પ્રમુખ ટ્રમ્પ સામે મસ્કનો 'મોરચો' 'અમેરિકા પાર્ટી'ની જાહેરાત કરી
- ટ્રમ્પે બિગ બ્યૂટિફુલ કાયદો બનાવતા જ મસ્કની રાજકારણમાં એન્ટ્રી
- અમેરિકામાં બે પાર્ટીનો યુગ ખતમ : મારો પક્ષ ભ્રષ્ટ 'એકપક્ષીય' રાજકારણ સામે લડી અમેરિકનોને આઝાદી પાછી અપાવશે : મસ્ક
- અમેરિકામાં ત્રીજા પક્ષને મોટાભાગે ડેમોક્રેટ અને રિપબ્લિકનના વોટ કાપનારા પક્ષ તરીકે જોવામાં આવે છે
ટેસ્લા, સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કે વન બિગ બ્યુટીફુલ બિલને વેસ્ટ એન્ડ ગ્રાફ્ટ ગણાવ્યું છે. આ બિલના વિરોધમાં પ્રમુખ ટ્રમ્પ સામે દુશ્મનાવટ વહોરી લેતાં અમેરિકામાં નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે. આ અંગે જાહેરાત કરતા મસ્કે અમેરિકાની રાજકીય વ્યવસ્થાને વિકલ્પોની અછત હોય તેવીએક પક્ષીય સિસ્ટમ ગણાવી હતી.
મસ્કે કહ્યું, આપણે એક પાર્ટી સિસ્ટમમાં રહીએ છીએ, લોકતંત્રમાં નહીં. તેમનો નવો પક્ષ 'અમેરિકા પાર્ટી' લોકોને તેમની સ્વતંત્રતા પાછી અપાવવા માટે કામ કરશે. જોકે, ઈલોન મસ્કે આ પક્ષની નોંધણી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ ઈલોન મસ્કે એ સ્પષ્ટ કર્યું છે કે, તેમનો જન્મ અમેરિકામાં થયો નહીં હોવાથી બંધારણ મુજબ તે ક્યારેય પ્રમુખ બની શકશે નહીં. અમેરિકન બંધારણ મુજબ જેમનો જન્મ અમેરિકામાં ના થયો હોય તેવા લોકો પ્રમુખ બની શકે નહીં. મસ્કે અગાઉ જ કહી દીધું હતું કે તેમનાં દાદી અમેરિકન છે, પરંતુ તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો છે.
ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નવા રાજકીય પક્ષ લોન્ચ કરવાની જાહેરાત કરતા લખ્યું કે, આજે અમેરિકા પાર્ટીની સ્થાપના આપને આપની સ્વતંત્રતા પાછી અપાવવા માટે કરાઈ છે. દેશના ૨૫૦મા સ્વતંત્રતા દિને કરાયેલા સર્વેક્ષણના પરિણામોને ટાંકીને મસ્કે દાવો કર્યો કે, સરવેમાં ૨ઃ૧ની સરેરાશમાં જનતાએ નવા રાજકીય વિકલ્પની ઈચ્છા વ્યક્ત કરી છે. સરવેમાં અંદાજે ૧૨ લાખથી વધુ લોકોએ ભાગ લીધો, જેમાં ૬૫.૪ ટકા લોકોએ નવા રાજકીય પક્ષની સ્થાપનાને સમર્થન આપ્યું છે જ્યારે ૩૪.૬ ટકાએ ઈનકાર કર્યો છે.
ઈલોન મસ્કની પોસ્ટ મુજબ તેમની નવી અમેરિકા પાર્ટી કોંગ્રેસમાં માત્ર કેટલીક બેઠકોને ટાર્ગેટ કરશે. તેમનો આશય શક્તિનું સંતુલન જાળવી શકે તેવો સ્વિંગ બ્લોક બનાવવાનો અને રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ બંનેની ઓછી પહોંચ હોય તેવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો છે. મસ્કે સંકેત આપ્યા કે તેમનો પક્ષ આગામી વર્ષે મધ્યવર્તી ચૂંટણીમાં ઝંપ લાવી શકે છે. શરૂઆતમાં પક્ષના કેટલીક પસંદગીની કોંગ્રેસ અને સેનેટ બેઠકો પર ઉમેદવારોનું સમર્થન કરશે. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના વર્ષ ૧૮૨૮માં થઈ હતી. શરૂઆતમાં તે ખેડૂતો અને સામાન્ય જનતાની પાર્ટી મનાતી હતી જ્યારે ૧૮૫૪માં ગુલામીના વિરોધમાં રિપબ્લિકન પાર્ટીની સ્થાપના થઈ અને અબ્રાહમ લિંકન તેના પ્રથમ પ્રમુખ હતા.
અમેરિકાની વર્તમાન રાજકીય વ્યવસ્થાની આકરી ઝાટકણી કાઢતા મસ્કે કહ્યું, આપણા દેશને બરબાદી અને ભ્રષ્ટાચારથી દેવાળીયું બનાવવાની વાત આવે છે ત્યારે આપણે એક પાર્ટી સિસ્ટમમાં રહીએ છીએ. લોકતંત્રમાં નહીં. અમેરિકાની રાજકીય વ્યવસ્થા બે પક્ષીય એટલે કે યુનિપાર્ટી છે, જેમાં સમાન નાણાં નીતિઓ છે, જે સેન્ટરમાં ૮૦ ટકા અમેરિકનોનું પ્રતિનિધિત્વ નથી કરતી. એક પક્ષીય સિસ્ટમને તોડવાની અમારી રીત એ જ પ્રકારની છે જે રીતે એપામિનોંડાસે લ્યૂક્ટ્રામાં સ્પાર્ટન્સના અજેય હોવાના મિથકને તોડયું હતું.
અમેરિકન સ્વતંત્રતાના દિવસે મસ્કે પોતાના પ્લેટફોર્મ એક્સ પર એક પોલ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે સવાલ કર્યો કે 'સ્વતંત્રતાના દિવસે એ પૂછવાનો સૌથી સારો સમય છે કે શું તમે બે પાર્ટી (કેટલાક લોકો તેને એક પાર્ટી કહે છે) સિસ્ટમથી સ્વતંત્રતા ઈચ્છો છો? શું આપણે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ?' મસ્કે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત ભલે કરી પરંતુ ત્રીજા પક્ષને સફળ બનાવવા માટે તેમણે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. કારણ કે અમેરિકામાં ત્રીજા પક્ષનો ઈતિહાસ દર્શાવે છે કે ડેમોક્રેટ અને રિપબ્લિક સિવાય ત્રીજા પક્ષને ભાગ્યે જ સફળતા મળી છે.
અમેરિકામાં ત્રીજા પક્ષ સામે અનેક પડકાર
વોશિંગ્ટન: અમેરિકામાં હાલ ત્રીજા પક્ષ તરીકે લિબર્ટેરિયન પાર્ટી, સોશિયલિસ્ટ પાર્ટી, રિફોર્મ પાર્ટી, ગ્રીન પાર્ટી, નેચરલ લૉ પાર્ટી, કોન્સ્ટિટયુશનલ પાર્ટી સહિત અન્ય પક્ષો પ્રમુખપદની ચૂટંણીમાં ભાગ લે છે, પરંતુ આ પક્ષો મોટાભાગે સફળ થતા નથી.
મોટાભાગે લોકો તેમને ડેમોક્રેટ અથવા રિપબ્લિકનના વોટ કાપનાર પક્ષો તરીકે જૂએ છે. આ સિવાય અમેરિકાની રાજકીય વ્યવસ્થા મોટાભાગે ટુ-પાર્ટી સિસ્ટમ જેવી છે, જેમાં ત્રીજા પક્ષને સ્થાન મેળવવામાં પરંપરાગત રીતે મુશ્કેલી પડે છે.
ઈલેક્ટોરલ કોલેજ, એક જ પક્ષનો વિજેતા બધી ચૂંટણી જીતી જાય અને આકરી મતદાન સુવિધાના કાયદા સાથે ત્રીજા પક્ષના ઉમેદવારો સ્પર્ધા કરી શકતા નથી. કદાચ કોઈ ઉમેદવાર જીતી જાય તો તે એક ચૂંટણીથી આગળ વધી શકતો નથી.