Mosquito Menace Hits High-Tech Dubai : અત્યાધુનિક ઇમારતો, ઉમદા પરિવહન સેવાઓ, સ્વાસ્થ્યપૂર્ણ જીવનશૈલી અને ખૂબ સ્વચ્છતા માટે જાણીતું દુબઈ શહેર આજકાલ મચ્છરોથી ત્રસ્ત છે. ત્યાં મચ્છરોની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે યુએઈના આરોગ્ય મંત્રાલયે રહેવાસીઓ માટે ચેતવણી જારી કરવી પડી છે. સરકારે લોકોને સાવધાન અને સજ્જ રહેવાની અપીલ કરી છે. ચોખ્ખાચણાક દુબઈમાં મચ્છરોનો ઉપદ્રવ કઈ રીતે વધ્યો?
શુષ્ક પ્રદેશમાં મચ્છરો વધવાનું કારણ શું?
દુબઈ જેવા શુષ્ક પ્રદેશમાં પણ મચ્છરોની વસ્તી વધવાનું એક મુખ્ય કારણ પાણીનો સ્થિર સંગ્રહ છે. ઘરના છજાં, કુંડા, કૂલર અને ટાયરોમાં જમા થયેલું સ્થિર પાણી મચ્છરોના પ્રજનન માટે આદર્શ ઠેકાણું બને છે. મચ્છરના કરડવાથી ડેંગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાવાની શક્યતા વધે છે.
સરકારે સોશિયલ મીડિયા પર અપીલ કરી
ગલ્ફ ન્યૂઝ અનુસાર દુબઈના આરોગ્ય મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિડિયો સંદેશ શેર કરીને લોકોને જાગૃત કરતાં કહ્યું છે કે, મચ્છરના ડંખને હળવાશમાં ન લેશો. જો ડંખ્યા પછી તાવ, તીવ્ર માથાનો દુખાવો અથવા શરીરમાં બીજી કોઈ તકલીફ જણાય તો તાબડતોબ ડૉક્ટરની સલાહ લેશો.

ડંખ્યા પછી શું કરવું?
મંત્રાલયે નીચે મુજબના ઉપચાર સૂચવ્યા છે:
- ડંખવાળી જગ્યાને ખંજવાળવી નહીં.
- સોજો અને ખંજવાળ ઘટાડવા દસ મિનિટ સુધી બરફ રાખવો.
- ડૉક્ટરની સલાહ પ્રમાણે એન્ટિહિસ્ટેમાઈન ક્રીમનો ઉપયોગ કરવો.
મચ્છરો દૂર રાખવા માટે કેવી સાવધાનીઓ રાખવી?
મચ્છરની સંખ્યા નિયંત્રિત કરવા માટે મંત્રાલયે લોકોને નીચેના પગલાં ભરવા વિનંતી કરી છે:
- ઘરની આસપાસ પાણીનો સ્થિર સંગ્રહ ન થવા દેવો. છજાં, કૂંડા, કૂલર વગેરેની નિયમિત સફાઈ કરવી.
- મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
- બહાર જતી વખતે મચ્છર વિરોધી ક્રીમ (રીપેલન્ટ) લગાવવી.
- સ્થાનિક સરકારી વિભાગોને મચ્છરોના પ્રજનનના સ્થાનોની માહિતી આપવી.
સામુદાયિક ભાગીદારીની માંગ
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મચ્છરજન્ય રોગોથી બચાવ માત્ર સરકારી પગલાંથી નહીં, પણ સમુદાયની સક્રિય ભાગીદારીથી જ શક્ય છે. દરેક નાગરિકની જવાબદારી છે કે તેઓ પોતાના ઘર અને આસપાસ સફાઈ રાખે, અન્યોને જાગૃત કરે અને સરકારી સૂચનોનું પાલન કરે.


