પાકિસ્તાનઃ ઈસ્લામાબાદમાં નવા કૃષ્ણ મંદિર માટે અપાયેલી જગ્યામાં કટ્ટરવાદીઓની તોડફોડ
ઇસ્લામાબાદ, તા.7 જુલાઈ 2020, મંગળવાર
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના અનેક દાવા છતા લઘુમતીઓ પરના અત્યાચારનો સીલસીલો યથાવત છે.
રાજધાની ઈસ્લામાબાદમાં સરકાર દ્વારા બનનારા શ્રીકૃષ્ણ ભગવાનના પહેલા મંદિરના નિર્માણ પર કટ્ટરવાદીઓએ રોક લગાવ્યા બાદ હવે મંદિરની જમીન પર બળજબરથી અઝાન આપી છે.એટલુ જ નહી મંદિરના પાયાને પણ તોડી નાંખવામાં આવ્યો છે.આટલુ થયા પછી પણ પીએમ ઈમરાન ખાન મૌન છે.
પાકિસ્તાનના લઘુમતી સમુદાયે કટ્ટરવાદીઓના કૃત્યની ટીકા કરી છે અને કહ્યુ છે કે, દેશમાં લઘુમતીઓ સામે અસહિષ્ણુતા વધી રહી છે.ઈમરાનખાન સરકારે પહેલા મંદિર બનાવવાની જાહેરાત કરી હતી પણ કટ્ટરવાદીઓએ તેનો વિરોધ કર્યા બાદ સરકાર ઘૂંટણીયે પડી ગઈ હતી.
ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાનુ કહેવુ છે કે, ધાર્મિક પાસા પર વિચારણા કરીને મંદિર બનાવવા અંગે નિર્ણય લેવાશે.પાકિસ્તાનમાં લઘુમતિઓના અધિકારોની રક્ષા કરવામાં આવશે.
આ પહેલા સરકારે મંદિર બનાવવા માટે 10 કરોડ રુપિયાની સહાય કરવાની જાહેરાત થતા જ બબાલ શરુ થઈ ગઈ હતી.કટ્ટરવાદીઓએ વિરોધ કર્યો હતો કે, મંદિર બનાવવા માટે સરકારી પૈસા ખર્ચી શકાય નહી.
સરકારની મૂળ યોજના પ્રમાણે આ કૃષ્ણ મંદિર 20000 સ્કેવરફૂટમાં બનવાનુ હતુ.