World

નેપાળ બાદ વધુ એક દેશમાં Gen-Zનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે હિંસક અથડામણમાં ત્રણ પ્રદર્શનકારીઓના મોત

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
વિશ્વમાં વિવિધ દેશોમાં સરકાર વિરોધી આંદોલન ફાટી નીકળ્યા છે. સૌ પ્રથમ નેપાળ, બાદમાં ઈસ્ટ તિમોર, મડાગાસ્કરમાં Gen Z આંદોલન બાદ હવે મોરોક્કોમાં પણ યુવાનો સરકારની વિરૂદ્ધમાં રસ્તા પર ઉતર્યા છે. તેઓ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે, જેમાં સુરક્ષા દળો સાથે અથડામણ થતાં ત્રણ આંદોલનકારીના મોત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ બાદ વધુ એક દેશમાં Gen-Zનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે હિંસક અથડામણમાં ત્રણ પ્રદર્શનકારીઓના મોત

Morocco Protest: વિશ્વમાં વિવિધ દેશોમાં સરકાર વિરોધી આંદોલન ફાટી નીકળ્યા છે. સૌ પ્રથમ નેપાળ, બાદમાં ઈસ્ટ તિમોર, મડાગાસ્કરમાં Gen Z આંદોલન બાદ હવે મોરોક્કોમાં પણ યુવાનો સરકારની વિરૂદ્ધમાં રસ્તા પર ઉતર્યા છે. તેઓ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે, જેમાં સુરક્ષા દળો સાથે અથડામણ થતાં ત્રણ આંદોલનકારીના મોત થયા હતા. 

મોરોક્કોનું આ યુવા આંદોલન હિંસક બનતાં તેમજ ત્રણના મોત થયાના એક દિવસ બાદ ત્યાંની સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે યુવાનોની ફરિયાદોનું નિરાકરણ લાવશે.

સંવાદ કરવા તૈયારઃ પીએમ અઝીઝ

વડાપ્રધાન અઝીઝ અખન્નૌચે મંત્રી પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આ આંદોલનમાં થઈ રહેલા મોત પર શોક વ્યક્ત કરુ છું. કાયદા અમલીકરણ એજન્સીઓએ વ્યવસ્થા જાળવવાના પ્રયાસોની પ્રશંસા કરું છું અને સરકાર સારી જાહેર આરોગ્ય સેવાઓ અને શિક્ષણની માંગ કરી રહેલા દેખાવકારો પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવા તૈયાર છે. અમે સંસ્થાઓ અને જાહેર સ્થળોએ દેખાવકારો સાથે સંવાદ અને ચર્ચા માટે તૈયાર છે. આપણા દેશ સામેની ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો સંવાદ છે.  ઉલ્લેખનીય છે, તેઓ કયાં મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર થયા છો, તે અંગે સ્પષ્ટતા આપી ન હતી.



જાહેર ઈમારતોને કર્યું નુકસાન

ગુરુવારે અધિકારીઓએ આ અઠવાડિયાના રમખાણોમાં મૃત્યુઆંક ત્રણ થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સશસ્ત્ર તોફાની તત્ત્વોએ જાહેર ઇમારતો પર હુમલો કરી કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી હતી. આંદોલનકારીઓએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી. બુધવારે દરિયાકાંઠાના શહેર અગાદિરની બહાર આવેલા નાના શહેર લેકાલિયામાં સુરક્ષા દળોએ આંદોલનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પોલીસના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કરતી વખતે ત્રણને ગોળી વાગી હતી, જોકે કોઈ સાક્ષીએ આ અહેવાલની ખાતરી કરી નથી.



ઘણા અધિકારીઓ ઘાયલ

મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, આ હિંસક આંદોલનમાં 354 કાયદા અમલીકરણ અધિકારીઓ ઘાયલ થયા હતાં. દેશના 23 પ્રાંતોમાં સેંકડો કાર, બેન્કો, દુકાનો અને જાહેર ઇમારતોને નુકસાન કર્યું છે. આ આંદોલનમાં  લગભગ 70 ટકા દેખાવકારો સગીર છે. તેઓ દેશમાં સારી આરોગ્ય સુવિધાઓ આપવા તેમજ શિક્ષણ સુવિધામાં સુધારો કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. દેખાવકારોએ દલીલ કરી છે કે, સરકાર મોટાભાગનું ફંડ આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમો પાછળ વાપરી રહી છે. જ્યારે દેશની આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સરકારી સેવાઓ પર કોઈ ફંડ ફાળવી રહી નથી.