયાના સૌથી દુર્ગમ સ્થળ ‘સ્ટાર માઉન્ટેન્સ’ની રહસ્યમય દુનિયા, એલિયન્સ રહેતા હોવાની વાત વાયકા કે વાસ્તવિકતા?

By GS Team
22 Oct 20263 mins read
TukuTouch Logo
પાપુઆ ન્યુ ગિનીના 'સ્ટાર માઉન્ટેન્સ' પૃથ્વી પરનું એક રહસ્યમય સ્થળ છે. ગાઢ જંગલો અને બરફીલા પર્વતોથી ઘેરાયેલું આ સ્થળ એટલું દુર્ગમ છે કે ત્યાં પહોંચવું લગભગ અશક્ય છે. અહીં ટ્રી કાંગારૂ અને સિંગિંગ ડોગ જેવા અનોખા જીવો જોવા મળે છે. 1959માં અહીં UFO દેખાયાની ઘટના અને 2026માં સમુદ્રમાં રહસ્યમય રચના મળી આવતાં એલિયન્સની થિયરીને વેગ મળ્યો છે. વૈજ્ઞાનિકો તેને માત્ર કુદરતી વિવિધતા જ ગણાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાના સૌથી દુર્ગમ સ્થળ ‘સ્ટાર માઉન્ટેન્સ’ની રહસ્યમય દુનિયા, એલિયન્સ રહેતા હોવાની વાત વાયકા કે વાસ્તવિકતા?
AI તસવીર

Star Mountains Papua New Guinea: પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જે માનવ પહોંચથી સાવ દૂર છે. ‘સ્ટાર માઉન્ટેન્સ’ તેમાંની જ એક જગ્યા છે. ગાઢ જંગલો, ઊંડી ખીણો અને બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે છુપાયેલી આ જગ્યા એટલી દુર્ગમ છે કે અહીં પહોંચવું સામાન્ય માણસના ગજાની વાત નથી. આ સ્થળની ભૌગોલિક કઠિનતા જ તેને વિશ્વનું સૌથી અનોખું અને રહસ્યમય સ્થળ બનાવે છે એટલું રહસ્યમય કે ત્યાં એલિયન્સ આવતા હોવાની વાતો પણ અવારનવાર ફેલાતી રહે છે.

ક્યાં આવેલું છે આ સ્થળ?

સ્ટાર માઉન્ટેન્સ ઇન્ડોનેશિયાના પશ્ચિમી ન્યુ ગિનીથી લઈને પાપુઆ ન્યુ ગિની સુધી ફેલાયેલા છે. આ વિસ્તારમાં પાકા રસ્તાઓનું નામોનિશાન નથી, તેથી ત્યાંના અબ્મિસિબિલે અને માબીલાબોલ જેવા ગામડાંઓ સુધી પહોંચવા માટે લાંબી પગપાળા યાત્રા કરવી પડે છે અથવા હેલિકોપ્ટરનો સહારો લેવો પડે છે.

દુર્ગમ વિસ્તારમાં પર્વતારોહણ પડકારજનક બને છે

અહીંનું મુખ્ય શિખર માઉન્ટ જુલિયાના છે, જેને પુંચક મંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શિખર આશરે 4700 મીટર ઊંચું છે. કઠોર હવામાન અને હિમનદીઓને કારણે અહીં પર્વતારોહણ અત્યંત પડકારજનક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ ખૂબ ખાસ છે, કારણ કે અહીં વૃક્ષ પર રહેતા કાંગારૂ (Tree Kangaroo), સિંગિંગ ડોગ (ભસતા નહીં, ગાતા કૂતરા) અને અત્યંત ચમકદાર, રંગબેરંગી પીંછા ધરાવતાં 'બર્ડ્સ ઑફ પેરેડાઇઝ' જેવા અનેક અનોખા જીવો જોવા મળે છે. માત્ર સ્થાનિક આદિવાસીઓ અને કેટલાક ગણ્યાગાંઠ્યા વૈજ્ઞાનિકો જ આ વિસ્તારની મુલાકાત લઈ શક્યા છે.

શું સ્ટાર માઉન્ટેન્સ એલિયન્સનું ઘર છે?

આ વિસ્તારની દુર્ગમતા અને અગણિત ગુફાઓને કારણે ઇન્ટરનેટ પર અહીં એલિયન્સ હોવાની અફવાઓ ખૂબ ચર્ચામાં રહે છે. સ્ટાર માઉન્ટેન્સમાં એલિયન્સ હોવાનો કોઈ સત્તાવાર પુરાવો નથી મળ્યો, પરંતુ પાપુઆ ન્યુ ગિની સાથે જોડાયેલી કેટલીક ઐતિહાસિક ઘટનાઓએ આ થિયરીઓને બળ આપ્યું છે.

  • જૂન 1959માં બોઈઆનાઈ મિશન સ્ટેશન પર એક અત્યંત પ્રખ્યાત ઘટના બની હતી. ફાધર વિલિયમ ગિલ અને અન્ય 37 સ્થાનિક લોકોએ આકાશમાં એક વિશાળ રકાબી જેવું વાહન (UFO) જોયું હતું, જેના પર 4 માનવ જેવા જીવો કામ કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે નીચે ઊભેલા લોકોએ હાથ હલાવ્યો, ત્યારે તે જીવોએ પણ વળતો જવાબ આપતાં હાથ હલાવ્યા હતા. આ ઘટનાને વિશ્વની સૌથી વિશ્વસનીય UFO ઘટના ગણવામાં આવે છે.
  • સપ્ટેમ્બર 2026માં પાપુઆ ન્યુ ગિની નજીક પેસિફિક મહાસાગરના તળિયે 10 માઇલ લાંબી અને 4 માઇલ પહોળી એક ભૌમિતિક રચના સેટેલાઇટમાં કેદ થઈ હતી. ઘણા સંશોધકો માને છે કે આ કોઈ કુદરતી પહાડ નથી પરંતુ પાણીની અંદર આવેલો એલિયન બેઝ હોઈ શકે છે. સ્ટાર માઉન્ટેન્સના માનવવસ્તી વગરના વરસાદી જંગલોને કારણે લોકો તેને એલિયન્સનું સંતાવાનું સ્થળ માને છે.

હકીકત કે કોરી કલ્પના?

વિજ્ઞાનીઓ તો આ બધી માન્યતાઓએ માત્ર કાલ્પનિક થિયરીઓ જ ગણાવે છે. તેમનું કહેવું છે કે સ્ટાર માઉન્ટેન્સ પોતાની કુદરતી વિવિધતા અને અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશને કારણે પૃથ્વી પરનું એક દુર્ગમ સ્થળ છે, એનાથી વિશેષ કશું નથી.