World

મુનીર ખરેખરા ફસાયા : ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ટ્રૂપ મોકલવા આદેશ આપ્યો

By GS TEAM
18 Dec 20252 mins read
મુનીર ખરેખરા ફસાયા : ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં ટ્રૂપ મોકલવા આદેશ આપ્યો

- ટ્રૂપ ન મોકલે તો તેનું આશ્રય-દાતા અમેરિકા નારાજ થાય : જો ટ્રૂપ મોકલે તો પાકિસ્તાન તેને માટે ધીખતી ધરા બની રહે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના માંધાતા ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ખરી આપત્તિમાં મુકાઈ ગયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓને ગાઝામાં લશ્કરી ટુકડીઓ મોકલવા આદેશ આપ્યો છે. કહેવાની જરૂર જ નથી કે મુનીર ખરેખરી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જો ટ્રૂપ મોકલે તો પાકિસ્તાનની પ્રજા નારાજ થાય અને જો ન મોકલે તો તેઓના આશ્રય દાતા ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થાય.

તે સર્વવિદિત છે કે ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થપાયા પછી વોશિંગ્ટને ત્યાં વચગાળાની સરકાર તેના નેતૃત્વ નીચે સ્થાપવા નિર્ણય કર્યો છે. તે સામે હમાસને સખત-વાંધો છે. હમાસ કહે છે કે આ તો બીજી રીતે અમારા પ્રદેશ ઉપર શાસન સ્થાપવાનો અમેરિકાનો ઇરાદો છે. અને અમેરિકા પાછળ ઇઝરાયલ પણ ત્યાં ઘૂસી જશે. તે નક્કી છે.

આ સંયોગોમાં તે વચગાળાની સરકારને ટકાવવા માટે બહુ રાષ્ટ્રીય સેના મોકલવા ટ્રમ્પે નિર્ણય કર્યો છે. અને તેનું નેતૃત્વ અમેરિકી સેના અને તેના સેનાપતિઓ કરશે તેમ પણ સ્પષ્ટ કહ્યું છે.

સીધી વાત છે - હમાસને તે મંજૂર ન જ હોય. તેવામાં ઉકત બહુરાષ્ટ્રીય સેનામાં પાકિસ્તાનની સેનાની ટુકડીઓ જાય, તો પાકિસ્તાનની પ્રજા ધૂંધવાઈ ઊઠે, ન જાય તો પાકિસ્તાનના આશ્રયદાતા ટ્રમ્પ નારાજ થાય.

હવે મુનીર સામે ચિત્ર સ્પષ્ટ બને છે કે શા માટે ટ્રમ્પે તેઓ અમેરિકા ગયા ત્યારે એકાકી લંચ આપ્યો હતો. તે લંચ સમયે અને તે પછી પણ ટ્રમ્પે મુનીરનાં ભરપેટ વખાણ કર્યા હતા.

સહજ છે કે પોતાની મેળે ફીલ્ડ માર્શલ થઈ પડેલા મુનીરને હવે રહી રહીને ટયુબ લાઇટ થઈ જ હશે કે તે લંચ અને તે પ્રશંસા પાછળ શો હેતુ હશે. બીજીતરફ પાકિસ્તાનની જનતાનો ક્રોધ તેમને ડરાવી રહ્યો છે. આમ, માત્ર જનરલમાંથી ફિલ્ડ માર્શલ બનેલા પાકિસ્તાનના માંધાતા ખરેખરા ફસાયા છે.

આ મુંઝવણમાંથી માર્ગ શોધવા તેઓ આગામી સપ્તાહે ટ્રમ્પને મળવા જવાના છે. છ મહિનામાં ટ્રમ્પ સાથેની તેમની એ ત્રીજી મુલાકાત બની રહેશે.

વિશ્લેષકોની તે મુલાકાત ઉપર બાજ-નજર છે.

કેટલાક નિરીક્ષકો તેમ પણ જણાવે છે કે અમેરિકા મારફત ઇઝરાયલ ગાઝાપટ્ટીમાં અમેરિકાની સાથે ઘૂસી જાય. તેનો સીધો અર્થ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટ ઉપર અમેરિકાનું જ પ્રભુત્વ સજ્જડ બની રહે. જે ચીનને મંજૂર નથી. ચીન તો પાકિસ્તાનનું રક્ષક છે. તેને વાંધો પડે જ. આમ ત્રણે બાજુએથી ઘેરાયેલા પાકિસ્તાનને આરબ દેશોને પણ તે પગલાથી જવાબ આપવો પડે. જોઈએ મુનીરની ટ્રમ્પ સાથેની મુલાકાતનું શું પરિણામ આવે છે. ટ્રમ્પની  મરક્યુરિયન રાજનીતિ મુનીર બરોબર જાણે છે અને તેથી ખરેખરા મુંઝાયા છે તે નક્કી છે.