Get The App

ગુજરાતના મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે આત્મસમર્પણ કર્યું, રશિયા તરફથી યુદ્ધ લડતો હોવાનો દાવો

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે આત્મસમર્પણ કર્યું, રશિયા તરફથી યુદ્ધ લડતો હોવાનો દાવો 1 - image


Russia vs Ukrain War news: રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહંમદ હુસેને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી ગુજરાતના મોરબી શહેરનો રહેવાસી છે અને તે ભણવા માટે રશિયા ગયો હતો. જો કે ત્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું કે તેને યુદ્ધ ભૂમિમાં ઉતરવાની ફરજ પડી હતી.

યુક્રેનની 63મી મેકેનાઇઝ્ડ બ્રિગેડે મંગળવારે એક વીડિયો જારી કરી જણાવ્યું હતું કે માજોતીને રશિયામાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જેલ જવાથી બચવા માટે તેને રશિયન સેનામાં સામેલ થવાની ઓફર આપવામાં આવી હતી. આ ઓફર તેણે સ્વીકારી લીધી હતી. 

માજોતીએ જણાવ્યું હતું કે તે જેલ જવા માંગતો ન હતો. જેના કારણે તેને રશિયન સેનાનો કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડયો હતો. તેને ફક્ત ૧૬ દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક ઓક્ટોબરે તેને યુદ્ધના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો હતો.

ત્રણ દિવસ પછી પોતાના કમાન્ડર સાથે ઝઘડો થતાં તેણે યુક્રેન સેના સામે આત્મ સમર્પણ કરી લીધું હતું. તેણે યુક્રેન સેનાને જણાવ્યું હતું કે મારે લડવું નથી મારે મદદની જરૂર છે. 

માજોતીએ જણાવ્યું હતું કે તે રશિયા પરત ફરવા માંગતો નથી. સેનામાં ભરતીને બદલે તેને નાણાં આપવાનું જણાવવામાં આવ્યું હતું પણ તેને કંઇ પણ મળ્યું ન હતું. 

ભારતના વિદેશ મંત્રાલયે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે  રશિયા તરફથી લડતી વખતે યુક્રેનમાં 12 ભારતીયોનાં મોત થયા છે. અત્યાર સુધી 126 ભારતીય નાગરિકોને રશિયન સેનામાં સામેલ કરવાના કેસો સામે આવ્યા છે. જેમાંથી 96 લોકો ભારત પરત આવી ગયા છે. 18 ભારતીયો હજુ પણ રશિયામાં ફસાયેલા છે. જે પૈકી 16ની કોઇ માહિતી મળી નથી. જોકે આ અહેવાલ અંગે હજુ સુધી ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી કે કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી. 

Tags :