અફઘાનિસ્તાનમાં મહિલાઓ સહિત 80થી વધુને જાહેરમાં ફટકા મરાયા

- હજી પણ મધ્યયુગમાં જીવી રહેલા તાલિબાનો સુધરવાનું નામ લેતા નથી ત્યાં કોર્ટ કાર્યવાહી જેવું કશું છે જ નહીં
કાબુલ : અફઘાનિસ્તાનમાં ગયા મહિને મહિલાઓ સહિત ૮૦થી વધુને જાહેરમાં ફટકા મારવામાં આવ્યા હતા. આથી માનવ અધિકારવાદીઓએ તેની ઉગ્ર ટીકા કરી છે. તેમજ અફઘાનિસ્તાનમાં વિધિવત્ ન્યાયિક પ્રક્રિયા (કોર્ટ કાર્યવાહી)ના સંપૂર્ણ અભાવની પણ ભારે ટીકા વિશ્વભરમાં થઈ રહી છે.
આવી અમાનવીય ઘટનાના અહેવાલો મોડેથી પ્રસિદ્ધ થયા છે. તે પ્રમાણે આશરે ૮૦થી વધુને મેદાન-વર્દક, કાબુલ, ઝાબુલ, કમિશા, બઘલાન અને કુંઝ જિલ્લાઓમાં મળી ૮૦થી વધુને જુદા જુદા આરોપોસર હંટરના ફટકાની સજા કરવામાં આવી હતી. તે સજા 'તાલિબાનોની કોર્ટે' ફરમાવી હતી. તેમને વિધિવત્ ન્યાયિક પ્રક્રિયાથી પણ દૂર રખાયા હતા, અને ફટકાની સજા ફરમાવવામાં આવી હતી.
તેઓ ઉપર જુદા જુદા આરોપો મુકવામાં આવ્યા હતા. જેવા કે દારૂ પીવો અને વેચવો. નશાકારક દ્રવ્યોનું સેવન કે તેનું વેચાણ, તેમજ લગ્નેતર સંબંધોના આક્ષેપો મુકાયા હતા. તેમને કોર્ટમાં પોતાનો બચાવ રજૂ કરવામાં પણ દેવાયા ન હતા.
આ અપરાધીઓ અને તેમના અપરાધોની માહિતી 'ખાસ પ્રેમ' નામક પ્રસાર સંસ્થાએ શનિવારે પ્રસિદ્ધ કરેલા તેમના અહેવાલોમાં આપી હતી.
ટૂંકમાં કટ્ટરપંથી તાલિબાનો હજી મધ્યયુગમાં જ જીવે છે, દુનિયા ક્યાંથી ક્યાં જઈ રહી છે તે પ્રત્યે તેઓ આંખો બંધ જ રાખે છે.
માનવ અધિકારો કે સુવ્યવસ્થિત ન્યાયતંત્ર જેવું ત્યાં કશું રહ્યું હોય તેમ લાગતું નથી. મધ્ય યુગીય જીવન તેઓ જીવે છે. મધ્ય યુગીય કાનૂનોને અનુસરે છે.








