Get The App

અમેરિકાની ભૂમિ પરથી મુનીરે પરમાણુ હુમલાની ધમકી આપી : ત્રીજા દેશની ભૂમિ પરથી આવા ઉચ્ચારણ નથી કરાયા

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાની ભૂમિ પરથી મુનીરે પરમાણુ હુમલાની ધમકી આપી : ત્રીજા દેશની ભૂમિ પરથી આવા ઉચ્ચારણ નથી કરાયા 1 - image

- મુનીરની ધમકી વિષે ટ્રમ્પ સરકારને સ્પષ્ટતા કરવી પડી

- મુનીરે ઉચ્ચારેલી ધમકી પછી તુર્ત જ અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાને સ્પષ્ટતા કરવી પડી કે ભારત અને પાકિસ્તાન બંને સાથે સમાન સંબંધો છે

નવી દિલ્હી : પોતાની મેળે પાસ (પી.એમ.પી.)ની જેમ પોતાની મેળે જ પોતાને ફીલ્ડ માર્શલ બનાવેલા આસીમ મુનીરે બે જ મહિનામાં અમેરિકાની બે વખત મુલાકાત લીધી હતી. બીજી મુલાકાત સમયે તેઓએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપવા સાથે જાહેર કરી દીધું કે જો (ભારત સાથે) યુદ્ધ થશે તો અર્ધી દુનિયાને અમારી સાથે લઇને ડૂબીશું.

તે સર્વવિદિત છે કે આંતર રાષ્ટ્રીય શિષ્ટાચાર પ્રમાણે ત્રીજા દેસમાં જઇ બીજા દેશને યુદ્ધની ધમકી અપાય જ નહીં. કારણ કે તેથી યજમાન દેશ ફસામણમાં આવી જાય.

ફ્લોરિડામાં એકતાના સમૂહને પોતાની અમેરિકાની બીજી યાત્રા દરમિયાન કરેલાં સંબોધનમાં પાકિસ્તાનની સેનાાના વડા ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે ભારત સામે આ ધમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે જો ભારત સિંધુનું જળ રોકશે તો યુદ્ધ થઇ જશે તેમાં અમે પરમાણુ શસ્ત્ર વાપરતાં અચકાશું નહીં.

મુનીરની આ ધમકીથી આંચકો ખાઈ ગયેલાં ટ્રમ્પ તંત્રના વિદેશ વિભાગનાં પ્રવક્તા ટેલી બ્રસે કહ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરવામાં પ્રમુખ ટ્રમ્પે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે અમારા માટે બહુ જ ગર્વની વાત હતી... તે યુદ્ધ ભયાનક રૂપ લઇ શકે તેમ હતું. પરંતુ પ્રમુખ ટ્રમ્પે તે અટકાવ્યું.

ખરી વાત તે છે કે કોઈપણ દેશના વરિષ્ટ નેતા અન્ય દેશમાં બીજા દેશને ધમકી ન આપી શકે - ન આપવી જોઇએ. જો તે ધમકી આપે ત્યારે યજમાન દેશ મુક રહે તો તેનું સીધું અર્થઘટન તે થઇ શકે કે યજમાન દેશની તેમાં મુક સંમત છે. આમ અમેરિકાનાં વિદેશ મંત્રાલયને તુર્ત જ સ્પષ્ટતા કરવી પડી હતી કે અમારે પાકિસ્તાન તેમજ ભારત બંને સાથે સારા સંબંધો છે.

તેઓએ આગળ કહ્યું ભારત અને પાકિસ્તાન અંગે અમને ઘણો અનુભવ છે. બંને સાથે સારા સંબંધો છે. યુદ્ધ લાંબુ ચાલ્યું હોત તો તે ભયાનક રૂપ લઇ શકત. ઉપ પ્રમુખ જે.ડી.વાન્સ વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તે યુદ્ધ અંગે ચિંતિત હતા. સારૂ થયું કે યુદ્ધ ટૂંકમાં પૂરૂં થયું.