મુત્તાકીની પ્રેસ- કૉન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રણ ન હતું : ભારતે કહ્યું : તેમાં અમારી કોઈ ભૂમિકા નથી

- મુત્તાકી અને જયશંકર વચ્ચે મંત્રણા યોજાયા બાદ અફઘાન દૂતાવાસમાં મુત્તાકીએ પત્રકાર પરિષદ યોજી હતી
નવી દિલ્હી : શુક્રવારે સાંજે અફઘાન વિદેશમંત્રી આમીર ખાન મુતાકીએ યોજેલી પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારોને આમંત્રણ ન આપતા વિવાદ ઉપસ્થિત થયો હતો. તેથી ભારતે સ્પષ્ટતા કરી હતી કે, 'તે પત્રકાર અફઘાન દૂતાવાસે બોલાવી હતી તેમાં અમારી કોઈ ભૂમિકા ન હતી, હોઈ શકે પણ નહિ'
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમીરખાન મુત્તાકી અને ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર વચ્ચે શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે મંત્રણા યોજવામાં આવી હતી જેમાં બંને દેશો વચ્ચે વ્યાપાર વધારવા તેમજ સંરક્ષણ તથા ત્રાસવાદી જૂથોના સામના અંગે સહકાર સ્થાપવા બંને દેશો સંમત થયા હતા.
પછી યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવા માટે તથા અફઘાની મહિલાઓની સ્થિતિ અંગે મુત્તાકીને પત્રકારોએ પૂછ્યું ત્યારે તેના જવાબમાં મુત્તાકીએ કહ્યું : 'દરેક દેશની તેની રૂઢિઓ અને પરંપરાઓ તથા કાનૂનો હોય છે. પોતાના નિયમો હોય છે. સિદ્ધાંતો હોય છે.' આ સાથે આડકતરી રીતે તેઓએ અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહી કરવા સંકેત આપી દીધો હતો.
આ પછી તુર્ત જ તેઓ અફઘાનિસ્તાનની આંતરિક સલામતી વિષે કહ્યું હતું કે, તાલિબાનોએ સત્તાગ્રહણ કર્યા પછી ત્યાં મૃત્યુઆંક ઘટી ગયો છે. દેશમાં સામાન્ય સલામતી વધી છે.
મુત્તાકી ગમે તેટલો બચાવ કરે પરંતુ અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કરુણ અને દયનીય છે છોકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ ભણવા દેવાની 'ના' છે. દરેક ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે નિશ્ચિત 'ડ્રેસ કોડ' છે. યુ.એને પણ તાલિબાનોના આ પગલાંની ટીકા કરી છે અને કહ્યું છે કે, ત્યાં સુવ્યવસ્થિત રીતે છોકરીઓ અને મહિલાઓ પર દબાણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાજ તેનાથી વ્યથિત છે.