- મુસ્લીમ બ્રધરહૂડ 1920ના દાયકામાં ઇજીપ્તમાં સ્થપાયું હતું
- મુસ્લીમ બ્રધરહૂડનાં કેટલાંયે સંઘટક જૂથો ઇઝરાયલ તથા અમેરિકાના સાથી દેશોમાં થતા હિંસાચારને સમર્થન આપે છે
વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારથી મુસ્લીમ બ્રધર હૂડનાં કેટલાંયે સંઘટક જૂથોને જુદાં તારવવા હુક્મ કર્યો છે, અને તે જૂથોને વિદેશી ત્રાસવાદી જૂથો તરીકે ગણવા જણાવી દીધું છે. વિશેષત: જે જૂથો ગ્લોબલ ટેરરિસ્ટસ તરીકે અલગ તારવી દેવાયાં છે તેમની ઉપર સકંજો મારવા સલામતી દળોને આદેશ આપી દીધો છે. આ ઇસ્લામિક બ્રધરહૂડ નામક સંસ્થા આરબ જગતમાં જૂનામાં જૂનાં આંદોલનો પૈકીનું એક છે. તેનો વ્યાપ અને પ્રભાવ પણ ઘણો છે.
આ અંગે વ્હાઇટ હાઉસનું ફેક્ટ શીટ જણાવે છે કે પ્રમુખ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને વિત્તમંત્રી સ્કોટ બીસેન્ટને મુસ્લીમ બ્રધરહૂડનાં જે સંઘટક જૂથો લેબેનોન ઇજીપ્ત અને જોર્ડન જેવા દેશોમાં સક્રિય છે, તેમની યાદી તૈયાર કરવા જણાવી દીધું છે, અને ૪૫ દિવસમાં જ તેનો રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે.
ટ્રમ્પ વહીવટી તંત્રે મુસ્લીમ બ્રધર હૂડનાં કેટલાંક જૂથોને તેમજ તેમને સમર્થન આપતાં દેશોની પણ યાદી તૈયાર કરવા તાકીદ કરી છે. કારણ કે તેઓ પેલેસ્ટાઇની ત્રાસવાદી જૂથ હમાસને ટેકો આપે છે. આ જૂથો હિંસક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહે છે. વિશેષત: ઇઝરાયલ અને અમેરિકાના સાથી દેશોમાં તેઓ ત્રાસવાદ ફેલાવે છે.
વ્હાઇટ હાઉસનું ફેક્ટ શીટ વધુમાં જણાવે છે કે પ્રમુખ ટ્રમ્પ મુસ્લીમ બ્રધર હૂડનાં આંતરદેશીય નેટવર્કનો સામનો કરવા માગે છે. કારણ કે આ નેટવર્ક જ અમેરિકાનાં હિતો અને તેના મધ્યપૂર્વમાં રહેલા સાથીઓ સામે રીતસરની જેહાદ ઉઠાવી તે દેશોમાં અસ્થિરતા પ્રસારી રહ્યાં છે.
રીપબ્લિકન્સ અને જમણેરી જૂથો, ઘણા સમયથી જે જૂથને ત્રાસવાદી જૂથ તરીકે ગણવામાં આવ્યું છે, તેની સામે પગલાં લેવા, પ્રમુખને કહી રહ્યા છે.
પ્રમુખ ટ્રમ્પે તેઓના પહેલા કાર્યકાળ વખતે પણ આવો પ્રયત્ન કર્યો હતો. બીજો કાર્યકાળ શરૂ થતાં ટ્રમ્પ વહીવટીતંત્ર આવાં કટ્ટરવાદી જૂથોને ત્રાસવાદી જૂથ તરીકે તારવી લેવા સક્રિય બન્યું છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબર પણ રીપબ્લિકન છે તેઓએ તો ગત સપ્તાહે જ તેમનાં રાજ્યમાં મુસ્લીમ બ્રધરહૂડને ત્રાસવાદી જૂથ તરીકે જાહેર કરી દીધું છે.
આ મુસ્લીમ બ્રધરહૂડ આંદોલન ૧૯૨૦ના દાયકામાં ઇજીપ્તમાં સ્થાપવામાં આવ્યું હતું. તે ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રવાદી વિચારોનો વિરોધ કરવા, એક રાજકીય સંગઠન તરીકે સ્થાપવાનું હતુ. પરંતુ તે ધીમે ધીમે કટ્ટરવાદી બની ગયું.


