આતંકવાદી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાક.માં મંત્રી બનશે
- જેકેએલએફનો ચીફ મલિક ટેરર ફન્ડિંગના કેસમાં જેલમાં
- કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ કેસમાં યાસિન મલિકને ગયા વર્ષે આજીવન કેદની સજા અપાઈ હતી
ઈસ્લામાબાદ : કાશ્મીરનો આતંકવાદી અને ટેરર ફન્ડિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં કેદ યાસિન મલિકની પત્ની મુશાલ હુસૈનને પાકિસ્તાનની વચગાળાની સરકાર મંત્રી બનાવી રહી છે. મુશાલ હુસૈન પાકિસ્તાનમાં રહીને આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરીને ભારતમાં આજીવન કેદની સજા ભોગવતા યાસિન મલિકને છોડાવવા પ્રયત્નો કરતી રહે છે.
પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફના રાજીનામા પછી અનવર ઉલ હક કક્કર દેશના વચગાળાના વડાપ્રધા બન્યા છે. કક્કર કેબિનેટમાં મુશાલ હુસૈન માનવાધિકારો પર વડાપ્રધાનની વિશેષ સહાયક હશે. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાકિસ્તાનમાં જ રહે છે, જ્યાં તે ત્યાંના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને સતત અપીલ કરતી રહે છે કે તેનો પતિ નિર્દોષ છે. તેને બચાવવામાં આવે.
મુશાલ હુસૈનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેના પિતા આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી હતા જ્યારે માતા પાકિસ્તાન મુસ્લિમ લીગના મહિલા એકમની પૂર્વ મહાસચિવ રહી ચૂક્યાં છે. મુશાલનો ભાઈ હૈદર અલિ મલિક વિદેશ નીતિના વિદ્વાન અને અમેરિકન પ્રોફેસર છે. મુશાલ પાકિસ્તાનમાં પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન પણ છે. આ સંગઠન વૈશ્વિક શાંતિ અને સૌહાર્દ માટે કામ કરે છે. યાસિન મલિક કાશ્મીરમાં અલગતાવાદી આંદોલન માટે ઈસ્લામાબાદ ગયો હતો ત્યારે મુશાલ હુસૈન સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યાર પછી ૨૦૦૯માં તેમણે લગ્ન કરી લીધા હતા.
યાસીન મલિક હાલ ટેરર ફન્ડિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. યાસીન મલિક આતંકી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને તેની પ્રવૃત્તિઓ બદલ ગયા વર્ષે મે મહિનામાં એનઆઈએ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, એનઆઈએએ યાસીન મલીકની પ્રવૃત્તિઓને 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવતા તેને ફાંસીની સજા આપવા માગ કરી છે. વધુમાં તાજેતરમાં સરકારે જમ્મુ-કાશ્મીરના નિવૃત્ત ન્યાયાધીશ નીલકંઠ ગંજુની હત્યાનો કેસ ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે. યાસીન મલિકના સંગઠન જેકેએલએફના આતંકીઓએ નિવૃત્ત ન્યાયાધીશ ગંજુની હત્યા કરી હતી.