Get The App

Explainer: મિશન ‘ગોલ્ડન ડાયનામાઇટ’, નોબેલ વિજેતા મારિયા મચાડોને વેનેઝુએલાથી નોર્વે લઈ જવા કરાયું દિલધડક ઓપરેશન

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: મિશન ‘ગોલ્ડન ડાયનામાઇટ’, નોબેલ વિજેતા મારિયા મચાડોને વેનેઝુએલાથી નોર્વે લઈ જવા કરાયું દિલધડક ઓપરેશન 1 - image


Mission Golden Dynamite : વેનેઝુએલાના વિપક્ષી નેતા, માનવાધિકાર કાર્યકર્તા અને વર્ષ 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ‘મારિયા કોરિના મચાડો’ને તેમના જ દેશ વેનેઝુએલામાંથી સલામતીપૂર્વક બહાર લઈ જવાનું દિલધડક ગુપ્ત મિશન પાર પડી ગયું છે. મારિયા કઈ રીતે વેશપલટો કરીને, તોફાની કેરેબિયન સમુદ્રમાં નાની હોડીમાં સફર ખેડીને, ગુપ્તપણે હવાઈયાત્રા કરીને નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા એની વિગતો હેરતઅંગેઝ છે. 

ગુપ્ત મિશનની જરૂર શા માટે પડી?

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરો સરમુખત્યાર હોય એમ દમનકારી નીતિ આચરી રહ્યા છે. લોકશાહી અને માનવાધિકારોના હિમાયતી મારિયા કોરિના મચાડો માદુરોશાસન વિરુદ્ધ પ્રખર અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચળવળ ચલાવીને માદુરો સરકારને પડકારી હોવાથી તેમની અને તેમના પરિવારની સલામતી જોખમમાં હતી. પરિણામે મારિયા છેલ્લા ઘણાં સમયથી વેનેઝુએલામાં જ છુપાઈને રહેતા હતા. તેઓ લગભગ એક વર્ષથી જાહેરમાં નહોતા દેખાયા. બે વર્ષથી તેઓ બાળકોને પણ નહોતા મળી શક્યા. દેશવાસીઓની સંપૂર્ણ સ્વતંત્રતા માટે લડત બદલ મારિયાને વર્ષ 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. નોર્વેની રાજધાની ઓસ્લોમાં તાજેતરમાં યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારંભમાં જવું મારિયા મચાડો માટે જરૂરી હતું કારણ કે, ત્યાં જઈને તેઓ પોતાની વાત વિશ્વને જણાવી શકે એમ હતા. વેનેઝુએલામાં તો મારિયા મચાડો જાહેરમાં આવે તો માદુરો સરકાર તેમની ધરપકડ કરે એવું જોખમ હતું. આ જ કારણસર તેમને વેનેઝુએલાથી સુરક્ષિત રીતે ઓસ્લો લઈ જવા ગુપ્ત મિશનનું આયોજન કરાયું હતું. 

‘ગ્રે બુલ’ દ્વારા કરાયું મિશનનું જડબેસલાક આયોજન

આ મિશનનું આયોજન ‘ગ્રે બુલ રેસ્ક્યુ ફાઉન્ડેશન’ દ્વારા કરાયું હતું, જેની સ્થાપના બ્રાયન સ્ટર્ને કરી છે. બ્રાયન અમેરિકન સ્પેશિયલ ફોર્સના પૂર્વ સૈનિક છે. તેમની સંસ્થા જોખમી સ્થિતિઓમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરીમાં માહેર છે. મારિયાને વેનેઝુએલાની બહાર લઈ જવા માટે સ્ટર્ન અને તેમની ટીમે વેનેઝુએલાની નજીકના ટાપુ અરુબા પર તૈયારી કરી હતી. ગુપ્ત મિશનને ‘ગોલ્ડન ડાયનામાઇટ’ નામ અપાયું હતું કારણ કે, નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઇટની શોધ કરી હતી અને એમના નામે અપાતો પુરસ્કાર સ્વીકારવા માટે જ મારિયા ઓસ્લો જવાના હતા.

ઓપરેશનનો તાત્કાલિક ધોરણે અમલ થયો 

મારિયા મચાડો જેવી હાઇ-પ્રોફાઇલ વ્યક્તિને વેનેઝુએલાની સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવીને દેશ બહાર લઈ જવાનું કામ કપરું હતું. ઘણાં વિકલ્પો વિચાર્યા બાદ આખરે સમુદ્રી માર્ગ પસંદ કરાયો અને ઓપરેશન ઝડપથી અમલમાં મૂકાયું. 5 ડિસેમ્બર, શુક્રવારના રોજ ગ્રે બુલ ટીમનો સંપર્ક કરાયો અને ટીમ કામમાં લાગી ગઈ. મારિયા જ્યાં છુપાઈને રહેતા હતા ત્યાંથી તેમને જમીન માર્ગે દરિયા કિનારે લઈ જવાયા. ત્યાંથી એક નાની હોડીમાં બેસાડીને તેમને દરિયામાં મોટી બોટ પર લઈ જવાયા. તે બોટ એક અજાણ્યા સ્થળે પહોંચી અને ત્યાંથી વિમાન માર્ગે તેમને ઓસ્લો પહોંચાડી દેવાયા. જો કે, ચોક્કસ કયા સ્થળેથી ક્યાં જવાયું હતું, એ વિશે ગ્રે બુલ ટીમે કશું જણાવ્યું નથી. 

આ પણ વાંચો: Photos: જૉર્ડનમાં PM મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર, બંને દેશો વચ્ચે 5 કરાર

મિશનમાં આવેલા વિઘ્નો અને રખાયેલી તકેદારી 

કેરેબિયન સમુદ્ર તોફાની હતો. એમાં નાની હોડી દ્વારા હંકારવું જોખમી હતું કારણ કે, 10 ફૂટ (લગભગ 3 મીટર) જેટલા ઊંચા મોજા ઊછળી રહ્યા હતા. ઠંડી પણ ખૂબ વધારે હતી. કોઈ જોઈ ન લે એ માટે હોડીમાં સંપૂર્ણ અંધકાર હતો. તોફાની દરિયામાં એન્જિન ખરાબ થઈ જાય કે હોડી પલ્ટી જાય તો જીવનું જોખમ હતું. આ કારણસર મુસાફરી વખતે મારિયાનો ચહેરો અને ડિજિટલ ઓળખ(બાયોમેટ્રિક્સ)ને છુપાવવાનું ખાસ ધ્યાન રખાયું હતું. તેમના ફોનને ટ્રેક ન કરી શકાય એવી વ્યવસ્થા પણ કરાઈ હતી. 

બ્રાયને જણાવ્યું હતું કે, સફરમાં નડેલી હવામાન સંબંધિત પ્રતિકૂળતાઓ છતાં મારિયા અડગ અને મજબૂત રહ્યા. દરિયાના પાણીની છાલક હોડીમાં ધસી આવતાં તેઓ સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા, તેમનું શરીર ઠંડીથી ધ્રૂજતું હતું, પરંતુ તેમણે એક પણ ફરિયાદ કરી નહીં.

મિશનમાં ભાગ લેનારા લોકોને પણ મિશનની સંપૂર્ણ જાણ ન હતી!

‘ગોલ્ડન ડાયનામાઇટ’ વિશે કોઈને કાનોકાન ખબર ન પડે એ માટે એની સંપૂર્ણ માહિતી મિશન સાથે સંકળાયેલા લોકોને પણ નહોતી અપાઈ. મિશન સાથે જોડાયેલા લોકોને ફક્ત એટલી જ ખબર હતી કે કોઈને બચાવવાની કાર્યવાહી કરવાની છે, પણ કોને, એ એમનેય નહોતી ખબર. ફક્ત ગ્રે બુલ ટીમને જ સંપૂર્ણ વિગતોનો ખ્યાલ હતો.

ઓસ્લો એક દિવસ મોડા પહોંચતા સમારંભ ‘મિસ’ કર્યો 

આખરે આ મિશન સફળ થયું. મારિયા 11 ડિસેમ્બર, ગુરુવારના રોજ વહેલી સવારે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચી ગયા. જો કે પુરસ્કાર વિતરણ સમારંભ એક દિવસ અગાઉ યોજાઈ ગયો હતો, જેમાં મારિયાની પુત્રીએ ઍવૉર્ડ સ્વીકાર્યો. એટલે મારિયાએ સમારંભ ‘મિસ’ કરી દીધો, પણ તેમના બાળકોને મળીને તેઓ ખૂબ ખુશ થયા. 

આ ગુપ્ત દિલધડક ઓપરેશન માટે ભંડોળ અમેરિકાએ આપ્યું?

અમેરિકાને વેનેઝુએલાની સ્વતંત્રતામાં બહુ રસ હોવાથી આ ગુપ્ત મિશન માટેનું ભંડોળ અમેરિકાએ આપ્યું હોવાની ચર્ચા ચાલી હતી. જો કે, બ્રાયન સ્ટર્ને સ્પષ્ટ કર્યું હતું કે, આ મિશન માટેનું ભંડોળ અમેરિકન સરકારે નહીં, પરંતુ વેનેઝુએલાના ખાનગી દાતાઓ દ્વારા અપાયું હતું. નાણાંકીય મદદ કરનારા સ્થાનિકોની ઓળખ ગુપ્ત રખાઈ છે. 

આ પણ વાંચો: કોણ છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા? તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ, વર્ષોથી લોકશાહી માટે સંઘર્ષ

મારિયા વેનેઝુએલા પાછા ફરશે? 

મારિયા મચાડોએ ઓસ્લોમાં જણાવ્યું હતું કે દેશવાસીઓને માટે હું વેનેઝુએલા પાછા ફરવાનો ઇરાદો રાખું છું. પછી ભલે કોઈપણ જોખમ વહોરવું પડે. મારું માનવું છે કે, દેશમાં રહીને જ તેઓ દેશમાં લોકશાહીની પુનઃસ્થાપનાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકાશે.