'શેખ હસીનાના કારણે અમને ભારત સામે વાંધો', યુનુસે ફરી ઝેર ઓક્યું
Bangladesh PM Mohammad Yunus: બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીમાં આયોજિત ઈન્ટરેક્ટિવ સેશનમાં યુનુસે ભારત પર આક્ષેપ કર્યો છે કે, ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ તણાવપૂર્ણ છે. કારણકે, ભારતને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા છેડાયેલું આંદોલન પસંદ નથી.
યુનુસે કહ્યું કે, 'હજુ પણ ભારત સાથે પડકારો છે. ભારતને બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન પસંદ આવ્યું નથી. તે શેખ હસીનાની મેજબાની કરી રહ્યું છે. જે પૂર્વ વડાપ્રધાન છે, તેમણે આ બધી સમસ્યાઓ સર્જી છે, તેમણે પોતાના કાર્યકાળમાં અનેક યુવાનોની હત્યાને અંજામ આપ્યો છે. તેમ છતાં ભારતે શેખ હસીનાને શરણું આપ્યું છે. આ બાબત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ ઉભો કરી રહી છે.
ભારત જુઠાણું ફેલાવી રહ્યું છેઃ યુનુસ
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, 'સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ભારત તરફથી સતત ખોટા અહેવાલો અને સમાચાર ફેલાવાઈ રહ્યા છે. જેમાં તે આ આંદોલનને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. તે આંદોલનને ઈસ્લામી અને વિદ્યાર્થીઓને તાલિબાની તરીકે દર્શાવી રહ્યું છે. કહી રહ્યું છે કે, તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે, તે (ભારત) એવું પણ કહે છે કે, હું પણ તાલિબાની છું, જો કે મારી પાસે દાઢી નથી અને હું ઘરમાં જ રહુ છું. તેમ છતાં તેના દ્વારા મને તાલિબાની ઠેરવવાનું ચાલુ જ છે. અંતે મારે સામે આવીને મારી ઓળખ બતાવવી પડી. જુઓ, આ મુખ્ય તાલિબાન છે. આ જ વાસ્તવિકતા છે.
ઉલ્લેખનીય છે, બાંગ્લાદેશના પીએમની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે તેના મુખ્ય સલાહકાર ન્યૂયોર્કમાં છે. અને યુએન મહાસભામાં ભાગ લઈ રહ્યા છે. યુનુસે જણાવ્યું હતું કે, ભારત સાથે આ તણાવ માત્ર વિદ્યાર્થીઓના આંદોલનો અને મીડિયા પ્રચારના કારણે ઉત્પન્ન થયો છે. તેને રાજકીય રૂપે વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.