ગાઝામાં ભૂખમરાથી વધુ ને વધુ મૃત્યુ થાય છે નેતન્યાહૂ સમગ્ર પટ્ટી પર સંપૂર્ણ કબજો ઇચ્છે છે
- ગાઝાપટ્ટીમાં રોજ આશરે 28 બાળકો ભૂખથી મૃત્યુ પામે છે
- આ માટે રણનીતિ ઘડવા નેતન્યાહૂએ સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝ સેનાધ્યક્ષ ઇયાલ ઝમીર સાથે મંત્રણા કરી સ્ટ્રેટેજિક અફેર્સ મંત્રી ડેરમેટ ઉપસ્થિત હતા
તેલઅવિવ : વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ સમગ્ર ગાઝાપટ્ટી ઉપર કબજો જમાવવા કટિબદ્ધ થયા છે. મીડીયા રીપોર્ટ જણાવે છે કે, ૨૨ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધ અંગે તેઓ નવી જ રણનીતી ઘડી રહ્યા છે.
બીજી તરફ અત્યંત આંતરરાષ્ટ્રીય દબાણ છતાં હમાસ- ઇઝરાયલ વચ્ચેની મંત્રણા પડી ભાંગી છે. જ્યારે ગાઝામાં વ્યાપક ભૂખમરો છે. ગાઝાપટ્ટીમાં રોજ આશરે ૨૮ બાળકો ભૂખમરાથી મૃત્યુ પામે છે. તેમ સંયુક્ત રાષ્ટ્રોનો જ રીપોર્ટ જણાવે છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગાઝામાં વધુ ૮નાં મોત, ભૂખમરાથી થયા છે અને ૭૯ લોકો ઇઝરાયલના ગોળીબારનો ભોગ બન્યા છે.
વડાપ્રધાન નેતન્યાહૂ નવી જ રણનીતિ ઘડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝ સેનાધ્યક્ષ ઇયાલ ઝમીર તેમજ અન્ય અધિકારીઓ સાથે નેતન્યાહૂ મંત્રણા કરી રહ્યા હતા. ત્યારે તેઓએ તેઓના ખાસ માનીતા તેવા સ્ટ્રેટેજિક અફેર્સ મંત્રી રોન ડેરમેરને પણ બોલાવ્યા હતા.
હવે વાત તે સ્તરે પહોંચી છે કે, શાંતિ મંત્રણા માટે રહેલા મધ્યસ્થીઓએ આગળ કાર્યવાહી કરવા ઉપર પૂર્ણવિરામ મુકી દીધું છે.
૨૦૦૫માં તો તેવો નિર્ણય લેવાયો હતો કે, ઇઝરાયલે યહૂદી વસાહતીઓને ગાઝાપટ્ટીના સમુદ્ર તટેથી તેમજ જોર્ડન નદીના પશ્ચિમ કાંઠેથી ખસેડી લેવા. પરંતુ તે બધું ભૂલાઈ ગયું છે. ગોલન-હાઈટસ ઉપર તે કબજો છોડવા માગતું નથી.
આ પરિસ્થિતિમાં શાંતિ મંત્રણા થઈ શકે જ નહીં. ટૂંકમાં તે બંને વિસ્તારોમાંથી આરબો (પેલેસ્ટાઈનીઓ) ને દૂર કરી ગાઝાપટ્ટીના ઉત્તરના ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશમાં ટ્રમ્પ અમેરિકાનાં નૌકા મથકો, ભૂમિ સેના મથકો અને વાયુસેના મથકો સ્થાપવા માગે છે. તેથી ઇઝરાયલને તે વિસ્તાર સાફ કરવા કહ્યું હશે. માટે ગાઝાપટ્ટી પર ઇઝરાયલ સંપૂર્ણ કબજો જમાવી દેવા માગે છે.