જાપાનમાં ફન્ફલુએન્ઝાના ૬૦૦૦ થી વધુ દર્દીઓ, મહામારી જાહેર કરવી પડી

ટોક્યો,૧૪ ઓકટોબર,૨૦૨૫,મંગળવાર
દુનિયામાં ઇન્ફલુએન્ઝાની બીમારી વધતી જાય છે. જાપાનની વાત કરીએ તો આ બીમારીને મહામારી જાહેર કરવામાં આવી છે. જાપાન જ નહી અનેક દેશોમાં ઇન્ફલુએન્ઝાએ કાળો કેર વરતાવ્યો છે. ભારતમાં પણ પ્રમાણમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એચ૩એન૨ વાયરસનો પ્રસાર ચિંતાનો વિષય બની શકે છે. ૧૯૬૮માં હૉંગકૉગ ફલૂ મહામારીનું કારણ બનેલા સ્ટ્રેનનો વંશજ માનવામાં આવે છે.
એક જર્મન વેબસાઇટની માહિતી મુજબ જર્મનીના ફેડરલ ઇન્સ્ટીટયૂટ ફોર એનિમલ હેલ્થ (ફેડરિક લોફલર ઇન્સ્ટીટયૂટ) માને છે કે આ વિશેષ પ્રકારનો સ્ટ્રેન માનવ અને એવિયન ઇન્ફલુએન્ઝા વાયરસનું મિશ્રણ છે. ફલુના દર્દીઓમાં નાની ઉંમરના વધારે હોવાનું જાણવા મળે છે. તાવ, ખાંસી અને ગળામાં દુખાવાના મુખ્ય લક્ષણો જોવા મળે છે. અનેક દેશોમાં હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઇ રહયા છે જેમાં જાપાન, ભારત, સિંગાપુર અને થાઇલેન્ડનો પણ સમાવેશ થાય છે.

જાપાન ઇન્ફલુએન્ઝાને લઇને ખૂબજ સાવચેત થઇ ગયું છે. જાપાનના સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલા આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇન્ફલુએન્ઝાના કેસમાં છેલ્લા પાંચ અઠવાડિયામાં રેકોર્ડતોડ વૃધ્ધિ જોવા મળે છે, આવી પરિસ્થિતિ છેલ્લા બે દાયકામાં બીજી વાર સર્જાઇ છે. જાપાનમાં ૨૨ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ૪ હજારથી વધુ લોકોએ ફલુની સારવાર લીધી હતી. ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર દરમિયાન આ સંખ્યા વધીને ૬૦૦૦ થઇ છે. સરેરાશ દર ૧.૫૬ છે જે મહામારીની મર્યાદાને પાર કરી ગયો છે. જેમાં ઓકિનાવાનો દર સૌથી વધારે છે.
ગત વર્ષ ફલુની બીમારી થઇ ત્યારે ૦.૭૭ હતો જેની સરખામણીમાં આ બમણો છે. ૩ ઓકટોબર સુધીમાં જાપાનમાં ૧૩૫ સ્કૂલ અને કેટલાક ચાઇલ્ડ કેર કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્ફલુએન્ઝા વાયરસ ચાર પ્રકારનો હોય છે જેમાં એ,બી,સી અને ડી સામેલ છે. મુખ્ય રીતે એ અને બી ટાઇપ ઇન્ફલૂએન્ઝા મૌસમી પ્રકોપનું કારણ બને છે. અમેરિકી રોગ નિયંત્રણ અને રોગ નિવારણ કેન્દ્ર (સીડીસી) અનુસાર ઇન્ફલુએન્ઝા અને સામાન્ય શરદીના લક્ષણો એક સરખા હોય છે પરંતુ સામાન્ય દર્દી રાઇનો વાયરસ સહિત અનેક વાયરસોથી પણ ફેલાય છે.








