ટ્રમ્પનો હઠાગ્રહ અમેરિકન્સને નડ્યો, શટડાઉનને કારણે 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફર રઝળ્યાં

- એર ટ્રાફિક કંટ્રોલરોમાં ઘટાડો : એવિએશન મોરચે સ્થિતિ વધુ ખરાબ થશે
- અમેરિકાને શટડાઉનમાંથી બહાર કાઢવા અંતે હવે સેનેટરો મેદાનમાં ઉતર્યા : વીકેન્ડમાં બેઠક કરવા માટેની તૈયારી
- હાલમાં ચાર ટકાનો ફલાઇટ કેન્સલેશન રેટ આગામી સપ્તાહે 10 ટકાએ પહોંચતા અંધાધૂંધી સર્જાઈ શકે
USA Shutdown News: બે આખલા ઝગડ અને ઘાસનો ખો નીકળે તેવી સ્થિતિ હાલમાં અમેરિકન પ્રજાની થઈ છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સામસામે આવી જતાં અમેરિકામાં શટડાઉન દિનપ્રતિદિન નવો ઇતિહાસ રચી રહ્યુ છે. પણ આ બધામાં અમેરિકન પ્રજાની તકલીફો પારાવાર વધી ગઈ છે. શટડાઉનના કારણે અમેરિકામાં શુક્રવારે 1200 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. શનિવારે બીજી 700 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
આશ્ચર્યની વાત એ છે કે આ બધી ફ્લાઇટ્સ કોઈ સાઇબર હુમલા કે ટેકનિકલ અવરોધના કારણે બંધ કરવામાં આવી નથી, પણ શટડાઉનના કારણે બંધ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ આંકડો વધી જાય તો આ પણ એક નવો જ વિક્રમ સર્જાશે. ફ્લાઇટ કેન્સલેશન શટડાઉનની વિપરીત અસરનું પરિણામ છે. હાલમાં શરૂ થયેલું ફ્લાઇટ કેન્સલેશન તો ફક્ત ચાર ટકા જ છે અને તે દૈનિક ધોરણે 10 ટકાએ પહોંચી શકે છે.
આટલી બધી ફ્લાઇટ્સ રદ થતાં હજારો યાત્રીઓને હેરાનગતિ થઈ છે. થેન્ક્સગિવિંગ ડેને કેટલાક અઠવાડિયા બાકી રહી ગયા છે અને હવે જો શટડાઉન ખતમ નહીં થયું તો આગામી દિવસોમાં હેરાનગતિ હજી વધી શકે છે. દેશની સૌથી મોટી એરલાઇન કંપની અમેરિકન એરલાઇન્સે 220 ફ્લાઇટ રદ કરી છે. ડેલ્ટાએ લગભગ 170 ફ્લાઇટ્સ રદ કરી. જ્યારે સાઉથવેસ્ટ એરલાઇન્સે લગભગ 100 ફ્લાઇટ્સ રદ કરી.
ફ્લાઇટઅવેર મુજબ ગુરુવારે 6800થી વધુ ફ્લાઇટ્સ લેટ થઈ અને 200 ફ્લાઇટ્સ રદ થઈ. શટડાઉનના કારણે કેટલાય કર્મચારી વેતન વગર કામ કરી રહ્યા છે. ટ્રમ્પ તંત્રએ એર ટ્રાફિક કંટ્રોલરનો બોજ ઘટાડવા માટે ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાનું જણાવ્યું હતું. એટલાન્ટા, નેવાર્ક, શિકાગો, હ્યુસ્ટન અને લોસ એન્જલ્સ જેવા એરપોર્ટ પર સૌથી વધુ અસર પડી. ઓક્ટોબરમાં શરૂ થયેલું શટડાઉન થેન્ક્સગિવિંગ સુધી ખેંચાય છે તો સ્થિતિ વધુ ગંભીર બની જશે.
ફેડરલ એવિયેશન ઓથોરિટી (એફએએ)નું કહેવું છે કે આવી સ્થિતિ લાંબો સમય ચાલી તો ફ્લાઇટ્સની કામગીરી પણ થંભી જશ. હાલમાં શટડાઉનની પ્રક્રિયા ચાલી રહી હોવાથી એર ટ્રાફિક કંટ્રોલર પર ઓછામાં ઓછો બોજો આવે તે રીતે કામ કરવા આદેશ આપાયો છે. તેના પગલે ટ્રમ્પ તંત્ર એટીસીમાં પણ કાપ મૂકવાનું આયોજન કરી રહ્યું છે. સરકારી શટડાઉનનો અંત આવી રહ્યો નથી તો તેનો અંત લાવવા માટે સેનેટરો મેદાનમાં ઉતર્યા છે.
- અમેરિકાના શહેરોમાં સેના મોકલવાનો ટ્રમ્પનો હુકમ ગેરકાયદે : સુપ્રીમ
- 'પોસે-કોમીસ્ટેટસ એકટ' દેશની આંતરિક બાબતોમાં સૈન્યના ઉપયોગ પર પ્રતિબંધ મુકે છે.
વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઓક્ટોબરમાં કોર્ટે એક ઝટકો આપ્યો હતો. તે દરમિયાન સંધીય અપીલ કોર્ટે પોતાના જ દેશમાં સેના તૈનાત કરવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રકારના જ એક મામલામાં હમણાં જ કોર્ટે ફરી એકવાર ટ્રમ્પને ઝટકો આપતા પોતાના જ દેશમાં સેના મોકલવાના હુકમને ગેરકાયદે દર્શાવ્યો હતો. આ પૂર્વે ઓરેગોન અને પોર્ટલેન્ડ શહેરોમાં ૨૦૦ નેશનલ ગાર્ડસ તૈનાત કરવા ટ્રમ્પે આદેશ આપ્યો હતો. તેની ઉપર પણ કોર્ટે પ્રતિબંધ મુક્યો હતો.
ટ્રમ્પે લગાડેલા ટેરિફ વિરૂદ્ધ થોડા દિવસ પહેલાં જ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. તે અંગે ફેંસલો આવતાં પહેલાં ટ્રમ્પ થોડા ટેન્શનમાં હતા. તે ફેસલો આવે તે પહેલાં કોર્ટે ટ્રમ્પને એક વધુ ઝટકો આપી દીધો હતો. જેમાં દેશમાં જ સેના તૈનાત કરવાના ટ્રમ્પના હુકમને કોર્ટે ગેરકાયદે દર્શાવ્યો હતો.
ગયા મહિને ઓક્ટોબરમાં ટ્રમ્પે ઓરેગોન અને પોર્ટલેન્ડ શહેરમાં 200 જેટલા નેશનલ ગાર્ડ સૈનિકો મોકલવા ઉપર કોર્ટે 'રોક' મુકી હતી. તેમાં કહ્યું હતું કે ત્યાં સેના મોકલવા માટે કોઈ પુરાવા જ નથી.
મૂળ વાત તે છે કે, 'પોસ કોમીસ્ટેટસ એક્ટ' નામક સંધીય કાનૂન દેશની આંતરિક બાબતોમાં સેનાનો ઉપયોગ કરવાની મંજૂરી આપતો નથી. તેમાં તેમ પણ કહેવાયું છે કે, તેથી વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપર ખતરો ઉભો થઈ શકે છે.

