Hindu Minority Murdered in Bangladesh: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસ (42)ની તેમના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરોપીએ આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ 'હું તો મજાક કરતો હતો' તેવું કહીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના 29 ડિસેમ્બર (સોમવાર)ની સાંજે આશરે 6:45 વાગ્યે મેહરાબારી વિસ્તારમાં આવેલી 'સુલ્તાના સ્વેટર્સ લિમિટેડ' ફેક્ટરીમાં બની હતી. મૃતક બજેન્દ્ર બિસ્વાસ અને આરોપી નોમાન મિયા (29) બંને ફેક્ટરી પરિસરમાં બનેલા અંસાર બેરેકમાં તૈનાત હતા. વાતચીત દરમિયાન નોમાન મિયાએ પોતાની સરકારી શૉટગન બજેન્દ્ર તરફ તાકી હતી. આ દરમિયાન અચાનક ગોળી છૂટતા બજેન્દ્રની ડાબી જાંઘમાં વાગી હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મજાક કે આયોજિત કાવતરું?
આરોપીએ ભલે તેને મજાક ગણાવી હોય, પરંતુ બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિને જોતા આ ઘટના પાછળ કોઈ ઊંડું કાવતરું હોવાની શંકા સેવવામાં આવી રહી છે. મૃતક બજેન્દ્ર બિસ્વાસ સિલ્હટ સદરના કાદિરપુર ગામના વતની હતા અને તેમના પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા. પોલીસે આરોપી નોમાનની ધરપકડ કરી તેની શૉટગન જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
11 દિવસમાં બીજી કરૂણ ઘટના
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં હિન્દુઓ પર હુમલાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે 18 ડિસેમ્બરે ભાલુકા વિસ્તારમાં જ દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની નિર્વસ્ત્ર કરી, ઢોર માર મારીને જીવતા સળગાવી દેવાની ભયાનક ઘટના બની હતી. માત્ર 11 દિવસના અંતરે બનેલી આ બીજી ઘટનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
માનવાધિકાર સંગઠનોની ચિંતા
સ્થાનિક માનવાધિકાર સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અને હત્યાના બનાવોમાં ઉછાળો આવ્યો છે. અનેક કિસ્સાઓમાં કડક કાર્યવાહીના અભાવે અપરાધીઓના હોસલા બુલંદ થઈ રહ્યા છે. આ તાજી ઘટનાએ લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસની માંગ તેજ બની છે.


