યમનમાંથી ઈઝરાયેલ પર મિસાઇલ્સ છોડાયાં તેલ-અવીવમાં દહેશત : ઠેર ઠેર સાયરનો ગર્જી

- તેલ અવીવ, જેરૂસલેમ, અને મધ્ય ઈઝરાયેલમાં હવાઈ હુમલાની ચેતવણી : ચારે તરફ ગભરાટ : લોકો સુરક્ષિત સ્થાનો તરફ દોડયા
તેલ અવીવ : ગાઝા શહેર અને ગાઝાપટ્ટી ઉપર વિનાશક હવાઈ તેમજ મિસાઇલ્સ હુમલા કરી તેને નર્કાગારમાં ફેરવી અનેક બાળકો અને નાગરિકોને ભૂખમરામાં ધકેલનાર ઈઝરાયલ હવે યમનમાંથી આવતા મિસાઇલ્સ હુમલાઓથી હલબલી ઊઠયું છે. તેલ અવીવ, જેરૂસલેમ અને મધ્ય ઈઝરાયલ ઉપર યમનમાંથી અસંખ્ય મિસાઇલ્સ વરસી રહ્યાં છે. તેલ અવીવ, જેરૂસલેમ અને મધ્ય ઈઝરાયલમાં હવાઈ હુમલાની સાયરનો વારંવાર ગર્જી રહી છે. નાગરિકો ભયના માર્યાં અહીં-તહીં દોડી સુરક્ષિત સ્થાનોમાં આશ્રય શોધી રહ્યાં છે.
જોકે અમેરિકાએ આપેલા મિસાઇલ્સથી યમનમાંથી આવતા મિસાઇલ્સ અધવચ્ચે જ હવામાં તોડી નખાય છે. પરંતુ આટલા બધાં મિસાઈલ્સ પૈકી ઘણાએ ધાર્યા નિશાન પર પડી રહ્યાં છે.
ઈઝરાયલ-ડીફેન્સ ફોર્સે પણ જણાવ્યું હતું કે યમનમાંથી હુથી વિદ્રોહીઓ દ્વારા મિસાઇલ્સ છોડાયા પછી તેલ અવીવ અને જેરૂસલેમ સહિત અનેક ક્ષેત્રોમાં સાયરનો વારંવાર ગર્જી રહે છે, તેથી નાગરિકોને સુરક્ષિત સ્થાનો તરફ નાસવું પડયું હતું.
દરમિયાન ઈઝરાયલી-ડીફેન્સ-ફોર્સે દક્ષિણ લેબેનોનમાં આવેલાં ડીએર-ફીફા ક્ષેત્ર સ્થિત હિઝબુલ્લાહના શસ્ત્ર ભંડાર ઉપર બરોબર તેનાં કેન્દ્રમાં જ હુમલો કર્યો હતો. સેનાએ કહ્યું કે આ કેન્દ્ર ઈઝરાયલ-લેબેનોન સમજૂતીનાં ઉલ્લંઘન સમાન છે. આ સાથે, ઈઝરાયલી સેનાએ સ્પષ્ટ ધમકી ઉચ્ચારી હતી કે ઈઝરાયલ અને તેના નાગરિકો સામે ઊભા થતા કોઈપણ ખતરાને ખતમ કરવા માટે તે તેની કાર્યવાહી ચાલુ રાખશે જ.








