Get The App

ટ્રમ્પની નિષ્ફળતાનો ગાળિયો પોતાના ગળામાં નંખાય તે પહેલા મસ્કે નિવૃતિ લીધી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પની નિષ્ફળતાનો ગાળિયો પોતાના ગળામાં નંખાય તે પહેલા મસ્કે નિવૃતિ લીધી 1 - image


- મન ફાવે તેમ વર્તતા ટ્રમ્પ સાથે કામ કરવું મુશ્કેલ

- ટ્રમ્પ વિદેશ નીતિથી લઈ ઇકોનોમી મોરચે નિષ્ફળ ગયા તે જોતાં આગામી દિવસોમાં રાજીનામાઓની લાઇન લાગી શકે

- ટ્રમ્પનું સરકારી તંત્ર મે વિચાર્યું હતું તેના કરતાં પણ ઘણું ખરાબ છે : મસ્કનો બળાપો

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરીના રોજ હોદ્દો ગ્રહણ કર્યો પછી જાન્યુઆરીના અંતે ડીઓજીઇ વિભાગના વડા તરીકે નીમાયેલા મસ્કે ફક્ત ચાર મહિનામાં જ રાજીનામુ આપીને બતાવી દીધું છે કે ટ્રમ્પ સાથે કામ કરવું તેમના સહયોગીઓ માટે પણ કેટલું અઘરું છે. ટ્રમ્પ દ્વારા સતત કરવામાં આવતા નીતિગત ફેરફારોના કારણે ટ્રમ્પના સહયોગીઓ પણ કંટાળી રહ્યા છે તેનો આ પુરાવો છે. 

મસ્કના રાજીનામાની સાથે અમેરિકાના સરકારી વિભાગોમાં મોટાપાયા પરની છટણીની સંભાવના પર પણ હાલ પૂર્ણવિરામ લાગી ગયું હોવાનું માનવામાં આવે છે. એક સમયે અમેરિકાના ૩૦ લાખ સરકારી કર્મચારીઓમાંથી ૨૦ લાખની છટણી કરી દેવાની વાત હતી. 

જો કે મસ્ક દ્વારા કરવામાં આવેલી આડેધડ છટણીના કારણે સરકારી વિભાગમાં પણ મોટાપાયા પર અસંતોષ છે. બીજી બાજુએ ટ્રમ્પની ટીમની અંદર જ સત્તા માટે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. સત્તાના આ આંતરિક સંઘર્ષના કારણે મસ્ક સરકારી ખર્ચ ઘટાડવા માટે જોઈએ તેવું કામ કરી શકતા ન હતા. તેના લીધે મસ્કે તેનો બે લાખ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કાપનો લક્ષ્યાંક ઘટાડીને એક લાખ ટ્રિલિયન ડોલર અને પછી તો છેલ્લે ૧૫૦ અબજ ડોલર કરી દેવો પડયો હતો.મસ્કને આ જરા પણ ગમ્યું ન હતું. 

ટ્રમ્પ તંત્રના અન્ય વિભાગોના વડાઓ સાથે મસ્કનો સતત સંઘર્ષ જાણે દૈનિક પ્રવૃત્તિ બની ગઈ હતી. મસ્કના રાજીનામા છતાં પણ ટ્રમ્પ તંત્રના ઘણા અધિકારીઓને ડર છે કે તે સત્તા પર ન રહીને પણ તેણે ઊભા કરેલા વિભાગ દ્વારા સરકારી ખર્ચકાપની ચળવળ ચાલુ રખાવશે. 

ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે જ એવા નિર્ણયો લેવા માંડયા હતા જેની સાથે મસ્ક પૂરેપૂરા સંમત ન હતા. તેમા પણ ગ્રીનકાર્ડ ધારકોને જે રીતે ટ્રમ્પ કાઢવા માંડયા તે જોઈ મસ્ક પણ આંચકો પામી ગયા હતા. તેમને લાગ્યું હતું કે ટ્રમ્પ રીતસરની મનમાની કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પ બિગ એન્ડ બ્યૂટીફુલ બિલ લાવ્યા તેની તો મસ્કે પણ ખુલ્લેઆમ ટીકા કરી હતી. મસ્ક સમજી ગયા કે હવે તેમનો સરકાર સાથેનો હનીમૂન પીરિયડ પૂરો થયો. છેવટે બાવાના બે ય ન બગડે તે ન્યાયે ધંધો પણ જાય અને રાજકીય કારકિર્દી પણ ન બને તે જોતાં તેમણે ટ્રમ્પ સરકારમાંથી નીકળી જવું યોગ્ય માન્યું. 

તેમા પણ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ નાખીને અર્થતંત્રની જે સ્થિતિ કરી તે જોતાં મસ્કને સમજાઈ ગયું કે આ પ્રકારની પરિસ્થિતિમાં કામ ન કરી શકાય. દરેક વાતે દુરાગ્રહ રાખતા અને કૂદી પડતા હઠાગ્રહી ટ્રમ્પ સાથે કામ પાર પાડવું સરળ નથી તે મસ્ક સમજી ચૂક્યા છે. ટ્રમ્પ રશિયા સાથે શાંતિથી લઈને ઇઝરાયેલ-ગાઝાપટ્ટીમાં શાંતિ સ્થાપવા સહિત દરેક મોરચે નિષ્ફળ જઈ રહ્યા છે. હવે તે ઇકોનોમીના મોરચે પણ નિષ્ફળ જવા લાગ્યા છે. તેથી તેનો ગાળિયો ક્યાંક પોતાના ગળે ના આવે તે જોઈ મસ્કે સરકારમાંથી નીકળી જવાનો યોગ્ય નિર્ણય જ લીધો છે. તેથી આગામી દિવસોમાં તે સતત ટ્રમ્પની ટીકા કરતાં નજરે પડે તો પણ આશ્ચર્ય નહીં થાય. ટ્રમ્પના તંત્રમાં આગામી દિવસોમાં મસ્કની જેમ બીજા મોટા માથાઓ રાજીનામુ આપે તો પણ કોઈને આશ્ચર્ય નહી થાય. મસ્ક સમજી ગયા છે કે ટ્રમ્પ કોઈ પદ્ધતિથી કામ કરતાં નથી, મનમાં આવે તેમ વર્તે છે. તેમને અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેના સન્માનની પણ પડી નથી. 

Tags :