World

ભારતને મોટો ઝટકો! ક્વાડ સમિટમાં ભાગ લેવા ટ્રમ્પ દિલ્હી નહીં આવે, ન્યુયોર્ક ટાઈમ્સનો દાવો

By GS TEAM
31 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ અને મોદીની મિત્રતાના પગલે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું હતું. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ શરૂ થઈ, જેનું મુખ્ય કારણ પ્રમુખ ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઈઝ માટે પીએમ મોદીને કરેલો ફોન કોલ હતો તેમ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ઘટસ્ફોટ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને મોટો ઝટકો! ક્વાડ સમિટમાં ભાગ લેવા ટ્રમ્પ દિલ્હી નહીં આવે, ન્યુયોર્ક ટાઈમ્સનો દાવો

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ અને મોદીની મિત્રતાના પગલે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું હતું. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ શરૂ થઈ, જેનું મુખ્ય કારણ પ્રમુખ ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઈઝ માટે પીએમ મોદીને કરેલો ફોન કોલ હતો તેમ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ઘટસ્ફોટ કર્યો છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ હવે ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના નથી. ટ્રમ્પ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાના હતા. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર અમેરિકા અને ભારત બંને સરકારો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે અગાઉ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરી હતી કે તેઓ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેશે, પરંતુ હવે તેમણે આ યોજના રદ કરી દીધી છે. હાલમાં, આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર અમેરિકા અને ભારત બંને સરકારો તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી. હકીકતમાં, ભારત આ વર્ષના અંતમાં ક્વાડ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્રે જાન્યુઆરીમાં ક્વાડ વિદેશ પ્રધાનોની બેઠક યોજી હતી, જ્યારે ટ્રમ્પે તેમનો બીજો રાષ્ટ્રપતિ કાર્યકાળ શરૂ કર્યો હતો.

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂર પછી પ્રમુખ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કરાવ્યાનો દાવો કર્યો હતો. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠક માટે કેનેડા પહોંચ્યા હતા. આ સમયે 17 જૂને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કોલ કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત થઈ હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કહ્યું કે, પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે. ભારતે પણ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ. પરંતુ પીએમ મોદીએ ટેલિફોન પર જ ટ્રમ્પની આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. 

ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકન અધિકારીઓને ટાંકીને દાવો કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને વ્હાઈટ હાઉસ આવવા આમંત્રણ આપ્યું હતું. કારણ કે તે સમયે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ વ્હાઈટ હાઉસમાં જ ટ્રમ્પ સાથે એક કાર્યક્રમમાં જોડાવાના હતા. ટ્રમ્પની ઈચ્છા હતી કે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી અને અસીમ મુનીરના હાથ મિલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેનો અમેરિકાના વિજય તરીકે પ્રચાર કરવામાં આવે. પરંતુ પીએમ મોદીએ વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ ફગાવી દેતા ટ્રમ્પને ભારે આંચકો લાગ્યો હતો.

પીએમ મોદીએ ટ્રમ્પને ફોન પર જ સ્પષ્ટ કહી દીધું હતું કે, પાકિસ્તાન સાથેના સીઝફાયરમાં તેમની કે અમેરિકાની કોઈ ભૂમિકા નથી. આ યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધા સંપર્ક મારફત કરવામાં આવ્યું છે. પીએમ મોદીની વાતથી ટ્રમ્પ નારાજ થઈ ગયા. ત્યાર પછી ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટો પણ પડી ભાંગી. વધુમાં ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો જંગી ટેરિફ નાંખી દીધો.